Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

અમદાવાદમાં આવકવેરાના દરોડામાં પાંચ કરોડની રોકડ ઝડપાઇ

ડઝનબંધ બેન્ક લોકરો,મોટાપાયે દસ્તાવેજો અને કિંમતી ચીજો મળી : હજુ કાર્યવાહી ચાલુ

        અમદાવાદમાં જમીન મકાન અને ટેક્સ્ટાઇલ બિઝનેસ ધારકોને ત્યાં આવકવેરાના દરોડામાં પાંચ કરોડની રોકડ ઝડપાઈ છે. ડઝનબંધ બેન્ક લોકરોના  દસ્તાવેજો મળી આવ્યા છે. ગેરકાયદેસર વ્યવહારોની નોંધો મળી આવી છે અને મોટા પાયે દસ્તાવેજો અને કીમતી ચીજો મળી આવી છે. આવકવેરાના સવાસો જેટલા ઓફિસરો અને કર્મચારીઓએ અમદાવાદમાં ૧૨ જેટલા જુદા જુદા સ્થળોએ, ફાર્મ હાઉસ અને ઓફિસોમાં, નિવાસસ્થાનો માં દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન એક જ સ્થળેથી ત્રણ કરોડની રોકડ મળી આવી હતી. સવારે 6:30 વાગે શરૂ થયેલ સર્વે અને દરોડા મોડી સાંજે પણ ચાલુ હતા

      અમદાવાદની ટેક્સટાઈલ માર્કેટમાં આયકર વિભાગે દરોડા પાડ્યા છે. દિવાળી તાકડે જ દરોડાને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કાલુપુર ન્યુ ક્લોથ માર્કેટમાં, કાંકરિયા સફલ-૩, એસજી હાઈવે સહિત કુલ ૧૮ સ્થળો આઇટીના દરોડાના પગલે વેપારી આલમમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સિંધુ ભવન રોડ ઉપર પણ ઇન્કમટેક્સ વિભાગે રેડ પાડી છે વળી કેટલાક જમીનદલાલો પણ આઇટીના નિશાના ઉપર છે. આ દરોડામાં કરોડોની બેનામી સંપત્તિનો વ્યવહાર અને કાળા નાણાંનો પર્દાફાશ સામે આવવાની શક્યતા છે. દરોડા દરમ્યાન શિવાલી ફેશન સહિતના ગ્રુપમાંથી સાત કરોડની રોકડ પકડાતાં આઇટીના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. અધિકારીઓએ ૧૫થી વધુ બેંક ખાતાઓ પણ સીલ કર્યા હતા. હવે આ સમગ્ર પ્રકરણમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો પર્દાફાશ થવાની શકયતા છે. ખાસ કરીને લેન્ડ બ્રોકર સુરેશ ઠક્કરને ત્યાં ઈન્કમટેક્સ વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. સફલ ગ્રુપના લેન્ડ બ્રોકર તરીકે સંકળાયેલા હોવાથી ત્યાં તપાસ લંબાય તેવી શક્યતા છે. આ ઉપરાંત મેવાડા ગ્રુપ અને ગોગિયા ગ્રુપમાં પણ આઈટીએ તપાસ શરૂ કરી હતી.

