Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ગળતેશ્વરના અંબાવની પાસે દુર્ઘટનામાં પાંચના મોત થયા

ડાકોર-સેવાલિયા રોડ પર ગમખ્વાર અક્સ્માત : સેવાલિયા પોલીસે મૃતદેહોને પીએમ માટે મોકલી સમગ્ર મામલમાં તપાસ શરૂ કરી : અક્સ્માતને પગલે ટ્રાફિકજામ

અમદાવાદ, તા.૧૩ : ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ નજીક આજે બપોરે એક લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને એકસાથે પાંચ લોકોના મોતને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ઘટનાની જાણ થતાં સેવાલિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બનાવને લઇ તપાસ હાથ ધરી હતી. પોલીસે તમામ મૃતકોના મૃતદેહને પીએમ માટે મોકલી આપવાની તજવીજ પણ હાથ ધરી હતી. અકસ્માત એટલો ભયંકર અને ગમખ્વાર હતો કે, લકઝરી બસની ટક્કરમાં કારનો જબરદસ્ત રીતે કચ્ચરઘાણ વળી ગયો હતો અને આખી કારનો ભુક્કો જ બોલી ગયો હતો. જેના કારણે કારમાં બેઠેલા ચાલક સહિતના અન્ય લોકો મળી પાંચના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા.

         બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા અને કારની ભુક્કો બોલેલી હાલત અને પાંચ મૃતદેહો જોઇ સૌકોઇમાં અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. ગળતેશ્વર તાલુકાના અંબાવ નજીક ડાકોર-સેવાલિયા રોડ પર આજે બપોરે પૂરપાટઝડપે જઇ રહેલી લકઝરી બસે આજે એક કારને જોરદાર રીતે ટક્કર મારી ગંભીર ગમખ્વાર અક્સ્માત સર્જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લકઝરી બસની ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો જોરદાર રીતે ભુક્કો બોલી ગયો હતો અને કચ્ચરઘાણ વળી ગયો હતો, ગમખ્વાર એવા આ અકસ્માતમાં પાંચ જણાંના ઘટનાસ્થળે જ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. અકસ્માતને લઇ હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સેવાલિયા પોલીસે પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર મામલે જરૂરી તપાસ હાથ ધરી હતી. ગુજરાતના જુદા જુદા ભાગોમાં હાલ અકસ્માતોનો સિલસિલો જારી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી મોટા માર્ગ અકસ્માતો થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,હાલમાં જ અમદાવાદ જિલ્લાના ધંધૂકા-બરવાળા રોડ પર તગડી ગામ પાસે ટ્રકની પાછળ આઇ ૧૦ કાર ઘૂસી જતા સર્જાયેલાગમખ્વાર અકસ્માતમાં બે મહિલા સહિત ચાર જણાંના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય એકને સારવાર અર્થે ધંધૂકા આરએમએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.  બીજી બાજુ હિંમતનગર-અમદાવાદ રોડ પર પ્રાંતિજના તાજપુર કૂઇ પાસે આજે બપોરે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતાં બે વ્યકિતના કરૂણ મોત નીપજયા હતા. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ગમખ્વાર અકસ્માતમાં સ્વીફ્ટ કારનો ભુકકો બોલી ગયો હતો, જેને પગલે એક તબક્કે ક્રેઇનને બોલાવવી પડી હતી. અકસ્માતોને રોકવા વિવિધ પગલા લેવાયા હોવા છતાં અકસ્માતોનો સિલસિલો જારી રહ્યો છે.

(9:43 pm IST)