Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

બાંદરા-પાલિતાણા વચ્ચે સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડશે

ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે.

અમદાવાદ ટ્રેનના પ્રવાસીઓ માટે બાંદરા ટર્મિનસથી પાલીતાણા વચ્ચે આજથી  જાન્યુઆરી ૨૦૨૦ સુધી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવેએ કર્યો છે. આ નિર્ણયના પગલે દિવાળીના સમય દરમ્યાન ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે.

ટ્રેન-નં. ૦૯૦૨૭ બાંદરા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ ટ્રેન બાંદરા ટર્મિનસથી  બુધવારે ૧૫.૨૫ વાગ્યે ઊપડીને આગલા દિવસે ૫.૩૦ વાગ્યે પાલિતાણા પહોંચશે. આ ટ્રેન ૧૬ ઑક્ટોબરથી ૧ જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે.

ટ્રેન-નંબર ૦૯૦૨૮ પાલિતાણા-બાંદરા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન ૧૭ ઑક્ટોબરને ગુરુવારે પાલિતાણાથી સવારે ૭.૩૫ વાગ્યે ઊપડીને એ જ દિવસે ૨૧.૫૦ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ૧૭ ઑક્ટોબર, ૨૦૧૯થી બીજી જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે.

આ ટ્રેનમાં એસી ટૂ ટિયર, એસી થ્રી ટિયર, સ્લીપર તથા સેકન્ડ કલાસ, જનરલ કોચ રહેશે. આ ટ્રેન શિહોર, સોનગઢ, ધોળા જંક્શન, બોટાદ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી તથા બોરીવલી સ્ટેશનો પર રોકાશે.

(9:54 pm IST)