Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

સુરતના હીરા બજારમાં 20 ટકા અને કાપડ માર્કેટની 80 ટકા દુકાનોમાં ફરી ધમધમાટ

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સારી માંગને કારણે બંને બજારોમાં ઉત્પાદનમાં તેજી આવી શકે

સુરત : શહેરના કાપડ અને હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન પૂર્ણ થવાના આરે છે. આજથી શહેરના હીરા બજારમાં 20 ટકા યુનિટ અને કાપડ માર્કેટની 80 ટકા દુકાનો કાર્યરત થઈ ગઈ છે. લગ્નસરાની સિઝનને કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સારી માંગને કારણે સપ્તાહ દરમિયાન બંને બજારોમાં ઉત્પાદનમાં તેજી આવી શકે છે.

આ પહેલા દિવાળીની ત્રણ કે પાંચ દિવસની રજા બાદ લાભપાંચમના દિવસે મૂહુર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે માત્ર ગણતરીની દુકાનો જ ખુલી શકી હતી. પરંતુ હવે ડિમાન્ડને જોતા એક પછી એક માર્કેટો ખુલવા લાગી છે. માર્કેટમાં વતન ગયેલા કારીગરો પણ હવે ધીરે ધીરે પરત ફરી રહ્યા છે તેમ તેમ વધારે દુકાનો અને માર્કેટો ખુલી રહી છે.

  આ વખતે કાપડ બજારમાં દિવાળી પહેલા 16 હજાર કરોડથી વધુનો કારોબાર થવાનો વેપારી સંગઠનોએ દાવો કર્યો છે. વેપારી સંગઠનોએ દિવાળીની પાંચ દિવસની રજા રાખીને 10 નવેમ્બરથી બજાર ચલાવવાનું નક્કી કર્યું હતું. જો કે સારા ધંધાની સાથે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી શહેરની બહાર ન જઈ શકતા વેપારીઓ વેકેશન માટે બહાર ગયા હતા. બીજી તરફ મજૂરો પણ મોટાપાયે વતન ગયા હતા

જેના કારણે ગત સપ્તાહ દરમિયાન 50 ટકા યુનિટ મિલો તેમજ વિવિંગ યુનિટ અને કાપડ બજારની દુકાન માત્ર 50 ટકા જ કાર્યરત થઈ શકી હતી. આજથી શહેરના કાપડ ઉદ્યોગને લગતા વિવિધ ક્ષેત્રોમાં 80 ટકા કામગીરી શરૂ થઈ ગઈ છે. જેમ અને જ્વેલરી ઉદ્યોગની વાત કરીએ તો GJEPCએ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓક્ટોબર સુધીમાં 19 હજાર કરોડ વધુની નિકાસનો અહેવાલ જાહેર કર્યો છે. આ વખતે હીરા ઉદ્યોગમાં પણ 21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં સોમવારથી હીરાના અનેક યુનિટ શરૂ થઈ ગયા હતા.

(11:21 pm IST)