Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પારસી - ઇરાની અને ઝોરાષ્ટ્રીયનો માટે નિઃશુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો

 

અમદાવાદ : એપ્રિલ અને જુલાઇ ૨૦૨૧માં કોરોના રસીના બન્ને ડોઝના રસીકરણ કેમ્પના સફળ આયોજન પછી, સુનામાઇ અને ફીરોઝ દાવર ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ૧૪ નવેમ્બર ૨૦૨૧ના રોજ પારસી સેનીટોરીયમ ગ્રાઉન્ડમાં બધા પારસી, ઇરાની અને ઝોરાષ્ટ્રીયન માટે નિઃશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કર્યું હતું.

આ ટ્રસ્ટ અમદાવાદ પારસી પંચાયતના ભૂતપૂર્વ ટ્રસ્ટી પ્રોફેસર આર્મૈત્ય ફીરોઝ દાવરનું માનસ સંતાન છે, જેમણે ૨૦૧૭માં પોતાના વહાલા માતા - પિતા સુનામાઇ અને પ્રોફેસર ફિરોઝ દાવરની યાદગીરીમાં તેની સ્થાપના કરી હતી. પિતા ફિરોઝ અને પુત્રી આર્મૈત્ય બન્ને શિક્ષણ જગત સાથે સંકળાયેલા હોવાથી આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ પારસી અને અન્ય સમુદાયના જરૂરીયાતમંદ બાળકોને શૈક્ષણિક મદદ કરવાનો છે. શૈક્ષણિક સહાય ઉપરાંત ટ્રસ્ટ અમદાવાદના જરૂરીયાતમંદ લોકોને મેડીકલ સહાય કરવાનું પણ કામ કરે છે.

આ મેડીકલ કેમ્પ સુશ્રુશા હોસ્પિટલના સહયોગથી યોજવામાં આવ્યો હતો. જેનો ૨૦૦ જેટલા હમદીનોએ લાભ લીધો હતો. કેમ્પમાં વિનામૂલ્યે ડાયાબીટીસ ટેસ્ટીંગ, કીડની, લોહતત્વની ઉણપ, લીપીડ પ્રોફાઇલ, લીવર પ્રોફાઇલ, થાયરોઇડ, વીટામીન ડી, વીટામીન બી૧૨ અને ઓસ્ટીઓપોરોસીસનું ચેકીંગ કરાયું હતું. આ ટેસ્ટ પછી હમદર્દીઓને નાસ્તાની સાથે કોફી પણ અપાઇ હતી. કેમ્પમાં ડોકટરોએ સૂચવ્યા અનુસાર ૧૪ હમદીનોને મેમોગ્રાફી ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. (મેરેઝબાન લાહેવાલા મો. ૯૮૨૫૦ ૭૪૦૭૮)

(2:57 pm IST)