Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

પાંજરાપોળોમાં ઉભી કરાશે ગૌમુત્ર અને ગોબર બેંકઃ ગાયોના કલ્યાણ માટે આવકનું સાધન બની રહેશેઃ

ગૌમુત્ર અને છાણનું વેચાણ કરાશેઃ આ આવક ગાયોના કલ્યાણ અને ગાયોને કતલખાને જતી અટકાવવામાં ઉપયોગી બની રહેશેઃ આ ગૌમુત્ર અને છાણ ઓર્ગેનિક ખાતર અને પેસ્ટીસાઈડ બનાવતી કંપનીઓને વેંચી આવક ઉભી કરાશે

અમદાવાદ, તા. ૧૫ :. ગૌરક્ષા માટે ગુજરાત સરકારે એક નવીનતમ રસ્તો શોધ્યો છે. ગાયોના કલ્યાણ અને તેઓને કતલખાને જતી રોકવા માટેનુ ફંડ એકઠુ કરવા માટે સરકારે ગાયના છાણ અને ગૌમુત્રનો સહારો લેવાનું નક્કી કર્યુ છે. જીવદયાના લોકોની માંગણીઓને વશ થઈ સરકાર રાજ્યભરમાં આવેલી પાંજરાપોળોમાં ગાયનું છાણ અને ગૌમુત્ર અંગેની બેંક શરૂ કરશે કે જેથી ફંડ ઉભુ થઈ શકે. આ ફંડનો ઉપયોગ તરછોડાયેલી ગાયોના રક્ષણ માટે અને ગાયોને કતલખાને જતી રોકવા માટે કરવામાં આવશે.

ગુજરાત સરકારના સિનીયર પ્રધાન અને કાઉ કન્ઝર્વેશન અંગેનો ચાર્જ સંભાળતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, સરકાર પાંજરાપોળોમાં ગૌમુત્ર અને ગોબર બેંક ઉભી કરવા માગે છે.

જેનો ઉપયોગ ઓર્ગેનિક ફર્ટિલાઈઝર અને નેચરલ પેસ્ટીસાઈડ તરીકે થાય છે. આનુ વેચાણ કરી ફંડ ઉભુ કરવામાં આવશે.

સરકારની ઈચ્છા છે કે વિવિધ પાંજરાપોળમાં ઉભી થનારી આવી બેંકોમાંથી ગોબર અને ગૌમુત્ર એકઠુ કરવાને સરકાર પ્રોત્સાહન આપશે અને તેનુ વેચાણ ઓર્ગેનિક ફર્ટિલાઈઝર તરીકે થાય તે માટે પ્રયાસ કરશે. આયુર્વેદીક પ્રોડકટ, નેશનલ પેસ્ટીસાઈડ અને ઓર્ગેનિક ખાતર બનાવતી કંપનીઓ માટે ગૌમુત્ર અને છાણ કાચો માલ બની રહેશે. તેમણે કહ્યુ હતુ કે, જ્યાં ગોબર અને ગૌમુત્ર એકઠુ થશે ત્યાં સિસ્ટેમેટીક મોડલ વિકસાવવામાં આવશે. પેકીંગ અને ડીસ્ટ્રીબ્યુશન પણ સારી રીતે કરવામાં આવશે. અમે આની અંદર ખેડૂત સહકારી મંડળીઓનો પણ સહકાર લેશું.

બેંક પ્રોજેકટ સારો છે અને ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ગુજરાત મુશ્કેલીમા છે ત્યારે આ બાબત તેના ફળ લાવશે. ઘાસચારાના અભાવે ઢોર-ઢાંખર મુશ્કેલીનો સામનો કરે છે ત્યારે સરકારના આ નિર્ણયથી ઢોર-ઢાંખરને પણ ફાયદો થશે.(૨-૬)

(12:01 pm IST)