Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

બિન સચિવાલય કલાર્કની પરિક્ષા રદ થતા ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે હજારો વિદ્યાર્થીઓનો હોબાળો

ગાંધીનગર, તા.૧૪:તાજેતરમાં જ ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા લેવાનાર બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ થતાં લાખો ઉમેદવારો રોષે ભરાયા છે. સોમવારે વહેલી સવારે હજારોની સંખ્યામાં ઉમેદવારો કર્મયોગી ભવન ખાતે આવેલી ગૌણ સેવા પસંદગી મંડળની ઓફીસે પહોંચ્યા હતા. ધોરણ ૧૨ના લાયકાત પર બિન સચિવાલય કલાર્કની પરીક્ષા માટે પહેલા તો ફોર્મ ભરાવ્યા, અને જયારે પરીક્ષાની તારીખ આવી ત્યારે નિયમોમાં બદલાવ કરીને લાયકાત સ્નાતક કરવામાં આવી. ત્યારે આ પરીક્ષાની તૈયારી કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ તથા તેમના માતાપિતાનો રોષ ફાળી નીકળ્યો છે.

પરીક્ષા રદ્દ થતાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ આજે ગાંધીનગરમાં કર્મયોગી ભવન રજૂઆત કરવા પહોંચી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આમ, રાજયભરમાં અનેક વિદ્યાર્થીઓએ સરકાર સામે છેલ્લે સુધી લડી લેવાની પણ ચીમકી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ અને સામાન્ય વહીવટ વિભાગ વચ્ચે બે વાગ્યે બેઠક છે. જેમાં શું ચર્ચા થાય છે તે જોવું રહ્યું.

બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ધોરણ-૧૨ પાસની જગ્યાએ સ્નાતકની લાયકાત કરાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. આ માટે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કર્મયોગી ભવનમાં આજે રજૂઆત કરવા પહોંચ્યા છે. સ્નાતકની જગ્યાએ ધોરણ-૧૨ પાસ જ લાયકાત રાખવા માટે વિદ્યાર્થીઓએ માંગણી કરી છે. તેમજ બિન સચિવાલય કલાર્કની પરીક્ષા મામલે વિદ્યાર્થીઓ કોર્ટમાં પીઆઈએલ સુધીના પગલાં ભરશે તેવી વાત કહી હતી. હાલ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં આવી ગયા છે. ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓએ સરકાર સામે વિરોધના સૂત્રોચ્ચારો કર્યા હતા. તેઓએ ‘we want justice’ના નારા લગાવ્યા હતા. હાલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં તમામ પરીક્ષાર્થીઓ વિરોધ પર બેસી ગયા છે.

(4:19 pm IST)