Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ભાઈએ રમતા રમતા એરગનનું ટ્રીગર દબાવી દેતા એરગનનો છરો બાળકીના પીઠમાં ખૂંપી ગયોઃ તબીબોની મહેનતથી બાળકીનો જીવ બચાવી લેવાયો

અમદાવાદ : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ એક એવું ઓપરેશન કરાયું જે તબીબો માટે જટિલ હતું, છતાં તબીબોએ મહેનત બાદ એક બાળકીનો જીવ બચાવી લીધો હતો. એક ભાઈએ રમતા રમતા એરગનનું ટ્રીગર દબાવી દીધું હતું, જેથી એરગનનો છરો બાળકીના પીઠમાં ખૂંપી ગયો હતો. બે વર્ષની બાળકીનું ઓપરેશન કરાયા બાદ તેનો જીવ બચાવી લેવાયો હતો.

પિતાએ ખેતરમાં વાંદરા ભગાડવા એરગન લોડેડ રાખી હતી

બન્યું એમ હતું કે, આણંદ જિલ્લાના સામરખા ગામમાં હિતેશ ઠાકોરનો પરિવાર રહે છે. તેઓને સંતાનામાં બે વર્ષની દીકરી જીનલ અને પાંચ વર્ષનો દીકરો હેમલ છે. હિતેશભાઈ પોતાના ઘરમાં એરગન રાખે છે, જે ખેતરમાં વાંદરા ભગાડવા માટે કામમાં આવે છે. આ એરગન ગમે ત્યારે કામમાં લાગે તેથી લોડેડ હતી. પરંતુ હિતેશ ઠાકોરે જાનલેવા સાબિત થાય તેવી એરગન સલામતીથી સાચવવાને બદલે ઘરમાં રખડતી મૂકી હતી. આ એરગન તેમના બંને બાળકોના હાથમાં આવી હતી. રમતારમતા બાળકોની નજર તેના પર પડી હતી અને હેમલે એરગન હાથમાં લીધી હતી. જેમ તેણે એરગનનું ટ્રીગર દબાયું, તો તેનો છરો સીધો જ બે વર્ષની જીનલના શરીરમાં ખૂંપી ગયો હતો. ત્યારે પરિવાર તાત્કાલિક જીનલને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. આ ઘટના 5 નવેમ્બરના રોજ બની હતી.

જમણા ફેફસામાં હૃદયને અડોઅડ છરો પહોંચી ગયો હતો

અમદાવાદની સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં જીનલને તાત્કાલિક દાખલ કરવામાં આવી હતી. જેમાં ડિપાર્ટમેન્ટના વડા ડો.રાકેશ જાનીની આગેવાનીમાં તેમની ટીમ દ્વારા જીનલનું ઓપરેશન કરાયું હતું. અઢી કલાકની જટિલ સર્જરી બાદ જીનલના શરીરમાંથી છરો કાઢવામાં આવ્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે, એરગનનો છરો જીનલના પીઠના ભાગેથી સીધો જ ફેફસામાં ઘૂસી ગયો હતો. આ છરો જમણા ફેફસાના નીચેના ભાગમાં લોકેટ થયા હતો. એટલે લગભગ હૃદયને અડોઅડ આવી ગયો હતો. પણ સફળ ઓપરેશન બાદ હાલ જીનલની તબિયત સારી છે. તે હવે ઘરે પણ જઈ શકે છે. પણ જો છરો એક સેન્ટીમીટર પણ આગળ નીકળી ગયો હોય તો જીનલના હૃદયમાં કાણું પડી ગયું હતો. આવી પરિસ્થિતિમાં જીનલના જીવને ખતરો થયો હતો. પણ હવે તે સ્વસ્થ છે.

(5:11 pm IST)