Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

મહેસુલ તંત્રમાં ક્રાંતિ : જમીનના ૮ કરોડ કાગળોનું સ્કેનીંગઃ ૧૩૫-ડી ની નોટીસ ઓનલાઈન અપાશે

રાજ્યભરના ૭/૧૨, ૮ અ, ૬ અ સરકારની આંગળીના ટેરવે

રાજકોટ, તા. ૧૫ :. રાજ્યના મહેસુલ તંત્ર દ્વારા આધુનિક ટેકનોલોજી આધારીત એક પછી એક વહીવટી સુધારણાના પગલા લેવામાં આવી રહ્યા છે. ફીઝીકલ સ્ટેમ્પ પેપરના વેચાણ અને વપરાશ પર નિયંત્રણ મુકયા બાદ હવે સરકાર પારદર્શક વહીવટની દિશામાં આગે કદમ માંડવા તરફ છે. રાજ્યના જમીનને લગતા ૮ કરોડ જેટલા દસ્તાવેજી કાગળોનું સ્કેનીંગ પૂર્ણતાના આરે છે. આવતા દિવસોમાં સરકાર ૧૩૫-ડી ની નોટીસ પણ ઓનલાઈન આપવા માગે છે. ભવિષ્યમાં દસ્તાવેજની નોંધણી પણ ઓનલાઈન થઈ શકે છે. અત્યારે દસ્તાવેજ માટે ઓનલાઈન સમય લેવાની પદ્ધતિ અમલમાં આવી ગઈ છે.

જમીનના રેકોર્ડની દ્રષ્ટિએ ૭/૧૨ અગત્યનો કાગળ ગણાય છે. તે ઉપરાંત તેની સાથે જોડાતા અન્ય તમામ દસ્તાવેજી કાગળોનું રાજ્ય સરકાર દ્વારા સ્કેનીંગ કરવામાં આવી રહ્યુ છે. આ કામ પૂર્ણતાના આરે છે. ૮ કરોડ કાગળો સ્કેનમાં કેદ થઈ ગયા છે. રાજ્યમાં કયાં કેટલી જમીન, કોના નામે છે ? તેનો રેકોર્ડ સરકારની આંગળીના ટેરવે થઈ ગયો છે. જમીનના વહીવટમાં થતા ગોટાળા રોકવામાં આ પદ્ધતિ મહત્વની સાબિત થશે. હાલ મિલ્કતની માલિકીમાં ફેરબદલ કે સુધારો કરવાનો થાય ત્યારે અરજદારની અરજી પછી તંત્ર દ્વારા ૩૦ દિવસની મુદ્દતની ૧૩૫-ડી તરીકે ઓળખાતી નોટીસ આપવાની જોગવાઈ છે. તંત્રમાંથી કોઈની મીલીભગત અથવા અન્ય કોઈ કારણસર જેને નોટીસ મળવી જોઈએ તેને કેટલીક વખત મળતી ન હોવાની અને પરિણામે અરજદારે કરવા ધારેલો ફેરફાર બારોબાર જ થઈ જાય તેવી સંભાવના રહેલી છે. સંભવિત કૌભાંડ ટાળવા સરકાર ૧૩૫-ડીની નોટીસ ઓનલાઈન આપવાની પદ્ધતિ અમલમાં લાવવા માગતી હોવાનું મહેસુલી તંત્રના વર્તુળો જણાવે છે. વહીવટ જેમ ઓનલાઈન થતો જશે તેમ પારદર્શક થતો જશે.

સ્ટેમ્પ વેન્ડરો દ્વારા ઈ-સ્ટેમ્પીંગમાં કમિશન વધારવાની માંગણી કરવામાં આવી છે. તે બાબતે સરકાર ઈ-સ્ટેમ્પીંગ પદ્ધતિ ધરાવતા બાકીના રાજ્યો સાથે સંકલન કરી કેન્દ્રમાં સામુહિક રજૂઆત કરવા માંગે છે.

(3:58 pm IST)