Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

વૈષ્ણવ વણિક ઇષ્ટદેવ કોટયર્ક પ્રાગટ્ય ઉત્સવ માટેની તૈયારી

કોટયર્ક પ્રભુની ૭૦૦૦ દિવાની મહાઆરતી થશે : પ્રાગટ્ય મહોત્સવમાં ખડાયતા વૈષ્ણવ વણિકો પૈકી અંદાજે ૯૦૦૦થી વધુ જ્ઞાતિબંધુ પહોંચશે : રેલી-શોભાયાત્રા થશે

અમદાવાદ, તા.૧૫ : ખડાયતા કલ્ચરલ એન્ડ ક્રિએટિવ ગ્રુપના ઉપક્રમે ખડાયતા સશક્તિકરણ અંતર્ગત તા.૧૭ નવેમ્બરના રોજ અમદાવાદ શહેરની સાબરમતી નદીના કિનારે રીવરફ્રન્ટ ખાતે ખડાયતા વૈષ્ણવ વણિક જ્ઞાતિના ઇષ્ટદેવ શ્રી કોટયર્ક પ્રભુના પ્રાગટ્યદિન પ્રસંગે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાગટ્ય મહોત્સવ નિમિતે શ્રી કોટયર્ક પ્રભુની સાત હજાર દિવાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવશે. કાર્યક્રમના ભાગરૂપે મણિનગર એલજી કોર્નરથી લઇ સાબરમતી રિવરફ્રન્ટ સુધી વિશાળ રેલી પણ યોજાશે, જેમાં સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાશે એમ ખડાયતા કલ્ચરલ એન્ડ ક્રિએટિવ ગ્રુપના પ્રમુખ શ્રી ગીરીશભાઇ જી. શાહ અને મુખ્ય યજમાન વિજયભાઇ ઠેકડીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તા.૧૭મી નવેમ્બરે શ્રી કોટયર્ક પ્રાગટય મહોત્સવ દરમ્યાન અમદાવાદ તથા અમદાવાદની આસપાસ રહેતા ખડાયતા વૈષ્ણવ વણિકો પૈકી અંદાજે ૯૦૦૦ થી વધુ જ્ઞાતિબંધુઓ ઉમટશે. પ્રસંગે શ્રી કોટયર્ક પ્રભુની ૭૦૦૦ દિવાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસંગે મુખ્ય યજમાન શ્રી વિજયભાઇ જે ઠેકડીના નિવાસ સ્થાન દિપ આકૃતિ ફ્લેટ્સ, વ્યાયામ શાળા, મણિનગર ખાતેથી બપોરે ત્રણ વાગ્યે શ્રી કોટયર્ક પ્રભુની બગી, ડી.જે, કાર, સ્કુટર, એક્ટીવા, બાઇક સાથે રેલી સ્વરુપે ભવ્ય શોભાયાત્રા મણિનગર એલ.જી. કોર્નર થી સાબરમતી રિવરફ્રન્ટ જશે. ઉપરાંત વર્ષે બાળકો માટે ચિલ્ડ્રનપાર્કનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો વિવિધ રાઇડોનો આનંદ નિઃશુલ્ક માણી શકશે. કાર્યક્રમમાં મેગાહાઉસીનું તથા પ્રસાદી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ેમગાહાઉસીમાં વિજેતા જ્ઞાતિબંધુઓ માટે એકટીવા, સ્પ્લીટ એસી સહિત આકર્ષક ઇનામો પણ રાખવામાં આવ્યા છે. ખડાયતા કલ્ચરલ એન્ડ ક્રિએટિવ ગ્રુપના પ્રમુખ શ્રી ગીરીશભાઇ જી. શાહ અને મુખ્ય યજમાન વિજયભાઇ ઠેકડીએ ઉમેર્યું કે, સંસ્થા દ્વારા જ્ઞાતિબંધુઓના કલ્યાણ અને ઉત્કર્ષ માટે અન્નપૂર્ણા સહાય યોજના, સરસ્વતી સહાય યોજના, ખડાયતા સશકિતકરણ અભિયાન સહિતની અનેકવિધ સેવાભાવી પ્રવૃતિઓ ચલાવાઇ રહી છે.

(9:33 pm IST)