Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

સુરતની કોલેજમાં શરૂ થયા રડવાના કલાસ!!!

 રાજકોટઃ  તા.૧૪, તમે શાળા કે, કોલેજમાં દ્યણા કલાસ જોયા હશે, ડ્રોઈંગ કલાસ, ડાન્સ કલાસ, યોગા કલાસ પણ તમે રડવાના કલાસનું નામ સાંભળ્યું છે કયારેય પરંતુ સુરતમાં હવેથી શાળા કોલેજમાં શરૂ થશે રડવાના કલાસ. આ કલાસમાં અઠવાડિયામાં એક દિવસ કોલેજના વિદ્યાર્થીઓ એક વાર મનભરીને રડીને મન હળવું કરશે.

એક રિપોર્ટ અનુસાર સુરતના કડોદરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી ગર્લ્સ કોલેજમાં રડવાના કલાસ શરૂ કરવામાં આવ્યા છે. આ કલાસમાં કોલેજની વિદ્યાર્થીનીઓ એક સાથે બેસીને પોતાનું દુખ વ્યકત કરીને મન હળવું કરી શકશે. આ કલાસ શરૂ કરવાનું ઉદેશ્ય છે કે, વર્તમાન સમયમાં લોકો દ્યણું સહન કરીને જીવન જીવી રહ્યા છે. કેટલીક તકલીફોને બહાર કાઢવાના બદલે મનમાં રાખી રહ્યા છે, આની અસર લોકોની માનસિક સ્થિતિ પર પડે છે અને જેના કારણે તે લોકો માનસિક રોગનો શિકાર બને છે.

 આ ક્રાઈંગ કલબ દ્વારા અઠવાડિયામાં એક વાર સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી ગર્લ્સ કોલેજમાં રડવાના કલાસ શરૂ કરવામાં આવ્યા છે. આ ક્રાંઇક કલાસમાં ડો. નિર્મલ ચોરારિયા, ડો. મુકુલ ચોકસી, ડો. તૃપ્તી પટેલ અને કમલેશ મસાલાવાલા વિદ્યાર્થીનીઓના કલાસ લેશે. રડવાના કારણે દ્યણા ફાયદાઓ થાય છે. જેમાં શારીરિક અને માનસિક હળવાશ અનુભવાય છે, મન હળવું થઇ જાય છે, આંખને ઠંડક મળે છે, માનસિક તણાવથી મુકિત મળે છે.

આ બાબતે ક્રાઈંગ કલબના સ્થાપક કમલેશ મસાલાવાલાએ જણાવ્યું હતું કે, ભારતમાં પહેલી વાર અમારી સંસ્થા દ્વારા કોઈ કોલેજમાં રડવાના કલાસ શરૂ કરવામાં આવ્યા છે. પહેલા કલાસમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને મુકત મને રડ્યા હતા.

(3:37 pm IST)