Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

યુવક અને યુવતી એકબીજાના હાથ બાંધીને નદીમાં પડ્યા

બંનેની લાશ મળતા રિવરફ્રન્ટ પોલીસે તપાસ શરૂ કરી : અમદાવાદની સાબરમતી નદીમાંથી ઉસમાનપુરા ગાર્ડન પાછળથી પાસે નદીમાં યુવક યુવતીએ ઝંપલાવ્યું હતું

અમદાવાદ, તા.૧૪ :જન્મ, લગ્ન અને મરણ બધા લેખ વિધાતાએ લખ્યા હોય છે જેને કોઈ મિટાવી શકતું નથી. અમદાવાદના એક યુવક અને યુવતી પ્રેમ કરતા કરતા એક બીજા સાથે લગ્ન કરવા માંગતા હતા પણ પરિવાર રાજી ન હતો. જેથી બન્ને ઘરેથી ભાગ્યા હતા પણ ડર લાગતા બન્નેએ નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. બીજી તરફ પરિવારને દીકરો દીકરી જતા રહ્યા હોવાની જાણ થતાં બન્નેના લગ્ન કરાવવાનું નક્કી કર્યું અને બન્નેને શોધીને સંબંધ નક્કી કરવાનું વિચાર્યું પણ તે પહેલાં તેમની લાશ નદીમાંથી મળી હતી. જે અંગે રિવરફ્રન્ટ પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદની સાબરમતી નદીમાંથી ઉસમાનપુરા ગાર્ડન પાછળથી પાસે નદીમાં યુવક યુવતીએ ઝંપલાવ્યું હતું. જે ઘટનામાં બન્નેના મોત નિપજ્યા હતાં. ફાયરબ્રિગેડનાતરવૈયાઓએ લાશ બહાર કાઢી તો મૃતક યુવાન યુવક અને યુવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ વાતની જાણ થતાં અમદાવાદ રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસની ટીમ આ જગ્યાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસની ટીમ ત્યાં પહોંચી તો જાણવા મળ્યું કે મૃતક યુવતીનું નામ ગુનગુન બેન જ્યારે યુવકનું નામ રાકેશ હતું.

યુવતીની ઉંમર ૧૯ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હતી અને શાહપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આ બન્ને યુવક-યુવતી એક બીજાને પ્રેમ કરતા હતા પણ પરિવારે લગ્નની મંજૂરી આપી ન હતી. જેથી એક દિવસ અગાઉ બન્ને ઘરેથી ભાગી ગયા હતા અને બંનેની લાશ મળી ત્યારે એકબીજાના હાથ બાંધેલા હતા.

ઘરેથી ભાગી ગયા બાદ બન્ને ડરી ગયા હતા કે હવે શું થશે.પરિવાર તેઓના સંબંધને અપનાવી લગ્ન કરાવશે કે કેમ તે ચિંતામાં બન્નેએ નદીમાં ઝંપલાવ્યું હતું.

બીજી તરફ બન્નેના પરિવારજનોને પણ તેઓ ગુનગુન અને રાકેશ સાથે ભાગી ગયા હોવાની જાણ થતાં એક બીજાના પરિવારને મળ્યા હતા. તે દરમિયાન તેઓએ નક્કી કર્યું કે દીકરા દીકરીને ઈચ્છા પ્રમાણે તેમના લગ્ન કરાવી દઈએ. બન્ને પરિવારે યુવક યુવતી મળે એટલે સંબંધ નક્કી કરવાનું વિચાર્યું હતું. જેથી પહેલા બન્ને શોધવાનું શરૂ કર્યું હતું. પણ તેઓ મળે તે પહેલાં તેમની લાશ મળી આવી હતી.

આમ બધી ખુશી મનમાં રહી ગઈ અને પરિવારજનો ખુશીનો માંડવો બાંધવાને બદલે બન્નેની નનામી બાંધવાનો વારો આવ્યો છે. હાલ રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે અકસ્માતે નોંધ કરીને તપાસ હાથ ધરી હોવાનું ફાયરબ્રિગેડના રેસ્ક્યુ ઇન્ચાર્જ ભરત માંગેલાએ જણાવ્યું હતું.

(8:52 pm IST)