Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

રાજયમાં ૩૦થી ઓછી સંખ્યા ધરાવતી ૫૩૫૦ સ્કુલ બંધ થશે

વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડવામાં આવશે : ગુજરાતની ૮૫૦માં શાળામાં ૧૦ કરતા ઓછા વિદ્યાર્થી

અમદાવાદ, તા.૧૫ : શિક્ષણનું સ્તર ઉંચુ લઇ જવાની અને શિક્ષણમાં ગુજરાતને અગ્રેસર કરવાની ભાજપ સરકારની ગુલબાંગો વચ્ચે રાજ્યમાં ૩૦થી ઓછી સંખ્યા ધરાવતી ૫૩૫૦ શાળાઓ બંધ કરવાનો આંચકાજનક નિર્ણય લેવાયો છે. જેથી હવે રાજયમાં૩૦ કરતા ઓછા વિદ્યાર્થી ધરાવતી શાળાઓ બંધ કરાશે. આ શાળાઓમાં અભ્યાસ કરતાં હાલના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડવામાં આવશે. ચોંકાવનારી વાત એ છે કે, રાજયમાં ૪૫૦૦ શાળાઓમાં ૩૦ કરતા ઓછા વિદ્યાર્થીઓ હોવાનુ સામે આવ્યું છે તો, ૮૫૦ શાળાઓ તો એવી છે કે, જેમાં માત્ર દસ કરતાં પણ ઓછા વિદ્યાર્થી હોવાની વાત આવી છે. જેથી હવે આ ૫૩૫૦ શાળાઓ બંધ કરી અન્યમાં મર્જ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

                           ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો વચ્ચે ગુજરાતની શાળાઓની દયનીય સ્થિતિ સામે આવતાં રાજયના શિક્ષણજગતમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાતમાં ખરેખર સરકારી શાળાઓનું સ્તર કથળી રહ્યુ છે અને અમુક અંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાજનક છે ત્યારે સરકાર દ્વારા શાળાઓના મર્જ કરવામાં આવશે. રાજયની ૮૫૦ શાળાઓમાં ૧૦ કરતા ઓછા વિદ્યાર્થીઓ હોવાનુ સામે આવ્યું છે. ૯૦૦૦થી વધુ ફાજલ શિક્ષકો જૂથ શાળામાં ફાળવાશે. શાળાઓ બંધ કર્યા બાદ નવ હજાર શિક્ષકોની જૂથ શાળાઓમાં નિમણૂંક કરવામાં આવશે.

(8:21 pm IST)