Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં ઉમેદવારોના દેખાવ

બિનસચિવાલય કલાર્ક-ઓફિસ આસીની પરીક્ષા રદ થતાં રાજયમાંથી સેંકડો ઉમેદવારોએ ગાંધીનગરની કચેરી ખાતે પહોંચી હોબાળો અને સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવ્યું

અમદાવાદ, તા.૧૪ : ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે આગામી તા.૨૦મી ઓક્ટોબરનાં રોજ લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય કરતાં રાજયના હજારો ઉમેદવારોમાં ભારે આક્રોશ અને નારાજગીની લાગણી ફેલાઇ ગઇ છે. ખાસ કરીને પરીક્ષા કયા કારણસર રદ કરવામાં આવી તે પાછળનું કારણ પણ જાહેર કરવામાં આવ્યું નથી અને આ અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે, શૈક્ષણિક લાયકાત વધારીને આ પરીક્ષા પુનઃ લેવામાં આવશે. હવે આ પરીક્ષા ધોરણ ૧૨ પાસ નહીં પરંતુ ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતને આધારે લેવાશે. આ પ્રકારના તઘલખી નિર્ણયને લઇ આજે રોષે ભરાયેલા સેંકડો ઉમેદવારો પરીક્ષા રદ કરવાના મુદ્દે ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા હતા અને કચેરી ખાતે વિરોધદર્શક દેખાવો અને સૂત્રોચ્ચાર યોજયા હતા. સેંકડો ઉમેદવારોના દેખાવો અને હોબાળાના લઇ વાતાવરણ ગરમાયું હતું.

         તો, ઉમેદવારોને હાલ અધિકારીઓ પાસેથી કોઇ સંતોષકારક જવાબ નહી મળતા આ સમગ્ર મામલે તેમણે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઉમેદવારોએ રોષ ઠાલવ્યો હતો કે, બે દિવસમાં નવી તારીખ જાહેર નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. ઉમેદવારોનાં હોબાળાનાં પગલે પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને તેમને ઓફિસની બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ અંગે તમામ ઉમેદવારોનો એક જ રોષ હતો કે, અમને અધિકારીઓ આ પરીક્ષા રદ કેમ કરી તેનું કારણ આપે અને બીજું આની નવી તારીખ આપે. જો આટલું પણ તેમનાથી નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું. હજારો ઉમેદવારો બે-ત્રણ વર્ષથી પરીક્ષાને લઇ તૈયારી કરતાં હતા અને પરીક્ષાની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું છે તો તે માટે જવાબદાર કોણ, ઉમેદવારોની માનસિકતાનો વિચાર કર્યો છે,

સરકાર કેમ આ સમગ્ર મામલે ફોડ પાડતી નથી વગેરે સવાલો ઉમેદવારોએ ઉઠાવ્યા હતા. ઉમેદવારોએ જણાવ્યું કે, અમારા માબાપ આ પરીક્ષાનાં રૂપિયા ભરે છે. કેવી રીતે ભરે છે તે અમને જ ખબર હોય છે. અને તેમાં પણ અચાનક પરીક્ષાઓ રદ થઇ જાય છે. તો અમે અહીં એટલી જ રજૂઆત કરવા આવ્યાં છે કે અમારી પરીક્ષા કેમ રદ કરવામાં આવી અને નવી તારીખ આપો. પરીક્ષા રદ થયા પછી જ્યારે ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન, અસિત વોરાને આ પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમને પણ આની જાણ ન હતી. તેમણે બચાવ કર્યો કે, સરકારનાં આદેશ પ્રમાણે અમને સૂચના મળી હતી તેથી અમે આ પરીક્ષા રદ કરી હતી. સરકાર ફરીથી જ્યારે સૂચના આપશે ત્યારે ઉમેદવારોને પરીક્ષાની તારીખ જાણ કરીશું. સરકાર સંવેદનશીલ છે તેથી આ પરીક્ષા રદ કરવા પાછળ પણ કોઇ નક્કર કારણ હશે.

 

(9:51 am IST)
  • ટાટા કંપની ટુંક સમયમાં ઇલે. મોટર સાયકલ લાવશે ટોર્ક મોટર માં રોકાણ કરવા રતન તાતા જઈ રહ્યા છે, તેમની કંપની આગામી થોડા મહિનાઓમાં તેમના ફ્લેગશીપ ઇલેકિટ્રક મોટર સાયકલને લોન્ચ કરવા તૈયારી કરી રહેલ છે. access_time 12:01 pm IST

  • તામિલનાડુમાં આવકવેરાના દરોડામાં 30 કરોડની રોકડ મળી આવી : ગયા અઠવાડિયે તામિલનાડુના ચેન્નાઈમાં આવકવેરા ખાતાએ પાડેલા દરોડામાં ત્રીસ કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ ઝડપાઈ આવી છે.આ વર્ષમાં આવકવેરાના દરોડા દરમિયાન મળી આવેલી આ સૌથી મોટી રકમ છે. -ન્યુઝફર્સ્ટ દ્વારા જણાવાયું છે access_time 9:55 am IST

  • દેશમાં એક કરોડ દસ લાખ જેટલા ખાલી મકાનો શહેરોમાં પડ્યા છે, જેમાંથી ૭૮ ટકા એટલે કે ૮૬ લાખ મકાનો માત્ર દસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા છે access_time 11:12 pm IST