Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જીવલેણ ડિપ્થેરીયા પ્રસર્યોઃ ૪ બાળકોના મોતઃ હાહાકાર

ગાંધીનગરથી મેડીકલ ટીમ દોડી ગઈ

ધાનેરાઃ બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ડિપ્થેરિયાને કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આરોગ્યની ટીમે તપાસ કરતા અત્યાર સુધી ડિપ્થેરિયાના ૧૪ શંકાસ્પદ કેસ બહાર આવ્યા છે. જેમાંથી ૪ બાળકોના મોત નિપજયા હોવાનું પણ આરોગ્ય વિભાગે સ્વીકાર્યું છે. તેમજ બે બાળકોને હોસ્પિટલમાં સારવાર અર્થે રાખ્યા છે. જયારે ૮ બાળકોને સારવાર આપ્યા પછી હાલ ઘરે સહી સલામત છે. પરંતુ આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો જિલ્લામાં મોટા પ્રમાણમાં કેસ બહાર આવવાની શકયતાઓ જોવા મળી રહી છે.

છેલ્લા ૩ દિવસથી આરોગ્યની તાલુકાની તેમજ જીલ્લાની ટીમ પણ આ તપાસમાં લાગી છે. ત્યારે તપાસ કરતાં બીજા ડિપ્થેરિયાના ૭ કેસ મળ્યા છે અને વધુ ૩ બાળકોના મોત થયાના સમાચાર આવતા ગાંધીનગરની ટીમ પણ ધાનેરા ખાતે  આવી પહોંચી હતી અને આરોગ્યના અધિકારી તેમજ કર્મચારીઓ સાથે બેઠક કરી હતી.

ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી ડો. પી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, ધાનેરાના સરાલ-વીડ ગામે ડિપ્થેરિયાના કારણે એક બાળકનું મોત થવા પામ્યું છે. તે બાબતને લઇને તપાસ કરતાં અન્ય ૧૪ શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા. જેમાંથી ૪ બાળકોના મોત થયા છે. જેથી આ બાબતે તપાસ ચાલુ છે તેમજ આરોગ્યની ટીમો દ્વારા રસીકરણની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે અને રવિવારે પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. તેમજ ગાંધીનગરથી પણ મદદનીશ આર.ડી.ડી. તેમજ તેમની ટીમ ધાનેરા ખાતે આવેલી છે.

(12:19 pm IST)