Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ડીસાના માલગઢ પરબડી નજીક મધ્ય રાત્રીએ કોલ્ડ સ્ટોરેજના સંચાલક દ્વારા સડેલા બટેટાનો જથ્થો જાહેરમાં ફેંકી દેવામાં આવતા લોકો હેરાન પરેશાન

બનાસકાંઠા:જિલ્લાનું ડીસા શહેર સમગ્ર વિશ્વમાં બટાટા નગરી તરીકે પ્રખ્યાત છે અને સૌથી વધુ બટાટાનું વાવેતર પણ ડીસા તાલુકામાં થાય છે. અને બટાટાનો સંગ્રહ કરવા માટે ડીસા તાલુકામાં કોલ્ડ સ્ટોરેજ પણ મોટા પ્રમાણમાં આવેલા છે. શિયાળાની શરૃઆત થતાં જ ડીસા સહિત આજુબાજુના પંથકમાં બટાટાનું વાવેતર શરૃ કરવામાં આવે છે. પરંતુ કોલ્ડ સ્ટોરેજમાં આખું વર્ષ સંગ્રહ કરેલા બટાટા સડી જવાથી કોલ્ડ સ્ટોરેજના સંચાલકો દ્વારા બટાટાનો યોગ્ય નિકાલ નહી કરી બટાટાના  જથ્થો જાહેર માર્ગો તેમજ ક્યાંક ખુલ્લી જગ્યામાં નાખવામાં આવે છે.ત્યારે ડીસા તાલુકામાં માલગઢ ખાતે આવેલ પરબડી વિસ્તારમાં કોલ્ડ સ્ટોરેજના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. પરબડી વિસ્તારમાં જાહેરમાં મોટા પ્રમાણમાં સડેલા બટાટાનો જથ્થો નાખતા આજુબાજુના લોકો સડેલા બટાટાની દુર્ગંધથી હેરાન પરેશાન થઈ ઉઠયા છે. આ ફેંકેલા સડેલા બટાટા ખાતા પશુઓમાં રોગચાળો વકરવાની સંભાવના પણ સેવાઇ રહી છે. સતવરે આ બટાટાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉભી થવા પામી છે. 

(5:48 pm IST)