Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆતઃ કચ્છમાંથી વિદાય લઇ લીધીઃ ૧પ નવેમ્બર બાદ જ ઠંડીનો અહેસાસ શરૂ થશેઃ હવામાન વિભાગ

અમદાવાદ :આજથી ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય થઈ છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસાની સીઝન 45 દિવસ લાંબી ચાલી છે. રાજ્યમાં સરેરાશ 146 ટકા વરસાદ નોંધાયો છે. જેને કારણે ગુજરાતના મોટાભાગના જળાશયો ભરાઈ ગયા છે. જો સરકાર દ્વારા આ પાણીની યોગ્ય સાચવણી તથા વહેંચણી થાય તો ઉનાળામાં નાગરિકો તથા ખેડૂતોને પાણીની તંગીનો સામનો નહિ કરવો પડે. તો બીજી તરફ, સારો વરસાદ છતા ઉત્તર ગુજરાતનાં 15માંથી 8 જળાશય 100 ટકા ભરાયા નથી.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. કચ્છમાંથી ચોમાસા ઋતુએ વિદાય લીધી છે. ચોમાસ વિદાય લેતા તાપમાનમાં વધારો થશે. હાલ મહત્તમ તાપમાન વધશે. વાદળો હટી ગયા છે, સૂર્ય દેખાઈ રહ્યો છે. તેથી તાપમાન 35 36 સુધી જઈ શકે છે. હવે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. પરંતુ 15 નવેમ્બર બાદ જ ઠંડીનો અહેસાસ શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ગુજરાતમાં વરસેલા 146 ટકા વરસાદને કારણે ગુજરાતના અનેક જળાશયો છલકાયા છે. સરદાર સરોવર ડેમની સપાટી 132ને પાર કરી ગઈ હતી. જેમાં હાલ 98.57 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. હાલ ગુજરાતના 122 ડેમ સંપૂર્ણ રીતે છલકાયેલા છે. જેથી ઉનાળામાં નાગરિકો કે ખેડૂતોને પાણીની સમસ્યા નહિ રહે. તો બીજી તરફ, ગુજરાતમાં જ્યાં સૌથી વધુ પાણીની તંગી રહે છે એ સૌરાષ્ટ્ર પ્રદેશમાં પણ સારુ ચોમાસું ગયું છે. સૌરાષ્ટ્રના 139 ડેમમાં 93 ટકા પાણી આવી ગયું છે.

(5:45 pm IST)