Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર, ભુજ, વાઘજીપુર, મોરડુંગરા, સ્વામિનારાયણ પાલ્લી વગેરમાં આનંદોલ્લાસપૂર્ણ શરદોત્સવ ઉજવાયો...

વિક્રમ સંવતના આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો હોય છે, જે એક માણવાલાયક ક્ષણ હોય છે. શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ. શરદ પૂનમ મંગલ દિવસ છે. આ પૂનમને એટલે માણેકઠારી પૂર્ણિમા કહે છે. શરદપૂનમની રાત્રે ચંદ્ર સામે જોતા દોરો પૂરવાની ક્રિયા કરવામાં આવે તો આંખો નિરોગી બને છે. આંખોનું તેજ વધે છે તેવી માન્યતા છે. શરદપૂનમની ઘણા રાસ પૂનમ  કહે છે. ભગવાનને મળવાની શ્રેષ્ઠ ભાવના હોય તો જીવનમાં પૂનમ ઉગે. શરદની રાત શ્રેષ્ઠ રાત્રી ગણાય છે. આ દિવસે અનેક જગ્યાએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકર અને દૂધ સાથે આરોગવાનો રિવાજ છે. વરસાદની વિદાય શરદનું આગમન એક અનુસંધાન છે. આયુર્વેદના શાસ્ત્ર મુજબ શરીરમાં જે પિત્તનો પ્રકોપ થયો હોય તે આ દૂધ પૌઆ ખાવાથી નાશ પામે છે. દૂધ પિત્તનું દુશ્મન છે. ચંદ્રના કિરણો દૂધપૌંઆમાં 

ભળવાથી દમના દર્દીને ફાયદો કરે છે. તેમજ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ રમવામાં આવે છે.

આવા અનુપમેય મહાત્મ્ય ધરાવતા શરદપૂર્ણિમાની  સંધ્યાએ ગુજરાતની મેગાસિટી, હેરિટેજ સિટી અમદાવાદ મહાનગરમાં મણી સમ સોહતા મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં આજે પરમ ઉલ્લાસભેર શરદ પૂર્ણિમાના પર્વને પરમ ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો. સાયંકાળથી ઉત્સવનો દિવ્ય માહોલ રચાયો હતો. દેશ-વિદેશના હરિભક્તો અને ભાવિકોથી મંદિરનું પરિસર પણ નાનું લાગતું હતું. શ્રી સ્વામિનારાયણ મંદિરના વિશાળ પ્રાંગણમાં ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પરિસરમાં કરવામાં આવેલી રંગબેરંગી રોશનીથી રાત્રિના અંધકારમાં જાણે અનંત તારલાઓ પરિસરમાં ઉતરી આવ્યા હોય એવી રોશની પ્રગટી હતી.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સંતો અને દેશ-વિદેશના અનેક હરિભક્તો તેમજ ભાવિકોએ આ પર્વને અનેરા ઉમંગથી રાસ રમીને ઉજવ્યું હતું. વળી, ભુજ, વાઘજીપુર, મોરડુંગરા સ્વામિનારાયણ પાલ્લી વગેરે શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં રાસોત્સવ ઉજવાયો હતો. રાસના અંતે સ્વામિનારાયણ સ્વામીબાપાને દૂધ પૌવાનો થાળ ધરાવ્યો હતો. પરમ પૂજ્ય સ્વામીજી મહારાજે  શ્રીજીબાપા સ્વામીબાપાની આરતી ઉતારી હતી. યજમાન પરિવારે પણ આ પર્વે આરતી ઉતારી  હતી. સૌએ દૂધ પૌઆના પ્રસાદની લિજ્જત માણી હતી.

(12:30 pm IST)