Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

GPSC તથા ગુજરાત ગોૈણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ ૨૯૮૬ જગ્યાઓ ઉપર ભરતી

GPSC માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ ઓકટોબર તથા ગોૈણ સેવા પસંદગી મંડળમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ર નવેમ્બર

 GPSC દ્વારા સંશોધન અધિકારી, સિવિલ એન્જીનીયર, રાજય વેરા નિરીક્ષક તથા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજો માટે મદદનીશ પ્રાધ્યાપકની ભરતીઃ ગોૈણ સેવા દ્વારા બિનસચીવાલય કલાર્કસની મેગા રીક્રુટમેન્ટ. https:// gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી તમામ માહિતી મેળવી શકાય છે.

રાજકોટ તા.૧૫: કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા હાલમાં નોકરીવાંચ્છુ યુવાધન ઉપર વિવિધ સરકારી ક્ષેત્રોમાં નોકરીઓનો વરસાદ વરસી રહયો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે સરકારી નોકરીઓનો રીતસરનો પટારો ખોલી નાખવામાં આવ્યો છે તેવું કહેવું ખોટું નથી લાગતું.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા તા.૩૦-૧૦-૧૮ (બપોરે  ૧ વાગ્યા સુધી) ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે મદદનીશ સંશોધન અધિકારી, વર્ગ-ર, (નર્મદા) ની પ જગ્યાઓ, મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-ર (માર્ગ અને મકાન વિભાગ) ની ૨૮૫ જગ્યાઓ તથા રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની ૨૦૦ જગ્યાઓ માટે ભરતી થઇ રહી છે.

ઉપરાંત ગુજરાત રાજયની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજો ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-રની કુલ ૨૭૫ જગ્યાઓ ઉપર ભરતી ચાલી રહી છે. વિવિધ વિષયોમાં ઇતિહાસ, માઇક્રોબાયોલોજી, વનસ્પતિશાસ્ત્ર, ઇન્ડોલોજી, એકાઉન્ટન્સી ,ગુજરાતી, ગણિતશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અંગ્રેજી, ભોૈતિક શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજયશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, રાજયશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર, તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન અને ભૂસ્તરશાસ્ત્રનો સમાવેશ થાય છે.

GPSC  દ્વારા થનાર તમામ ભરતીઓ માટેની લઘુતમ લાયકાત, ઉંમર, કેટેગરીવાઇઝ જગ્યાઓ, છુટછાટ, ફી, કોલેજમાં વિષય પ્રમાણે ભરાનાર જગ્યાઓની સંખ્યા, અરજી કરવાની રીત, પગાર ધોરણ સહિતની તમામ વિગતો માટે સૂચનાઓ https:// gpsc .gujarat.gov.in તથા https:// gpsc-ojas.gujarat.gov.in  વેબસાઇટ ઉપર જોઇ શકાય છે.  GPSC  દ્વારા થનાર ભરતીમાં રૂબરૂ મુલાકાત તથા પોસ્ટીંગ સહિતની તમામ પ્રક્રિયા સંભવતઃ મે-૨૦૧૯ થી ઓકટોબર -૨૦૧૯ સુધીમાં પૂરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. જાન્યુઆરી-૨૦૧૯ થી એપ્રિલ-૨૦૧૯ સુધીમાં પ્રાથમિક કસોટી લેવાનાર હોવાની સંભાવના છે.

ગુજરાત ગોૈણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાતના વિવિધ સ્થળો  માટે ઓફીસ આસીસ્ટન્ટ તથા કલાર્ક વર્ગ-૩ ની કુલ ૨૨૨૧ જગ્યાઓ માટે સીધી ભરતી આવી છે. જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨-૧૧-૨૦૧૮ છે. ધોરણ ૧૨ પાસ તથા ૩૩ વર્ષ સુધી ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી પાત્ર છે. શૈક્ષણિક લાયકાત, વય-મયાંદામાં છુટછાટ, પરીક્ષા પદ્ધતિની વિગતો, ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ, પરીક્ષા ફી વગેરે અંગેની તમામ સૂચનાઓ https://gsssb.gujarat.gov.in તથા  https:// ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર જોઇ શકાય છે. આટઆટલી ચિક્કાર ભરતીઓ સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, હકારાત્મક અભિગમ, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. હકીકતે લાખેણી નોકરી આપ સોૈની રાહ જોઇ રહી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે છે. સોૈને ઓલ ધ બેસ્ટ.

(4:43 pm IST)