Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

મહિસાગરમાં ન્હાવા પડેલા છ યુવાનો પૈકી બે ડૂબી ગયા

એકનો મૃતદેહ મળ્યો : બીજાની શોધખોળ ચાલુ : ન્હાવા ગયેલા છ યુવાનો એલએન્ડટી કંપનીના કર્મચારી

અમદાવાદ, તા.૧૩ : વડોદરા જિલ્લાના સાવલી નજીક લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નહાવા પડેલા છ યુવકો પૈકી બે યુવાન ડૂબતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ભારે શોધખોળ અને પ્રયાસો બાદ નદીના પાણીમાં એક યુવકનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે બીજાની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક ફાયરબ્રિગેડના જવાનો અને તરવૈયાઓની મદદ લેવાઇ હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. વડોદરા સ્થિત એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતા છ મિત્રો આજે રવિવાર રજા હોવાથી લાંછનપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નહાવા માટે ગયા હતા. આ સમયે છ મિત્રો પૈકી બે મિત્રો અચાનક જ ડૂબવા લાગ્યા હતા. પોતાના બંને મિત્રોને ડૂબતાં જોઇ અન્ય મિત્રોએ બચાવો બચાવોની બૂમો સાથે મદદ માટે પોકાર કર્યો હતો અને પોતાનાથી બનતા પ્રયાસો કર્યા હતો. પરંતુ બે યુવકો નદીના ઉંડા પાણીમાં ગરકાવ બન્યા હતા. જેથી સ્થાનિક તરવૈયાઓએ બંને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી.

ઘટનાની જાણ થતાં વડોદરા ફાયરબ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી. જેમાં મૂળ મુંબઇના અને વડોદરા ખાતે એલએન્ડટી કંપનીમાં નોકરી કરતો અક્ષય કાંધાર(ઉ.વ.૨૪)નો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જો કે, પાણીમાં ડૂબેલા અન્ય યુવક એવા મૂળ મુંબઇના અને વડોદરા ખાતે એલએન્ડટી કંપનીમાં નોકરી કરતા ચેતન મોરપાણી(ઉ.વ.૨૪)ની હાલ શોધખોળ ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી મહીસાગર નદીમાં ડૂબેલા બંને યુવાનના પરિવારજનોને જાણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(9:46 pm IST)