Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

પોલીસ સાથે પૂર્વ ધારાસભ્યની બોલાચાલીનો વિડિયો વાયરલ

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ઉગ્ર બોલાચાલી :પૂર્વ ધારાસભ્ય-પોલીસ કર્મીઓની વચ્ચે ઝઘડાનો વીડિયો વાયરલ થયા બાદ કેસમાં તપાસ હાથ ધરાય તેવી શક્યતા

અમદાવાદ, તા.૧૪ : અમદાવાદના પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા અને એક પોલીસકર્મી વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ ઝઘડો થયો હતો. ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પૂર્વ ધારાસભ્ય અને પોલીસકર્મી વચ્ચે બબાલનો એક વીડિયો સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ સમગ્ર ઝઘડાનો વીડિયો કોઈએ મોબાઇલ ફોનમાં ઉતાર્યો હતો, જેને લઇ ભારે ચર્ચા ચાલી હતી. વીડિયો વાયરલ થયા બાદ હવે સમગ્ર પ્રકરણમાં તપાસ હાથ ધરાય તેવી શકયતા છે. વાયરલ થયેલા ઝઘડામાં પોલીસકર્મી અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ધક્કામૂકી અને ઝપાઝપી થાય છે. તે દરમિયાન પોલીસ કર્મી અને પૂર્વ ધારાસભ્ય એક બીજાને કહે છે કે, તું ધારાસભ્ય હોય તો શું થયું, ચાલ નીકળ અહીંથી. તે દરમિયાન અમુક પોલીસ કર્મીઓ એવું કહી રહ્યા છે કે આ વ્યક્તિને પોલીસ સ્ટેશન અંદર લઇ લો. સામે પૂર્વ ધારાસભ્ય પોલીસને નીકળ-નીકળ નહીં કહેવાનું તેમજ ધક્કા નહીં મારવાનું કહેતા તેની સાથે રહેલા એક વ્યક્તિને આ ઘટનાનો વીડિયો ઉતારવાનું કહે છે. પૂર્વ ધારાસભ્ય પોલીસકર્મીને એવું પણ કહી રહ્યા છે કે તું કોને નીકળવનું કહી રહ્યો છે. આ દરમિયાન પોલીસકર્મી એવું પણ કહી રહ્યો છે કે, તું એટ્રોસિટી કેવી રીતે દાખલ કરીશ. અમે સાચા જ છીએ.બબાલ દરમિયાન પોલીસકર્મી અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. બંને એકબીજા તરફ આંગળી ચીંધીને વાત કરી રહ્યા છે. એટલું જ નહીં બબાલ દરમિયાન કોઈના મોઢે એવી વાત પણ સાંભળવા મળે છે કે કોણ હપ્તા લે છે તે ખબર છે. અંતે પૂર્વ ધારાસભ્ય અને પોલીસકર્મીઓ પોલીસસ્ટેશન અંદર જાય છે. આ સમગ્ર બબાલ કયા કારણને લઈને થઈ હતી તે જાણવા મળ્યું નથી પરંતુ આ બનાવને પગલે ભારે ચકચાર મચી ગઇ છે. હવે વાયરલ વીડિયોની તપાસ બાદ હવે સમગ્ર મામલાની તપાસ હાથ ધરાય તેવી શકયતા છે.

(9:36 pm IST)