Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

રાજ્યના ૧૧ પ્રવાસન સ્થળને વધુ સુવિધા સાથે વિકસાવાશે

પ્રવાસીઓને આકર્ષિત કરવા લેવાયેલું પગલું : પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા નિર્ણય : કેટલાક ધાર્મિક સ્થળો પર હેલિપોર્ટ વિકસિત કરવાની સરકારની યોજના

અમદાવાદ, તા.૧૪ : પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અને સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઉભી કરવા માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગુજરાતના ૧૧ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં ઓછી જાણીતા હોય ત્યાં સુવિધાઓ વધારી પ્રવાસીઓને આકર્ષવા તેમજ પ્રવાસીઓ વધારે આવતા હોય પરંતુ તેની સામે સુવિધાઓ ઓછી હોય તેવા સ્થળોને સમાવવામાં આવ્યા છે. ૧૧ સ્થળોમાં જંગલ-બીચ જેવા હરવા-ફરવા સિવાય ઐતિહાસિક અને ધાર્મિક પ્રવાસન સ્થળો પણ સામેલ છે.

૧૧ નવા પ્રવાસન સ્થળોમાં પોલો ફોરેસ્ટ, ઝવેરચંદ મેઘાણી ટુરિસ્ટ સર્કિટ, મોરબી દયાનંદ ટ્રસ્ટ, બેટ દ્વારકા તથા શિયાળ બેટ, પોરબંદરનો દરિયાકિનારો, સુરતનો ડુમસ બીચ, ભીમરાડ ગાંધી સ્મારક, ડાંગમાં આવેલું પમ્પા સરોવર, શબરી ધામ, અંજની કુંડ તેમજ ગીરા ધોધનો સમાવેશ થાય છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે અને સાપુતારા પણ એટલો જ વધારો ધસારો જોવા મળે છે. આ સ્થળોની આસપાસ કેટલાક જોવાલાયક સ્થળો પણ છે તેને પણ રાજ્ય સરકાર દ્વારા વિકસિત કરાશે

રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ૮ યાત્રાધામો ખાતે હેલિપોર્ટ પણ બનાવવામાં આવશે. કે જેથી સતત હેલિકોપ્ટરની સુવિધા પણ મળતી રહે. જ્યાં હેલિપોર્ટ બનાવવાના છે તેવા યાત્રાધામોમાં પાલીતાણા, અંબાજી, સોમનાથ, શામળાજી, દ્વારકા અને સાપુતારાનો સમાવેશ થાય છે.

ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ દ્વારકા, સોમનાથ અને અંબાજીમાં હેલિપોર્ટ બનાવવાની યોજના બાદ સરકાર ઘણા સમયથી બંધ સી-પ્લેન ફરીથી શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. મંત્રીમંડળની બેઠકમાં તમામ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

(8:53 pm IST)