Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

મગફળીને નુકસાનથી માંડ સ્થિર થયેલા તેલના ભાવ વધવાની શકયતા

ઓઇલ મિલરોએ હાલ મગફળીની ખરીદી ઘટાડી

અમદાવાદ તા.૧૫: કમોસમી વરસાદના કારણે યાર્ડમાં પહોંચેલા તૈયાર માલને નુકસાન થઇ રહ્યું છે. તાજેતરમાં સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદના કારણે બંપર ઉત્પાદન થયેલી મગફળી પલળી જતાં માંડ માંડ સ્થિર થયેલા તેલના ભાવ વધવાની શકયતા વધશે.

પલળી ગયેલી મગફળી અત્યારે મણના અડધા ભાવે વેચાણ થઇ રહી છે. જે મગફળીનો ભાવ રૂ.૭૦૦ હતો તેના અત્યારે ૪૦૦ થી ૪૫૦ ઊપજી રહ્યા છે. મોટા ભાગે મગફળીનો પાક તૈયાર થઇ જતાં ખુલ્લા ખેતરમાં કે યાર્ડમાં આવી ચૂકયો છે પરંતુ છેલ્લે પડેલા માવઠાના વરસાદના કારણે મગફળીની ખરીદી કરી રહેલા તેલ મિલના વેપારીઓએ ખરીદી કરવાનું ઘટાડી દીધું છે એટલું જ નહી પરંતુ વરસાદી આફતે મગફળીના ગગડી ગયા છે. જેની સિંગતેલ પર અસર થવાની પુરી શકયતા છે.

નવરાત્રિ અને દિવાળી વચ્ચે પડેલા વરસાદથી મગફળીને નુકસાન  થયું હતું અને હવે છેલ્લા અઠવાડિયામાં પડેલા વરસાદે ફરી એકવાર મગફળીનો પાક બગાડ્યો છે જેમાં વેચાણ ઓછું થતાં તેમજ માલ પલળી જવાના કારણે ફરી એક તબક્કે મગફળીની ઘટ પડશે. જેનો છેડો સિંગતેલના ભાવ સુધી પહોંચશે.

આ વર્ષે મગફળીનું મોટા પાયે ઉત્પાદન થયું હોવાથી સિંગતેલના ભાવ ઘટવાની શરૂઆત થઇ ચુકી હતી. જે હજુ પણ મોટા પાયે ઘટવાની સંભાવના હતી. પરંતુ કમોસમી વરસાદના કારણે ફરી સિંગતેલના ભાવ વધવાની શરૂઆત થવાની શકયતા ઊભી થઇ હોવાની તેલ મિલરોનાં સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(3:51 pm IST)