Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

નવરાત્રીના પાંચમા દિવસે મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આઠ સત્શાસ્ત્રોનું અનુષ્ઠાન, ભવ્ય શોભાયાત્રા અને પરિસંવાદ

અમદાવાદ તા.૧૫  શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી  શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે, પાર્ષદવર્ય શ્રી શામજી ભગતના માર્ગદર્શન નીચે, નવરાત્રીના પ્રથમ દિવસથી, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શિરમોડ પ્રમાણભૂત આઠ સત્શાસ્ત્રો -- ચાર વેદ, બ્રહ્મસુ્ત્ર, શ્રીમદ્ ભાગવત, વિષ્ણુસહસ્ત્રનામ, શ્રીમદ્ ભગવત્ ગીતા, વિદુરનીતિ, વાસુદેવ માહાત્મ્ય અને જ્ઞાવલ્કયની સ્મૃતિનું અનુષ્ઠાન શરુ થયેલ છે. આજે પાંચમા દિવસે મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આઠેય શાસ્ત્રોનું અનુષ્ઠાન શરુ કરવામાં આવેલ છે.

      અનુષ્ઠાન પૂર્વે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વેદ થી માંડીને આચાર્ય સુધીના ૨૦૦ ઋષિકુમારો અનુષ્ઠાન માટે મેમનગર ગુરુકુલ આવતા વિ્દ્યાર્થીઓ અને સંતોએ સ્વાગત કર્યુ હતું. ત્યાર બાદ ઋષિકુમારો અને સંતોએ આઠેય શાસ્ત્રોને મસ્તક ઉપર ધારણ કરી બેન્ડ પાર્ટી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

    ત્યાર બાદ વેદ વિષયમાં ભાર્ગવભાઇ પંડ્યા, બ્રહ્મસુત્ર વિષયમાં મુનિવત્સલદાસજી સ્વામી, શ્રીમદ્ ભાગવત વિષયમાં હેમાંગભાઇ શાસ્ત્રીજી, વિષ્ણુસહસ્ત્રનામ વિષયમાં નીલકંઠ ભગત, શ્રીમદ્ ભગવત ગીતા વિષય પર અર્જુનાચાર્યજી, વિદુર નીતિ વિષય પર ભાવેશ જોષી, વાસુદેવ માહાત્મ્ય વિષય પર ચિંતનભાઇ જોષી અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વિષય પર સુભાષભાઇ વસોયાએ પરિસંવાદ યોજાયો હતો.

    શ્રીમદ્ ભાગવતની વિશેષના સમજાવતા હેમાંગભાઇ શાસ્ત્રીજીએ જણાવેલ કે, યુવાન ઋષિકુમારો, વિદ્યાર્થીઓ અને સંતો આ અનુષ્ઠાન અને જ્ઞાન ચર્ચા દ્વારા તેજસ્વી, ઉર્જાવાન અને વિશેષ જ્ઞાનવાન બનીને સમાજ સેવામાં પ્રવૃત થશે. ત્યારે આ આધ્યાત્મિક શક્તિ ખૂબ જ ઉપયોગી બની રહેશે.    .

શ્રીમદ્ ભાગવત, જેમાં ભગવાનના અવતારો અને મહાપુરુષોની જીવન પ્રસંગોની વણજાર છે.

શ્રીમદ્ ભાગવત વાંચવાથી કે સાંભળવાથી ઇશ્વરનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે.

શ્રીમદ્ ભાગવત વાંચવાથી મનુષ્યને દ્રઢ નિશ્ચય થઇ જાય  છે કે, સંસારની રચના અને તેનું પાલન પોષણ કરનાર કોઇ શક્તિ કામ કરી રહી છે.જે શક્તિને આપણે ઇશ્વર  કે પરમાત્મા ઓળખીએ છીએ.

શ્રીમદ્ ભાગવત વાંચવાથી આધિભોતિક,આધિદૈવિક અને આધ્યાત્મિક આ પ્રકારના દુ:ખો દૂર થઇ જાય છે.

આઠ સત્શાસ્ત્રોના અનુષ્ઠાની પૂર્ણાહૂતિ  તા.૧૮-૧૦-૨૦૧૮ના રોજ એસજીવીપી ખાતે વિષ્ણુયાગ બાદ  કરવામાં આવશે.

(5:08 pm IST)