Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

અમદાવાદમાં જયાં દશ મિનીટ પણ ઉભુ રહી ન શકાય તેવા સ્થળોએથી કચરો વીણીને પેટીયુ રળતા અનેક ગરીબ પરિવારો

અમદાવાદ: શહેરીજનો માટે માથાનો દુ:ખાવો બની ગયેલો કચરાનો ડુંગર કેટલાક ગરીબ લોકો માટે કમાણીનું સાધન પણ બની રહ્યો છે. જ્યાં અમદાવાદીઓ દસ મિનિટ ઉભા પણ ન રહી શકે તેવા પીરાણાના કચરાના ડુંગર પર લોકો વહેલી સવારથી લઈ મોડી સાંજે અંધારું ન થાય ત્યાં સુધી કચરો વીણીને પોતાનું પેટીયું રળી રહ્યાં છે.

પીરાણા ડમ્પિંગ સાઈટ પર આજની તારીખે રોજ એક હજારથી પણ વધુ કચરો વીણનારા લોકો રોજ 11 કલાક સુધી કચરો વીણીને મહિનાના 10 થી 12 હજાર રુપિયા કમાઈ રહ્યાં છે. કેટલાક લોકો તો અહીં પોતાના આખા પરિવારને લઈને સવારથી જ આવી જાય છે. ચોંકાવનારી વાત એ છે કે, જીવલેણ પ્રદૂષણ ધરાવતી આ જગ્યા પર આ ગરીબોના નાના બાળકો પણ તેમની સાથે હોય છે.

ચંડોળા તળાવ પાસે રહેતા સમશુદ્દીન શેખનું કહેવું છે કે, અભણ હોવાના કારણે તે ચાની કિટલી જેવી કોઈ જગ્યા પર કામ કરી મહિનાના માત્ર બે-ત્રણ હજાર રુપિયા કમાઈ શકે તેમ છે. જોકે, પીરાણામાં કચરો વીણીને તે દિવસના 400-500 રુપિયા આરામથી કમાઈ લે છે. લોકો અહીં આવીને પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકનો બીજો કચરો તેમજ ભંગાર જેવી વસ્તુઓ આખો દિવસ ઉંધા માથે વીણતા રહે છે.

સમશુદ્દીન શેખની જેમ અહીં કચરો વીણનારા મોટાભાગના લોકો મુસ્લિમ છે. તેઓ સવારે છ વાગ્યાથી જ અહીં આવી જાય છે, અને અંધારું ન થાય ત્યાં સુધી કચરો વીણતા રહે છે. કેટલાક લોકોએ તો અહીં ઝૂંપડાં પણ બાંદી દીધા છે, અને દિવસ દરમિયાન તેઓ કચરાના ડુંગર પર જ આરામ પણ ફરમાવી લે છે.

રોજના હજારથી પણ વધુ લોકો અહીં આવતા હોવાથી હવે કચરાના ડુંગરની આસપાસ સમોસા, ચણાજોર ગરમ વેચનારાથી લઈને ચાની કિટલીઓ પણ ખૂલી ગઈ છે. કચરો વીણનારા લોકોના બાળકો પણ અહીં આસપાસ જ રમતા હોય છે.

પોતાના પતિ સાથે અહીં આવતાં અકલિમા શેખનું કહેવું છે કે, શરુઆતમાં તેમને અહીંના ધૂમાડાને કારણે તકલીફ થતી હતી, પરંતુ હવે તેમને તેની આદત થઈ ગઈ છે. તેમના બાળકો પણ અહીં તેમની સાથે જ હોય છે.

અમદાવાદ આમ પણ પ્રદૂષિત શહેર છે, તેમાંય પીરાણાનું પ્રદુષણ તો એટલું ઘાતક છે કે તેની શરીર પર ગંભીર અસરો થવાના પૂરા ચાન્સ છે. પરંતુ, તેની ચિંતા કરવી અહીં કચરો વીણતા ગરીબ લોકોને પરવડે તેમ નથી. તેઓ માસ્ક બાંધ્યા વગર ધોમધખતા તડકામાં પણ કચરો વીણતા રહે છે.

જુતા-ચપ્પલમાંથી રબર અલગ કરવાનું કામ કરતા મોહમ્મદ રહેમાનનું કહેવું છે કે, કચરો વીણનારા દરેક લોકો એક વ્યક્તિ માટે કામ કરે છે, જે બધો વેસ્ટ ભેગો કરી તેને વેચે છે. અહીં બધું કામ વ્યવસ્થિત રીતે થાય છે, અને જુદા-જુદા પ્રકારનો વેસ્ટ નકકી કરાયેલી બેગમાં એકઠો કરવામાં આવે છે.

અદી મોહમ્મદ નામનો એક વ્યક્તિ પહેલા હોટેલમાં કામ કરતો હતો. જોકે, નોકરી છૂટી ગયા બાદ તે અહીં રોજ કચરો વીણવા આવે છે. અદી જણાવે છે કે, તેને હોટેલમાં મહિને માંડ ચારેક હજાર રુપિયા મળતા, પરંતુ અહીં તે મહિનાના દસેક હજાર રુપિયા કમાઈ લે છે.

નવાઈની વાત એ છે કે, પીરાણામાં આવી ગતિવિધિ ગેરકાયદે છે, સેવા સંસ્થા દ્વારા પ્રમાણિત 60 મહિલાઓને જ અહીં કચરો વીણવાની છૂટ છે. કોર્પોરેશનના અધિકારીઓ પણ આ અંગે કશુંય કહેવા માટે તૈયાર નથી. સેવા દ્વારા પ્રમાણિત કોકિલાબેન પરમાર જણાવે છે કે, તેમને અહીં કામ કરવામાં ખાસ્સી હેરાનગતિનો સામનો કરવો પડે છે. સંસ્થા દ્વારા અપાયેલા ટ્રેક્ટરને પણ કોર્પોરેશનના અધિકારીઓ અંદર નથી લાવવા દેતા. અધિકારીઓ જાય પછી જ ટ્રેક્ટર અંદર આવી શકે છે, જેના કારણે બહેનોને મોડી રાત સુધી બેસી રહેવું પડે છે.

(4:35 pm IST)