Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

અમેરિકામાં ગુજરાતી મૂળના પોલીસ અધિકારીની હત્યા

પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરાઈ : આરોપીને પકડવા ગયેલા પરમહંસ દેસાઈ પર ફાયરિંગ, મૃત્યુ બાદ પરિવારે અંગદાન કરતા ૧૧ને મળ્યું નવજીવન

નવસારી, તા.૧૪ : અમેરિકામાં ફરી એકવાર ગુજરાતીની હત્યાની ઘટના સામે આવતા ગુજરાતમાં રહેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાના જ્યોર્જિયામાં પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ગુજરાતી મૂળના ૩૮ વર્ષના પરમહંસ દેસાઈ ઘરેલું હિંસાના એક કેસમાં આરોપીની ધરપકડ કરવા ગયા હતા. આ દરમિયાન આરોપી તેમને ગોળી મારીને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પરમહંસને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હાત જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ બાદ પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી હવે ૧૧ લોકોને નવજીવન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક પોલીસના નિવેદન મુજબ ઓફિસર દેસાઈના મલ્ટીપલ ઓર્ગન ડોનેશનની અનેક લોકોના જીવન બચ્યા છે. પરમહંસના અંતિમ સંસ્કાર રવિવારે સ્થાનિક સમય અનુસાર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ ૫ ઓક્ટોબર ૧૯૮૩ના રોજ બીલીમોરામાં જન્મેલા પરમહંસ દેસાઈ હેર્ની કાઉન્ટી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઓફિસર તરીકે ફરજ બજાવતાં હતા. પરમહંસના લગ્ન અંકિતા સાથે થયા હતા અને તેમને બે સંતાનો છે.

મીડિયા રિપોર્ટ મુજબ ઓફિસર પરમહંસની બહેને પોતાના ભાઈના પરિવારને આર્થિક મદદ પહોંચાડવા અને તેની યાદમાં ફંડ એકત્ર કરવા એક અભિયાન ચલાવ્યું છે જેમાં ૨૫૦૦૦૦ ડૉલર એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર પરમહંસ દેસાઈને ગોળી મારીને ફરાર થનારા આરોપી જોર્ડન જેકસનને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની ટીમ આરોપીને પકડવા માટે તેને ઘેરી રહી હતી ત્યારે આરોપીએ પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમેરિકામાં વસતા અનેક ગુજરાતી લોકોની હત્યાની ઘટનાઓ બની ચૂકી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જાન્યુઆરી ૨૦૨૧માં મૂળ નવસારીના ગણદેવીના યુવાનની અમેરિકાના એટલાન્ટામાં ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. મોટેલના રિનોવેશન જેવી નજીવી બાબતે બોલાચાલી થતાં ૫૨ વર્ષીય મેહુલ વશીની અશ્વેત યુવક દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

(8:54 pm IST)