Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

અમદાવાદમાં ગંભીર ગુન્હામાં સંડોવાયેલા ૩ શખ્સો મર્સિડીઝ કારમાં દારૂની મહેફીલ માણતા ઝડપાયા

અમદાવાદ: અમદાવાદની સોલા પોલીસે ત્રણ એવા લોકોની ધરપકડ કરી જે શખ્સો દારૂ પીને પિસ્ટલ લઇને શહેરમાં હાઇફાઇ મર્સીડીઝ કારમાં ફરતા હતા. આ આરોપીઓમાં કોઇ બિલ્ડર છે તો કોઇ જમીન દલાલી કરે છે. અને જમીન વિવાદમાં શખ્સો સામે અસંખ્ય હત્યાની કોશિષ ખંડણી જેવા ગંભીર ગુના પણ નોંધાયા છે.

પ્રજ્ઞેશ હર્ષદભાઇ પટેલ, જીતેન્દ્રગિરી ગોસ્વામી અને માલદેવ ભરવાડ આ ત્રણેય શખ્સો એક જ મર્સીડીઝ કારમાં દારૂ પીતા પીતા સોલા વિસ્તારમાંથી જતા હતા. જેને લઇને પોલીસને બાતમી મળતા જ પોલીસે તે લોકોને વિસ્તારમાંથી પકડ્યા હતા. આરોપી જીતેન્દ્રગિરી ગોસ્વામી પાસેથી પોલીસને એક પિસ્ટલ અને કાર્ટિસ પણ મળી આવ્યા હતા.

પોલીસે તપાસ કરી તો આરોપીએ કબૂલાત કરી કે, તેની પાસે તેનું લાયસન્સ છે. પણ જ્યારે પોલીસસ્ટેશન લાવીને તપાસ કરી તો તમામ આરોપીઓ સામે અસંખ્ય ગુના નોંધાયા છે. આરોપીઓ બિલ્ડર કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા છે તો આ શખ્સોએ અનેક લોકોની જમીનો પણ પચાવી પાડી છે. અને હત્યાની કોશિષ પણ કરી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી પ્રગ્નેશ સામે સોલા, વેજલપુર, ક્રાઇમબ્રાંચ, મહેસાણા અને શાહપુરમાં તો જીતેન્દ્રગીરી સામે વેજલપુર અને શાહપુરમાં તથા માલદેવ ભરવાડ સામે વટવા, ઘાટલોડિયા, અસલાલીમાં પાંચ ગુના નોંધાયેલા છે.

(5:39 pm IST)