Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ગાંધીનગરમાં સે-માં ઉભરાતી ગટરના પ્રશ્નોથી રહીશોને હાલાકી

ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં અવાર નવાર ઉભરાતી ગટરોના ગંદા પાણીનો સામનો સ્થાનિક રહિશોને કરવો પડતો હોય છે. ત્યારે સેક્ટર-૩ના બી વિભાગમાં છેલ્લા ઘણા દિવસથી ઉભરાતી ગટરોના ગંદા પાણી સ્થાનિકો માટે શીરર્દદ બન્યાં છે. ઘર આંગણે આવેલી ચોકડીમાં ગંદા પાણી બેક મારતાં સમગ્ર દિવસ દરમિયાન રહિશોને દુર્ગંધયુક્ત વાતાવરણનો સામનો કરવો પડે છે. જે અંગે રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કામગીરી હાથ નહીં ધરાતાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. રાજ્યના પાટનગરમાં લોકોના આરોગ્યની સુખાકારી જળવાઇ રહે તે માટે તંત્ર દ્વારા જે પ્રકારે કામગીરી કરવી જોઈએ તે નહીં કરતાં અવાર નવાર વિવિધ સમસ્યાઓનો સામનો લોકોને કરવો પડતો હોય છે. મુખ્ય અને આંતરિક માર્ગો સહિત કોમન પ્લોટમાં કચરાના ઢગ ખડકાતાં હોય છે. તો ઘણા વિસ્તારોમાં ઉભરાતી ગટરોથી પણ રહિશો ત્રાહિમામ પોકારી ઉઠતાં હોય છે. ત્યારે સેક્ટર-૩/બીમાં છેલ્લા ૧૫ થી ૨૦ દિવસથી ગટરના ગંદા પાણી બેક મારતાં સ્થાનિકો ત્રસ્ત થઇ ગયા છે. જે અંગે લેખિત અને મૌખિક તંત્ર સમક્ષ રજુઆતો કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ આવે તે માટે કોઇ કામગીરી કરવામાં આવતી નથી. જેના પગલે રોગચાળાનો ભય રહિશોને  સતાવી રહ્યો છે. સમગ્ર દિવસ દરમિયાન ઘર આંગણે આવેલી ચોકડીમાં ગટરના ગંદા પાણી બેક મારીને ભરાતાં હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જવા પામ્યો છે. જેથી દુર્ગંધયુક્ત વાતાવરણનો સામનો કરીને વસવાટ કરવાની નોબત આવી છે. આમ આ સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

(5:51 pm IST)