Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

અમદાવાદમાં બાળકીને અપહરણકર્તાના ચુંગાલમાંથી છોડાવનાર નાગરિકનું પોલીસ કમિશ્નરએ સન્માન કર્યું

દહેગામ ટોલનાકા પાસે એક યુવક બાળકીને લઇને ઉભો હતો જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા ગુન્હામાંથી પડદો ઉંચકાયો

અમદાવાદ : બાળકીને અપહરણકર્તાના ચુંગાલમાંથી છોડાવનાર નાગરિકનું પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ સન્માન કર્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ નાગરિકનું સન્માન કર્યું હતું. 10મી નવેમ્બરની વહેલી સવારે ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલ સરસ્વતીનગરમાંથી દોઢ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટીમો બનાવીને આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવીને બાળકીની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે સોશિયલ મીડિયામાં પણ બાળકીના ફોટો સાથે વિગતો શેર કરી હતી. જે દરમિયાન દહેગામ ટોલનાકા પાસે એક યુવક બાળકીને લઇને ઉભો હતો અને બાળકી રડી રહી હતી. જેથી એક જાગૃત નાગરિક નરેશ પટેલે આ યુવકને બાળકીના રડવાનું કારણ પૂછ્યું હતું. જોકે યુવકનો જવાબ સંતોષકારણ ન લાગતાં આ જાગૃત નાગરિકને શંકા ગઇ હતી અને તેણે સમગ્ર મામલાની જાણ પોલીસને કરી હતી. જેથી નરોડા પોલીસનો સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોચ્યો હતો. જ્યારે પોલીસએ પણ આ યુવકની પૂછપરછ કરી હતી પરંતુ તે ગોળ ગોળ જવાબ આપતો હતો. જેથી પોલીસએ સાબરમતી પોલીસ દ્વારા શેર કરવામાં આવેલ બાળકીની તસ્વીરો જોઇ હતી. જેમાં આ બાળકી અપહરણ થયેલ બાળકી જ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ બાળકી અને અપહરણકર્તા યુવકને નરોડા પોલીસ સ્ટેશન લાવી સમગ્ર મામલાની જાણ સાબરમતી પોલીસને કરી હતી. આ રીતે સમગ્ર ગુના પરથી પરદો ઉંચકાયો હતો.
  આમ એક જાગૃત નાગરિક નરેશ પટેલની મદદથી પોલીસ આરોપી અપહરણકર્તા સુધી પહોંચી શકી હતી. માસુમ બાળકી સાથે કાંઇ પણ અઘટિત ઘટના ઘટે તે પહેલા જ તેનો હેમખેમ છુટકારો કરાવી પરિવારજનને સોંપી હતી. નરેશ પટેલ એ બીજા નાગરિક છે કે પોલીસ કમિશ્નર દ્વારા તેમની કામગીરીને બિરદાવવામાં આવી છે. આ પહેલા અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મોબાઇલ સ્નેચિંગ કરીને ફરાર થતાં આરોપીઓનો પ્રતિકાર કરનાર યુવાનનું પોલીસ કમિશ્નર દ્વારા સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

(10:24 pm IST)