Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

શૂલપાણેશ્વર મહાદેવ મંદિર પાસે ઘાટ તૈયાર : હવે થશે ગંગા આરતીની જેમ ભવ્ય નર્મદા આરતી

નર્મદે સર્વદે : નર્મદાના કેવડિયા કોલોની નજીક ગોરા ગામ પાસે પ્રાચીન

નર્મદા તા. ૧૫ : નર્મદા જિલ્લાના ગોરા ગામમાં પ્રાચીન તીર્થ શૂલપાણેશ્વર નજીક ભવ્ય ઘાટ બનાવવામાં આવ્યો છે. આ ઘાટ પર ગંગા અને યમુનાની જેમ નર્મદાની મહાઆરતી કરવામાં આવશે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રાજયના લોકોને ગંગા આરતીનો લ્હાવો લેવા માટે હરિદ્વાર સુધી જવાની જરૂર આ આરતીના પ્રારંભ બાદ નહીં પડે. અહીં ગંગા આરતી જેવી જ નિયમિત નર્મદા આરતી થશે. પણ શું આપ જાણો છો કે શા માટે નર્મદા મહાઆરતી માટે શૂલપાણેશ્વર પાસે જ વિશાળ ઘાટ બનાવાયો છે.

નર્મદાના કેવડિયા કોલોની નજીક ગોરા ગામ પાસે પ્રાચીન શૂલપાણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે શૂલપાણેશ્વર તીર્થ તરીકે ઓળખાય છે. મૂળ શુલપાણેશ્વર મંદિર નર્મદા ડેમમાં ડૂબી ગયા બાદ વર્ષ ૧૯૯૪માં ગુજરાત સરકારે ગોરા પાસે શૂલપાણેશ્વર મહાદેવનું નવું મંદિર બનાવ્યું છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રાચીન શૂલપાણેશ્વર મહાદેવના મંદિર પાસે શ્રાવણમાસમાં નર્મદાના પવિત્ર સ્નાન સાથે શૂલપાણેશ્વર મહાદેવના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે.

જુનું પ્રાચીન શૂલપાણેશ્વર મહાદેવ મંદિર ૧૯૯૪માં નર્મદા ડેમની ઉંચાઈ વધવાને કારણે સરદાર સરોવરમાં ડુબાણમાં ગયેલ છે.જયાં જુનું મંદિર હતું તેની નજીક જ ગુજરાત સરકારે નવું મંદિર બનાવ્યું છે. નવું મંદિર બનાવવામાં આવ્યું છતાં ભકતોની શ્રદ્ઘા અને આસ્થા ઓછી નથી થઇ. શૂલપાણેશ્વર મહાદેવની પ્રસિદ્ઘિ ગુજરાતમાં નહિ પણ પાડોસી રાજયો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,રાજસ્થાનમાં પણ છે, આ રાજયોમાંથી પણ ભકતો પણ અહી આવે છે. આજ સૌથી મોટું કારણ છે કે નર્મદા મહાઆરતી માટે આ સ્થળની પસંદગી કરવામાં આવી છે.

(4:19 pm IST)