Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સંત રાજિન્દરસિંહજી મહારાજ પહોંચ્યા : સત્સંગનું આયોજન

૨૨મીએ મોડાસા, ૨૩-૨૪મીએ અમદાવાદમાં: ૨૩-૨૪મીએ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સત્સંગ કાર્યક્રમનું આયોજન : ૭૦ હજારથી વધારે સત્સંગી જોડાશે

અમદાવાદ,તા.૧૫: વિશ્વ પ્રસિધ્ધ આધ્યાત્મિક ગુરૂ સંત રાજિન્દરસિંહજી મહારાજ અમદાવાદના આંગણે પધારી રહ્યા છે. ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમ્યાન સંત રાજિન્દ્રસિંહજી મહારાજ તા.૨૨મીએ મોડાસા ખાતે અને તા.૨૩ અને ૨૪મી ઓકટોબરના રોજ અમદાવાદ શહેરમાં પોતાનો અનોખો સત્સંગ કાર્યક્રમ યોજી સત્સંગીઓને ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવવાનો પ્રયાસ કરશે. સાવન કૃપાલ રુહાની મિશનના પ્રમુખ અને માનવ એકતા સંમેલનના અધ્યક્ષ સંત રાજિન્દર સિંહજી મહારાજનો બે દિવસીય સત્સંગ કાર્યક્રમ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તા.૨૩ અને ૨૪ ઓક્ટોબરે આયોજન કરવામાં આવ્યો છે. જેમાં ૭૦ હજારથી પણ વધુ સત્સંગીઓ ભાગ લે તેવી શકયતા છે. આ ઉપરાંત તા.૨૩ ઓક્ટોબરની રાતે સુફી સ્ટાર્સ કવાલીનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાવન કૃપાલ રુહાની મિશનના ઝોનલ ઇન્ચાર્જ લલિત કનોજીઆએ વૈશ્વિક આધ્યાત્મિક ગુરૂ સંત રાજિન્દરસિંહજીની ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ મુલાકાતને લઇ જણાવ્યું કે, સંત શ્રી રાજિન્દર સિંહજી મહારાજ આપણા શહેરમાં ઉપસ્થિત રહેશે તે સૌ કોઇ માટે ગર્વની વાત છે. તેમના સત્સંગ વિશ્વભરમાં જાણીતા છે. આવા મહાન સંત તા.૨૩ અને ૨૪ ઓક્ટોબરે અમદાવાદની ધરતીને પાવન કરશે તે જણાવતાં મને અનહદ ખુશી છે. તા. ૨૩ ઓક્ટોબરના રોજ અમદાવાદમાં સંત રાજિન્દર સિંહજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત આદરણીય માતા રીટાજી દ્વારા કરવામાં આવશે. તે ઉપરાંત સંત રાજિન્દર સિંહજી મહારાજ પોતાની દિવ્ય વાણી દ્વારા લોકોને ઇશ્વરના સાક્ષાત્કાર કરવાનો માર્ગે સમજાવશે. સંત રાજિન્દર સિંહજી મહારાજના સત્સંગ સાંભળવા લોકો અમદાવાદ ઉપરાંંત ભારતના વિવિધ રાજ્યોથી હજારોની સંખ્યામાં ઉમટશે, જેમાં વિદેશી ભાઇ-બહેન પણ ઉપસ્થિત રહેશે. સંત રાજિન્દર સિંહજી મહારાજના જીવન અને કાર્યને પ્રેમ અને નિઃસ્વાર્થ સેેવાની સતત યાત્રા તરીકે સંક્ષિપ્ત કરી શકાય છે. સંત રાજિન્દર સિંહજી મહારાજ સમગ્ર એશિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઓશેનિયામાં આધ્યામિક પ્રવચન આપે છે. સંત રાજિન્દર સિંહજી મહારાજને દુનિયાભરના કેટલાંક પુરસ્કાર અને સમ્માન પ્રાપ્ત થયાં છે જેમાં પાંચ માનદ્ ડોક્ટરેટ્સની ઉપાધિ પણ સામેલ છે.

સાવન કૃપાલ રુહાની મિશનના સંપૂર્ણ વિશ્વમાં ૨૮૦૦થી વધારે કેન્દ્ર સ્થાપિત છે તથા મિશનનું સાહિત્ય વિશ્વની ૫૫થી વધારે ભાષાઓમાં પ્રકાશિત થઇ ચૂક્યું છે. તેનું મુખ્યાલય વિજય નગર, દિલ્લીમાં છે તથા આંતરરાષ્ટ્રીય મુખ્યાલય નેપરવિલે, અમેરિકામાં સ્થિત છે. તેમણે ઉમેર્યું કે, સંત રાજિન્દરસિંહજી કહે છે કે, આધ્યાત્મ વિજ્ઞાન એ તમામ વિજ્ઞાનની જનની છે, તમામ વિજ્ઞાન તેમાંથી જ ઉત્પન્ન થયેલા છે. ઇશ્વર આપણા સૌની અંદર જ રહેલો છે, જરૂર છે માત્ર તેને દિવ્ય ચક્ષુઓથી જોવાની અને ઓળખવાની. માનવતા એ આપણા સૌનો પહેલો ધર્મ છે અને સાવન કૃપાલ રૂહાની મિશન માનવતા કાજે સદાય અને હરહંમેશ સક્રિય રીતે કામ કરતું આવ્યું છે. વૈશ્વિક આધ્યાત્મિક ગુરૂ સંત રાજિન્દરસિંહજીના અમદાવાદના બે દિવસીય સત્સંગનો મહત્તમ લાભ લેવા તેમણે શ્રધ્ધાળુ સત્સંગીઓને જાહેર અનુરોધ કર્યો હતો.

(10:02 pm IST)
  • હરીયાણામાં બની રહેલ મસ્જીદમાં લશ્કર એ તૈયબા આતંકી સંસ્થાના પૈસાઃ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીનો ધડાકો : ટેરર ફંડીગની તપાસમાં નવા નવા ફણગા ફુટતા જાય છેઃ મસ્જીદના ઇમામ સહિત ૩ની ધરપકડ access_time 3:35 pm IST

  • વિસાવદર પંથકમાં ૩ વર્ષના સિંહનું શંકાસ્પદ સ્થિતિમાં મોત : વિસાવદરના કાલાવડની સીમમાંથી સિંહનો મૃતદેહ મળ્યોઃ ૩ વર્ષના સિંહના મૃતદેહને શંકાસ્પદ હાલતમાં અગ્નિદાહ અપાયોઃ દુર્ગધ આવતા વાડી માલીકે વનતંત્ર વિભાગને કરી જાણઃ સિંહનુ કુદરતી મોત થવાનુ વન વિભાગનું અનુમાન access_time 3:09 pm IST

  • વડોદરાના કરજણમાં જેસીટી ઇલેકટ્રોનીકસ કંપનીના શેર ડાઉનઃ તાળા લાગી ગયા : ટીવીની પિકચર ટયુબ બનાવતી દેશની પ્રથમ કંપની છે જેસીટી ઇલેકટ્રોનીકસઃ ૧૯૯૬થી કાર્યરત એમ.એમ. થાપર ગ્રુપની જેસીટી કંપની બંધ થઇઃ બીઆઇએફઆર દ્વારા કંપનીને નબળી જાહેર કરાઇ હતીઃ ૪૬૫૧ કરોડ બેંક ફાઇનાન્સ કંપનીઓને ચુકવવાના બાકી access_time 3:35 pm IST