Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

મ્યુનિ,તંત્રને ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતી નિમિત્તે 'સ્વચ્છ દિવાળી' પખવાડિયું ઉજવવા સરકારનો આદેશ

શહેરનાં પ્રસિદ્ધ મંદિર, બ્રિજને પાણીથી ધોવડાવી ચોખ્ખા કરાશે : એન્ટ્રી પોઇન્ટ ,જાહેર રસ્તા,બગીચા,મોલ,બસ સ્ટેન્ડ સહિતની સફાઈ કરાશે

 

અમદાવાદ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતી નિમિત્તે તંત્ર દ્વારા 'સ્વચ્છદિવાળી' પખવાડિયાની ઉજવણી કરાશે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ગત તા.૯ ઓકટોબરના પરિપત્ર મુજબ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે મ્યુનિ. તંત્ર દ્વારા આગામી તા.ર૬ ઓકટોબર સુધી ‌દિવાળી પૂર્વે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'સ્વચ્છ ‌દિવાળી' વિષય પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાની હોઇ આ સફાઇ ઝુંબેશમાં નાગરિકોને સહભાગી કરાશે. શહેરના તમામ શાકમાર્કેટ, ખેતીવાડી ઉત્પન્ન બજાર એસો. અને વાણિજ્ય વિસ્તારોમાં મોટા વેપારીઓ અને દુકાનદારોની જનભાગીદારીથી સાફ સફાઇ શહેરના તમામ હેરિટેજ વિસ્તાર, નદી, તળાવમાં નાગરિકોને સામેલ કરી જનભાગીદારીથી સાફ સફાઇ કરાશે.

તમામ એન્ટ્રી પોઇન્ટ, જાહેર રસ્તા, બગીચા, મોલ, બજાર, બસ સ્ટેન્ડ, રિક્ષાસ્ટેન્ડ, ટેકસીસ્ટેન્ડ, રેલવે સ્ટેન્ડ અને એરપોર્ટની આસપાસનો વિસ્તાર, ખાનગી અને સરકારી હોસ્પિટલની સફાઇ કરાશે. શૌચાલયની સફાઇ ઉપરાંત સ્વચ્છ સર્વેક્ષણના ભીંત સૂત્રોની કામગીરી કરાશે.

જાણકાર સૂત્રો વધુમાં કહે છે, સ્વચ્છ ‌દિવાળી ઝુંબેશમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ જોડાશે. શાળા-કોલેજમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિકના ઓછા ઉપયોગનું માર્ગદર્શન અપાશે તેમજ શાળા-કોલેજની આસપાસનાં વિસ્તારોનાં વિદ્યાર્થીઓ પ્લોગિંગ ડ્રાઇવ (ચાલતાં ચાલતાં પ્લાસ્ટિક વીણવું) કરશે.

(9:52 am IST)