Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

દબાણ કેસમાં પૂર્વ મંત્રી બાબુ બોખીરીયાને નોટિસ અપાઈ

બાબુ બોખીરીયા વધુ એક કેસમાં ફસાઇ ગયા : બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા માટે નિર્દેશ : કેસમાં રાજય સરકાર, વનવિભાગ અને મહેસૂલ વિભાગ પણ પ્રતિવાદી

અમદાવાદ, તા.૧૫ : સરકારી જમીન પર કથિત દબાણના કેસમાં પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયાને ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. હાઇકોર્ટે આ કેસમાં બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા નિર્દેશ કરી કેસની વધુ સનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી છે. જાહેરહિતની આ રિટની સુનાવણી દરમ્યાન બોખીરીયા આણિમંડળી દ્વારા સરકારી જમીન પર દબાણ કરાયુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જામનગરના ભરડવા ગામમાં જંગલની જમીનને નોન એગ્રીકલ્ચર લેન્ડમાં તબદીલ કરી અન્ય હેતુ માટે તેનો ઉપયોગ થયો હોવાનું સામે આવતાં મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. જમીનમાંથી નીકળતા લાઈમ સ્ટોન પર કબ્જો જમાવવાના હેતુથી જમીન ખરીદાઇ અને કથિત દબાણ કરાયું હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી કરાઇ છે, તેની સુનાવણીમાં હાઇકોર્ટે પૂર્વ મંત્રી બાબુ બોખીરિયાને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. જ્યારે રાજ્ય સરકારે જંગલખાતા, મહેસુલ વિભાગ સહિતના સંબધિત વિભાગો માટે નોટિસ સ્વીકારી છે. આ મામલે બાબુ બોથીરિયાના સંબંધીની ભાગીદારી પેઢી કોર્ટમાં સામેથી હાજર થઈ જવાબ રજૂ કરવા સમય માંગ્યો છે. વિકસાવેલા જંગલને નાશ કરીને જમીન ખાનગી પક્ષકારોને આપી દેવાના કથિત કારસાને ઉજાગર કરતી જાહેર હિતની અરજીમાં બાબુ બોખીરીયાએ બે અઠવાડિયામાં રજૂ કરવાનો રહેશે.

(8:20 pm IST)