Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

નવરાત્રીના પાંચ દિવસમાં ડબલ થયો કોરોનાના નવા કેસનો આંકડો

ગુજરાતીઓ સતર્ક રહેજો ! નવા કેસોના મામલે ગુજરાતે કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળને પણ પાછળ છોડયા છે : ૧૦ ઓકટોબરે રાજ્યમાં કોરોનાના નવા ૧૦ કેસ નોંધાયા હતા જે ગુરૂવાર (૧૪ ઓકટોબર) : સુધીમાં વધીને ૩૪ થઇ ગયા છે : પાંચ દિવસમાં કોરોનાના કેસોમાં ૮૮%નો ઉછાળો નોંધાયો છે

અમદાવાદ તા. ૧૫ : તહેવારો દરમિયાન ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ૧૦ ઓકટોબરે રાજયમાં કોરોનાના નવા ૧૦ કેસ નોંધાયા હતા જે ગુરુવાર (૧૪ ઓકટોબર) સુધીમાં વધીને ૩૪ થઈ ગયા છે. મતલબ કે પાંચ દિવસમાં કોરોનાના કેસોમાં ૮૮%નો ઉછાળો નોંધાયો છે. મહારાષ્ટ્ર અને કેરળ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજયો છે પરંતુ છેલ્લા પાંચ દિવસમાં ગુજરાતમાં નોંધાયેલો ઉછાળો આ બંને રાજયો કરતાં વધારે છે. ૧૦થી ૧૪ ઓકટોબર દરમિયાન મહારાષ્ટ્ર અને કેરળમાં નવા કેસોમાં અનુક્રમે ૪% અને ૧૭%નો ઉછાળો આવ્યો છે.

ગુજરાતમાં નવા કેસોમાં આવેલો ઉછાળો ચિંતાનું કારણ તો છે જ સાથે છેલ્લા ૮૨ દિવસમાં પહેલીવાર સૌથી વધુ ૩૪ કેસ નોંધાયા છે. કોરોનાની ઘાતકી બીજી લહેર ધીમી પડતાં રાજયમાં ૨૭ જુલાઈએ ૩૦ કેસ નોંધાયા હતા જયારે ૨૪ જુલાઈએ ૩૯ કેસ નોંધાયા હતા. ઉપરાંત એકિટવ કેસનો આંકડો પણ ૨૦૦ને પાર ગયો છે. છેલ્લે રાજયમાં ૬ ઓગસ્ટે ૨૦૬ એકિટવ કેસ હતા. હવે એકિટવ કેસનો આંકડો ૨૧૫એ પહોંચ્યો છે જે ૭૧ દિવસનો સૌથી વધુ આંકડો છે.

પાંચ દિવસના આંકડાના વિશ્લેષણ પરથી માલૂમ પડ્યું કે, રાજયમાં નવા ૧૨૧ કેસ ૨૪.૨દ્ગક સરેરાશથી નોંધાયા છે, જે ઓકટોબરના સરેરાશ દૈનિક ૨૨ કેસ કરતાં વધારે છે. આ મહિનામાં અત્યાર સુધીમાં રાજયમાં ૩૦૮ કેસ નોંધાયા છે. સપ્ટેમ્બર મહિના કરતાં ચાલુ મહિનામાં નોંધાયેલા દૈનિક કેસોનો આંકડો વધારે છે. સપ્ટેમ્બરમાં ૩૦ દિવસમાં ૫૧૪ કેસ નોંધાયા હતા અને દૈનિક સરેરાશ ૧૭ કેસની હતી.

ઉપરાંત નવા નોંધાયેલા કેસો જે-તે જિલ્લા અને તેની આસપાસના છે. ૧૦ ઓકટોબરથી અત્યાર સુધીના ૧૨૧ કેસમાંથી ૬૨ અથવા ૫૦ ટકા કેસ સુરત શહેર (૨૦ કેસ) અને જિલ્લા (૯ કેસ), વલસાડ (૨૩ કેસ), નવસારી (૮ કેસ) અને નર્મદા (૨ કેસ)માંથી નોંધાયા છે. ઉપરાંત ૨૩ ટકા કેસો અમદાવાદ શહેર (૨૮ કેસ)માંથી નોંધાયા છે.

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશનના પ્રમુખ ડો. ભરત ગઢવીએ કહ્યું, 'છેલ્લા થોડા દિવસોથી નવા દર્દીઓનો આંકડો ૧૦ની નીચે રહ્યો છે તેમ છતાં શહેરની ખાનગી હોસ્પિટલોમાં હવે દર્દીઓની સંખ્યા વધતી દેખાય છે. ગુરુવારે શહેરની હોસ્પિટલોમાં સાત નવા દર્દીઓ દાખલ થયા જેમાંથી બે ત્ઘ્શ્માં છે. કેસોમાં ઉછાળો આ તહેવારોના દિવસો દરમિયાન આવ્યો છે. જોકે, કેસનો આંકડો માત્ર તહેવારોને લીધે વધ્યો છે તેમ કહેવું મુશ્કેલ છે પરંતુ આ ચેતવણી ચોક્કસથી છે. આપણે તહેવારો દરમિયાન કોરોનાના નિયમો પાળવાનું ચૂકવું ના જોઈએ.'

(10:28 am IST)