Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

તારાપુરમાં પરિવાર બહાર જતા બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 81 હજારની મતાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

તારાપુર : તારાપુર શહેરમાં પરિવાર બહારગામ જતાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા શખ્સો દાગીના તથા રોકડ સહિત કુલ રૂ.૮૧.૭૦૦ની મત્તા ચોરી લઇને ફરાર થયા છે. તસ્કરીની ઘટનાને કારણે પોલીસના સબ સલામતના દાવા પોકળ સાબિત થયા હોય તેમ નાગરિકોમાં પોલીસ સામે નારાજગી વ્યાપી છે.

તારાપુર શહેરમાં મોરજ રોડ સ્થિત વાત્સલ્ય બંગ્લોઝમાં રહેતા તથા ખાનપુર પોસ્ટ માસ્તર તરીકેની નોકરી કરતા કિરીટભાઈ ખોડાભાઈ વાળંદ ગત તારીખ ૧૩ નવેમ્બરના રોજ સાંજના આઠેક વાગે મહીયારી ગામે બહેન આવી હોવાથી મળવા મકાનને તાળું મારી સહપરિવાર ગયા હતા. પરિવાર રાતે મહિયારી મુકામે જ રોકાયો હતો. દરમિયાન પરિવાર બહારગામથી પરત આવતા આજરોજ સવારના આઠેક વાગે પરિવાર સાથે પરત તારાપુર પોતાના ઘરે આવતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું . ઘરના પાછળનો દરવાજો ચેક કરતા તે પણ ખુલ્લો હતો. ઘરમાં તપાસ કરતા ઘરના બેડરૂમમાં મુકેલી બંને તિજોરી ખુલ્લી હતી તથા સરસામાન વેરવિખેર પડેલો હતો. ફરિયાદી કિરીટભાઈ વાળંદની ફરિયાદમાં જણાવ્યા મુજબ બે જોડી ચાંદીના છડા, દોઢેક તોલાનું સોના નું મંગળસૂત્ર, સોનાની ચીપવાળો પાટલો, સોનાની વીંટી તથા રોકડ રકમ અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા.  સોના ચાંદીની જણસો રૂ.૪૬,૦૦૦ અને રોકડ રકમ રૂ. ૩૫,૭૦૦ મળી રૂ. ૮૧,૭૦૦ના મતાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થયા હતા. બનાવ અંગે કિરીટભાઈ ખોડાભાઈ વાળંદે તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તારાપુર પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:52 pm IST)