Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ખાનગી માલિકીની ઠરાવેલ સરકારી જમીનોની રાજયવ્યાપી તપાસ

શરત ભંગના કારણે શ્રીસરકાર થયેલ જમીનો ફરી ખાનગી માલિકીની કરી દેવા તેવા કિસ્સાની વિગતવાર માહિતી મંગાવતી સરકારઃ 'વહીવટ' અંગે ગંભીર ફરીયાદોના પગલે તમામ કલેકટરોને તપાસનો સરકારનો પત્રઃ આજે સાંજ સુધીમાં માહિતી મોકલવાના આદેશથી ખળભળાટ

રાજકોટ, તા., ૧૪: રાજયના મહેસુલ વિભાગે શરતભંગના કારણે શ્રીસરકાર થયેલ  જમીનો ખાનગી માલીકીની ઠરાવવાના કિસ્સાની રાજયવ્યાપી તપાસ શરૂ કરાવી છે. આ અંગે મહેસુલ વિભાગની ઉચ્ચ કક્ષાએથી ગયા અઠવાડીયે તમામ કલેકટરોને તા.૧૪ ઓકટોબર સુધીમાં માહીતી મોકલવા આદેશ અપાયો છે. મૂળ સરકારની જમીન કેટલીક શરતોને આધીન જે તે વ્યકિત કે સંસ્થાઓને અપાતી હોય છે. તેનો સમય મર્યાદામાં કોઇ ઉપયોગ ન થવાથી અથવા જે હેતુથી જમીન મળી હોય તેના બદલે અલગ હેતુસર ઉપયોગ કરવાના કિસ્સામાં કેસ ચલાવી તે જમીન ફરી શ્રીસરકાર કરવાની એટલે કે સરકારના કબ્જામાં લેવાની જોગવાઇ છે. આવી શ્રીસરકાર થયેલી જમીન ફરી જે તે લાભાર્થી દ્વારા અરજી કરી પાછી મેળવવા પ્રયાસ થઇ શકે છે. જમીન શ્રીસરકાર કરવામાં અથવા શ્રીસરકાર થયેલ જમીનો ખાનગી માલીકીની ઠરાવવાના ઘણા કિસ્સામાં ચોક્કસ પ્રકારનો વહીવટ ચાલતો હોવાની ફરીયાદો સરકાર સુધી પહોંચેલ તેના પગલે તપાસ કરવા આદેશ અપાયાનું જાણવા મળે છે.

તમામ કલેકટરોએ ખાનગી માલીકીની ઠરાવેલ જગ્યાનું ગામ, સરર્વે નંબર, વિસ્તાર, શ્રીસરકાર થવાનું કારણ, મંજુરીની તારીખ તેમજ કઇ કક્ષાએથી ખાનગી માલીકીની ઠરાવવામાં આવેલ છે તે સઘળી માહીતી માંગ્યાનું જાણવા મળેલ છે. સરકારે તપાસનો ધમધમાટ શરૂ કરતા કેટલાયના પગ નીચે રેલો આવે તેવી સંભાવના મહેસુલ તંત્રના વર્તુળો દર્શાવી રહયા છે.

(6:57 pm IST)