               ધીરેન ભરવાડ વિજ્ય કુમારને ત્યાં પણ તપાસનો ધમધમાટ ચાલ્યો હતો. આઇટીના દરોડા દરમ્યાન અધિકારીઓએ વાંધાજનક દસ્તાવેજો અને બેનામી હિસાબો અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. અમદાવાદ શહેરના રાયપુર અને કાલુપુર, કાંકરિયા સહિતના વિસ્તારમાં ટેક્સટાઇલના જાણીતા વેપારીઓના ત્યાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ વહેલી સવારે દરોડા પાડ્યા હતા. સવારથી જ આઇટીની રેડને પગલે વેપારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. આ દરોડામાં કરોડોનો બેનામી સંપત્તિનો વ્યવહાર બહાર આવવાની શકયતા છે. અધિકારીઓએ વાંધાજનક દસ્તાવેજો અને કાગળો પણ જપ્ત કર્યા હતા. આઇટીના અધિકારીઓએ ન્યુ ક્લોથ માર્કેટ બંધ કરાવતાં વેપારીઆલમમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અમદાવાદના રાયપુરમાં આવેલા કાપડ માર્કેટમાં શિવાલી ફેશન ટેક્સટાઈલ ગ્રુપમાં આઇટીના અધિકારીઓ ત્રાટકયા હતા. શિવાલી ટેક્સટાઈલ ગ્રુપના શિવાભાઈ ગોગીયા નામના વેપારીના ત્યાં આઇટી વિભાગના દરોડા દરમ્યાન પણ બહુ મોટા પાયે સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો, હિસાબો અને દસ્તાવેજો હાથ લાગ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.

               આજે સવારથી આઇટી વિભાગની ૧૮થી વધુ ટીમોએ રામભાઇ ભરવાડ, તેમના પુત્ર ધીરેનભાઇ ભરવાડ, મેવાડા ગ્રુપ, ગોગિયા ગ્રુપ, ધવલભાઇ તેલી, પ્રેમ ભાટિયા અને ન્યૂ કલોથ માર્કેટ સહિત રહેઠાણ અને કોમર્શિયલ વિસ્તારમાં આવેલી ઓફિસો પર દરોડાની કામગીરી હાથ ધરી હતી. તાજેતરમાં જ દશેરાના દિવસે જમીન દલાલ દ્વારા કરાવાયેલા જમીનના મોટા સોદાની માહિતીના પગલે વિભાગે સર્વે હાથ ધર્યો છે, જેમાં કરોડોના વ્યવહાર અને મોટી કરચોરીની વિગતો ખૂલે તેવી શક્યતા છે. આ તપાસ આવતીકાલ સુધી ચાલે તેવી સંભાવના છે. સર્વેના અંતે તમામ સ્થળેથી કરોડોનું કાળું નાણું ઝડપાવાની પણ પૂરી સંભાવના છે. આઇટી વિભાગના એડિશનલ કમિશનરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો દરોડાની કામગીરીમાં જોડાઇ હતી. આઇટી વિભાગે દરોડા સ્થળોેએથી કોમ્પ્યુટર, લેપટોપ ઉપરાંત બિનહિસાબી દસ્તાવેજો-કાગળો સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. અધિકારીઓએ તમામ સ્થળોએથી ટેકસટાઇલ વેપારીઓ અને જમીનદલાલોના મોબાઇલ પણ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમના બેન્ક લોકરમાંથી પણ મોટી સંખ્યામાં ઝવેરાત અને બેનામી વ્યવહાર મળી આવવાની શક્યતા છે.

(11:21 pm IST)
  • બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષાની તારીખ તાકીદે જાહેર કરોઃ કોંગ્રેસ : બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસીસ્ટંટની પરીક્ષા રદ કરી સરકારે લાખો બેરોજગારોની કરી મનીક : એકાએક પરીક્ષા રદ થતાં કલાસીસ, મહેનત, સમય બરબાદ થતા યુવાનોમાં હતાશાઃ કોંગી આગેવાન ગર્જેન્દ્રસિંહ ઝાલાના આક્ષેપો access_time 1:21 pm IST

  • મુંબઈના અંધેરી ખાતે આવેલ પેનીનસુલા બિઝનેસ પાર્ક નામના કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળતા ફાયરબ્રિગેડે 65 લોકોને બચાવી લીધા છે access_time 10:55 pm IST

  • ત્રિપુરાના ભૂતપૂર્વ ચીફ ઇજનેરની ૬૦૦ કરોડના જંગી કૌભાંડ અંગે ધરપકડ કરવામાં આવી છે access_time 11:00 pm IST