Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

રૂપાણી સરકારના ત્રણ દિવસમાં મહત્વના નિર્ણયો: ખેડૂતો માટે રાહત પેકેજ, ચેકપોસ્ટ નાબૂદી, લાયસન્સ કાર્યવાહી ITI હવાલે: 6 સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ: જૂનાગઢને નવું કોર્ટ બિલ્ડિંગ

38 હજાર ચોરસ મીટરમાં બનનાર કોર્ટ બિલ્ડિંગ અનેક જરૂરી અને આધુનિક સુવિધાઓથી સજ્જ હશે

જૂનાગઢ શહેરની લાંબા સમયથી નવા કોર્ટ બિલ્ડિંગની જે માંગ હતી તે સંતોષાઈ છે અને રાજ્ય સરકારે નવું બિલ્ડિંગ બનાવવા જાહેરાત કરી છે. આ નવું કોર્ટ બિલ્ડીંગ ૩૮ હજાર ચોરસ મીટરમાં નિર્માણ પામશે. એટલું જ નહિ, આઇકોનિક હાઇરાઇઝડ બિલ્ડીંગ તરીકે જૂનાગઢ મહાનગરમાં આગવી ઓળખ બને તે હેતુસર લેન્ડ સ્કેપીંગ, ગ્રીન બિલ્ડીંગ – ઇકોફ્રેન્ડલી કોન્સેપ્ટ સાથે નિર્માણ થવાનું છે. પાર્કિંગ માટે પૂરતી ખૂલ્લી જગ્યા અને સૌરઊર્જાના ઉપયોગનો કોન્સેપ્ટ પણ આ નવા નિર્માણ થનારા કોર્ટ સંકુલમાં આકર્ષણ બનશે. જૂની સિવીલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આ ન્યાયાલયનું નિર્માણ થવાથી શહેરની જિલ્લા કોર્ટ સહિતની અન્ય કોર્ટ-ન્યાયાલયો એક જ કમ્પાઉન્ડમાં કાર્યરત થતાં કોર્ટના કામકાજ માટે આવનારા અરજદારો, વકીલો, નાગરિકોને એક જ સ્થળેથી બધી કોર્ટની સવલત મળશે.

                     છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. તેમણે રાજ્યની વિવિધ ૧૬ ચેકપોસ્ટ નાબૂદ કરી દીધી છે. ૧૬ જેટલી ચેકપોસ્ટ નાબૂદ કરવામાં આવતા વાહનોને ઊભા રહેવું નહીં પડે અને ચેકપોસ્ટ પરથી તેઓની ગાડી સડસટાટ નીકળી જશે તેમજ મુખ્યમંત્રીશ્રીનાં આ નિર્ણયથી ઈંધણની બચત થશે. રાજ્યમાં હાલ અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર, થરાદ, સામખીયાળી, જામનગર, શામળાજી, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર, સાગબારા, કપરાડા, ભિલાડ, સોનગઢ અને વઘઈ ખાતે ચેકપોસ્ટ કાર્યરત છે જે નાબૂદ કરવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે કે, હવેથી રાજ્યની ૨૨૧ આઈટીઆઈ અને ૨૯ પોલિટેકનિકોમાંથી લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે. મતલબ કે, હવે કાચું લાયસન્સ કઢાવવા માટે આરટીઓ નહીં જવું પડે.

                      ટ્રાફિકનાં નવા નિયમો અમલમાં આવતા આરટીઓમાં લોકોની લાઈન વધી રહી છે, ત્યારે લોકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રુપાણીએ ત્રણ અગત્યનાં નિર્ણયો લીધા છે. જે અંતર્ગત લોકોને લર્નિંગ લાયસન્સ, ડુપ્લિકેટ દસ્તાવેજો સહિત વિવિધ કામો માટે આરટીઓએ ધક્કા ખાવા નહીં પડે. આ સિવાય ગુજરાતમાં વિવિધ ચેકપોસ્ટ નાબૂદ કરી દેવામાં આવી છે. હવેથી ગુજરાત પાસિંગ ઉપરાંત બહારનાં રાજ્યમાંથી આવતી ટ્રકોએ પણ તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે. આરટીઓ દ્વારા તા. ૨૦થી મેન્યૂઅલ મેમો પણ બંધ કરવામાં આવશે. આરટીઓના અધિકારીઓને હવે હેન્ડહેલ્ડ ડિવાઈસથી ઈ-મેમો ઈશ્યૂ કરવાના રહેશે.

                    વાહન ચાલકો ટેક્સ અને ફી parivahan.gov.in પર ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. અત્યાર સુધી ચેકપોસ્ટ પર રૂ. ૩૩૨ કરોડની આવક હતી. જે હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે. ઓવર ડાયમેન્શન અને કાર્ગો માટેના વાહન અને માલની મુક્તિની જોગવાઈ મુજબ ઓનલાઈન ફી ચૂકવી મુક્તિ મેળવી શકશે. આ પરવાનગી ફક્ત વાહનના માપ અને માલના ઓવર ડાયમેન્શન પૂરતી છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડ્યુલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે. તેમજ દંડ ઈ ચલણથી વસૂલવામાં આવશે.

(8:31 pm IST)