Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

લોકરક્ષક ભરતીની શૈક્ષણીક લાયકાતમાં ફેરફારની વાત પાયા વિનાનીઃ વિકાસ સહાય

વાયરલ થયેલા ન્યુઝની અફવા સાફ-સાફ શબ્દોમાં અકિલા સાથેની વાતચીતમાં નકારી કાઢતા ભરતી બોર્ડના અધ્યક્ષ : ૯૦૦૦થી વધુ ઉમેદવારોના હૈયે ટાઢક વળે તેવા સમાચારઃ નવેમ્બર સુધીમાં તમામ કાર્યવાહી પુર્ણ થશે

રાજકોટ, તા., ૧૫: રાજય પોલીસ તંત્રમાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ રીતે જાળવવા માટે હાલમાં ટોપ ટુ બોટમ કક્ષાએ  અને ખાસ કરીને જેઓને ફિલ્ડમાં ગ્રાસ રૂટ પર કામ કરવાનું છે તેવા પોલીસ લોકરક્ષકોની          ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે તેવા સમયે જ લોકરક્ષકની શૈક્ષણીક લાયકાતમાં  ફેરફાર થવાની વ્યાપક અફવાઓ વાયરલ થવા સાથે ભરતી પ્રક્રિયાને બ્રેક લાગે તેવી અફવાઓને સ્પષ્ટ રીતે ભરતી બોર્ડના એડીશ્નલ ડીજીપી કક્ષાના વડા વિકાસ સહાયે  નકારી કાઢી છે.

અકિલા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતંુ કે અગાઉ જે રીતે જાહેરાત આપી હતી અને જે રીતે શૈક્ષણીક લાયકાત નક્કી કરી હતી તેમાં કોઇ ફેરફાર નથી અને તે મુજબ જ કાર્યવાહી ચાલી રહી છે. સંભવત  આવતા માસે તમામ ભરતી પ્રક્રિયા પુર્ણ થઇ જશે.

અત્રે યાદ રહે કે લોકરક્ષક ભરતી માટે ૯૭૧૩ જેટલા  યુવાનોએ અરજી કરી છે અને આવી અફવાથી ઉમેદવારોમાં ચિંતાની  લાગણી પ્રસરી ગઇ હતી. વિકાસ સહાયે જણાવેલ કે અનુસુચીત જનજાતી શ્રેણીના ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી આદિવાસી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા ચાલી રહી છે. જે પણ નિયત સમયમાં પુર્ણ થઇ જશે.

તેઓએ જણાવેલ કે તમામ પ્રક્રિયા પુર્ણ થયે બોર્ડની વેબસાઇટ દ્વારા લોકરક્ષક પરીણામો અંગેની જાહેરાત થઇ જશે ઉમેદવારોએ ચિંતા કરવાની જરૂર નથી. આ બાબતે ભરતી બોર્ડ કે અન્ય સંબંધક વિભાગનો સંપર્ક ન કરવા પણ તેઓએ અપીલ કરી છે.

રાજય પોલીસ તંત્રમાં લોકરક્ષક ઉપરાંત  પોલીસ ઇન્સ્પેકટર કક્ષાની જગ્યાઓ ખાલી પડી છે તે બાબતે પણ પીએસઆઇ ટુપીઆઇ બઢતી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.  રાજયના પોલીસવડા શિવાનંદ ઝા પોલીસ તંત્રમાં ખાલી પડેલી જગ્યાઓ તુરત ભરાઇ જાય તે માટે કાર્યરત છે.

(12:21 pm IST)