Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં ભાજપ સરકાર દેવસ્થાનોના શરણે

રાજ્યના ૨૦૦ ધર્મસ્થાનોના જિર્ણોધ્ધારનો તખ્તો તૈયારઃ ૨૦૦ વર્ષ જૂના મંદિર, દરગાહ, ગુરૂદ્વારા સહિતના ધાર્મિક સ્થળો માટે સરકાર ફંડ ફાળવશે

અમદાવાદ તા. ૧૫ : પાડોશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં પ્રજાએ ભાજપના ઉમેદવારોને જાકારો આપ્યો છે. આ સ્થિતિમાં આવી રહેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનો ગઢ જાળવી રાખવા રાજય સરકારે તમામ ધર્મના ૨૦૦ વર્ષ જૂના દેવસ્થાનોના જિર્ણોધ્ધાર માટે આર્થિક ફંડ ફાળવવાનો તખ્તો તૈયાર કર્યો છે.

ઉત્ત્।રપ્રદેશમાં ભાજપની યોગી સરકાર હિંદુ દેવસ્થાનો, ધાર્મિક સ્થળોના વિકાસ માટે મોટાપાયે ફંડ ફાળવણીની જાહેરાતો કરી ચૂકી છે. ગુજરાતમાં પણ ભાજપની સરકાર આ રસ્તે આગળ વધી રહી છે.

ગુજરાત સરકાર હાલમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હસ્તકના ૩૫૮ દેવસ્થાનોનું સંચાલન કરે છે. આ દેવસ્થાનો ઉપરાંત પવિત્ર જે દેવસ્થાનો સરકાર હસ્તક નથી તેવા ૨૦૦ વર્ષ જૂના દેવસ્થાનોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાંથી ૨૦૦ દેવસ્થાનોને અલગ તારવીને તેના માળખા, બાંધકામ, યાત્રાળુઓ માટેની વ્યવસ્થાઓના સર્જન માટે સરકાર આર્થિક મદદ કરશે. રાજયમાં પહેલીવાર સરકાર હસ્તકના દેવસ્થાનો સિવાયના દેવસ્થાનોની મરામત, વિકાસ માટે યોજનાને આખરી સ્વરૂપ આપવામાં આવી રહ્યુ હોવાનું જણાવતા પવિત્ર યાત્રાધામ વિકાસ પ્રભાગના સેક્રેટરીએ જણાવ્યુ કે, આ યોજનામાં ૭૦ ટકા રકમ સરકાર અને ૩૦ ટકા લોકફાળાનો વિકલ્પ પણ આપવામાં આવશે. આ ઉપરાંત ઉદ્યોગગૃહો, પ્રતિષ્ઠિત આગેવાનો તેને દત્ત્।ક લઈ શકે તેવુ પણ સુચન છે. જેમા હિંદુ મંદિરો, મુસ્લિમ દરગાહ, શીખ ધર્મના ગુરૂદ્વારા એમ તમામ ધર્મના દેવસ્થાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે રાજયની ભાજપ સરકાર ધાર્મિક દેવસ્થાનોના જિર્ણોધ્ધાર માટેની યોજના ટુક સમયમાં જાહર કરશે. જો કે, અછતની સ્થિતિ વચ્ચે આ વિચાર રાજયના મતદારોમાં કેટલા પ્રકારનું આકર્ષણ ઉભુ કરી શકશે તે જોવુ રહ્યુ.

હેલિકોપ્ટરમાંથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા રાઈડ શરૂ થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આકાશ નજરો મેળવવા રાજયનો પ્રવાસન વિભાગ હેલિકોપ્ટરની સેવા શરૂ કરી રહ્યો છે. મુંબઈમાં પ્રવાસીઓ માટે જે પ્રકારે એરિયલ જોય રાઈડ ચાલે છે તેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પણ હેલિકોપ્ટર દ્વારા આ ફેસેલિટી જાન્યુઆરી- ૨૦૧૯થી ઉપલબ્ધ થશે. માર્ચ મહિના સુધી પ્રયોગિક ધોરણે શરૂ થનારી આ રાઈડ સફળતાના આધારે કાયમી ધોરણે ચાલુ રાખવી કે કેમ તે અંગે ચાર મહિના બાદ નિર્ણય લેવાશે.

ધરોઈ ડેમ, રિવરફન્ટ પછી હવે શેત્રુંજીમાં સી-પ્લેન ઊતરી શકશે

ભારત સરકારે ગુજરાતમાં સી- પ્લેન ઉતારવા માટે સતલાસણા પાસે ધરોઈ ડેમ, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર સરોવર ડેમ પછી નર્મદા નદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે અને શેત્રુંજી નદીમાં પાલિતણા પાસે શેત્રુંજી ડેમને એમ ચાર વોટર બોડીને મંજૂરી આપી છે.

વાઈબ્રન્ટ સમિટઃ ડેલિગેટને રોબોટનું એસ્કોર્ટિંગ મળશે

વાઈબ્રન્ટ સમિટમાં આવનારા ફોરન ડેલિગેટને મહાત્મા મંદિરમાં મદદરૂપ થવા રોબોટનું એસ્કોર્ટિંગ મળશે. ગુગલ બેઝડ રોબોટ ડેલિગેટની સાથે મહાત્મા મંદિરમાં ડેલિગેટને એક ગાઈડની ગરજ પણ સારશે. તેના માટે અત્યારે ટ્રાયલ લેવાઈ રહ્યા હોવાનું ઉદ્યોગ વિભાગના એક ઓફિસરે જણાવ્યું હતું.

(10:03 am IST)