Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

પોલીસના મારથી મૃત્યુ થયા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો

કસ્ટડીમાં યુવકના શંકાસ્પદ મોતને પગલે ચકચાર :ચોરીની શંકામાં અટકાયત કરી પોલીસે માર મારતા મૃત્યુ થયું હોવાનો પરિવારોનો આક્ષેપ : ઉંડી ચકાસણીનો દોર

અમદાવાદ, તા.૧૫ : સુરેન્દ્રનગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા એક યુવકનું અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસની કસ્ટડીમાં મોત થયું હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, મૃતક યુવકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે પોલીસે ચોરીની શંકામાં અટકાયત કરી માર મારતાં તેનું મોત થયું છે. પરિવારજનો દ્વારા આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરાઇ છે. ભારે વિવાદ અને હોબાળા બાદ હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસનો અહેવાલ માંગવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરાયા છે. યુવકના મોત અંગે પોલીસે આજે સવારે જ તેના પરિવારને જાણ કરી હતી. યુવકનું ક્યારે મોત થયું તે અંગે પણ પોલીસે પરિવારને સ્પષ્ટતા કરી નથી. હાલ પરિવારજનો પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાવવા બોપલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં સુરુભા ભરતસિંહ ઝાલા(ઉં.વ.ર૭) પરિવાર સાથે રહેતા હતા. ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીમાં તેઓ ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. થોડા દિવસ પહેલાં સુરુભા રાજકોટથી ટ્રકમાં કાર્ટનો ભરી નીકળ્યા હતા. તેમની સાથે અન્ય લોકો પણ હતા. દરમ્યાનમાં રાત્રીના સમયે હાઇવે પર બગોદરા પાસે કાર્ટનોની ચોરી થઇ હોવાનું સુરુભાએ તેમના માલિકને જણાવ્યું હતું. જે બાબતે ટ્રાન્સપોર્ટ માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમ ચોરીની શંકામાં સુરુભા સહિત ત્રણથી ચાર લોકોની અટકાયત કરી બોપલ એલસીબીની ઓફિસે લાવી હતી. દરમ્યાનમાં આજે સવારે એલસીબી પોલીસે સુરેન્દ્રનગરમાં તેમના ઘેર જાણ કરી હતી કે સુરુભાનું મૃત્યુ થયું છે, જેથી તેમના પરિવારજનોએ અમદાવાદ રહેતા તેમના સગાં-સંબંધીઓને જાણ કરી હતી. તેઓ તાત્કાલિક બોપલ પ્રાથમિક સારવાર કેન્દ્રમાં પહોંચતા સુરુભાનું મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. સુરુભાના શરીર પર માર માર્યાના નિશાન જોવા મળ્યા હતા. પરિવારજનોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સુરુભા જે કંપનીમાં નોકરી કરતા હતા તેના ટ્રકમાંથી કાર્ટનોની ચોરી થઇ હતી, જેમાં શંકાસ્પદ તરીકે સુરુભા સહિત ચાર લોકોને ગ્રામ્ય એલસીબી પોલીસે બગોદરાથી અટકાયત કરી હતી. બોપલ એલસીબી ઓફિસે લવાયા બાદ ત્રણ લોકોને પોલીસે છોડી મૂક્યા હતા જ્યારે સુરુભાને બેસાડી રખાયા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે સુરુભાના મૃત્યુનું કારણ પોલીસે જણાવ્યું નથી. પોલીસ કયા દિવસે સુરુભાની અટકાયત કરી હતી અને તેનું મૃત્યુ ક્યારે થયું તેની પણ પરિવારજનોને કોઇ માહિતી અપાઇ નથી. બોપલ પ્રાથમિક સારવાર કેન્દ્રમાં પોલીસે સુરુભાનું પોસ્ટમોર્ટમ કરવા લાશ મોકલી આપી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસે શંકાસ્પદ લવાયેલા અન્ય ત્રણને છોડી મૂકી સુરુભાને ઢોરમાર મારતાં તેનું મૃત્યુ થયું છે. પરિવારજનો ન્યાયની અપેક્ષા સાથે પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા અને ફરિયાદ નોંધાવવા બોપલ પોલીસ સ્ટેશન ગયા હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસની કસ્ટડીમાં ચોરીની શંકામાં લવાયેલા યુવકનું મોત નીપજતાં અનેક સવાલો ઊભા થયા છે. આ અંગે અમદાવાદ જિલ્લા પોલીસવડા રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે હાઇવે પર કાર્ટનની ચોરી અંગે ટ્રાન્સપોર્ટ માલિકે ફરિયાદ નોંધાવી હતી. મૃતક આ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો અને તે જ ટ્રકમાં ચોરી થઇ હતી, જેથી શંકાના પગલે એલસીબીની ટીમ તેને પૂછપરછ માટે બોપલ એલસીબી ઓફિસ લઇ આવી હતી હાલમાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવાઇ રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ સામે આવશે.

(8:22 pm IST)