Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સોહેદો સોગંદ ઉપર જુબાની આપે તે જ ઉત્તમ દાખલો છે

મર્ડર કેસમાં સેશન્સ કોર્ટનું મહત્વનું અવલોકન :નવેમ્બર ૨૦૧૬ના દિવસે મેઘાણીનગર સ્લમ કવાર્ટસમાં આધેડની હત્યાનો મામલો : બધા સાહેદ હોસ્ટાઇલ જાહેર

અમદાવાદ,તા.૧૪ : શહેરના મેઘાણીનગર વિસ્તારમાં સામાન્ય તકરારમાં એક આધેડની હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં અત્રેના એડિશનલ સેશન્સ જજ વી.જે.કલોતરાએ બે આરોપીઓ સમુભાઇ બાબુભાઇ પટણી અને અનિલ ઉર્ફે બાટલો રતનભાઇ પટણીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. સેશન્સ કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ ઠરાવતાં ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કરતાં ઠરાવ્યું હતું કે, સાહેદો કોર્ટ રૃબરૃ બોક્ષમાં આવીને જે કંઇ હકીકત સોગંદ પર જણાવે તે જ ઉત્તમ પુરાવો ગણાય. પ્રસ્તુત કેસમાં ફરિયાદી સહિતના તમામ સાહેદ હોસ્ટાઇલ જાહેર થયેલા છે અને આરોપીઓને ગુનામાં સાંકળી શકાય તેવો લેશમાત્ર પુરાવો કોઇ સાહેદ રજૂ કરી શકયા નથી. એટલું જ નહી, પંચ સાહેદ પણ હોસ્ટાઇલ જાહેર થયેલા છે. મેડિકલ અને સાયન્ટીફિક પુરાવાઓ પરથી પણ આરોપીઓને ગુનામાં સાંકળી શકાય તેવી કોઇ હકીકત રેકર્ડ પર આવતી નથી ત્યારે આરોપીઓને આ કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મૂકવા ન્યાયોચિત લેખાશે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં સામાન્ય તકરારમાં એક આધેડની હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં સરકારપક્ષ તરફથી આરોપીઓને સખત સજા કરવાની માંગ કરાઇ ત્યારે તેની સામે આરોપીપક્ષ તરફથી એડવોકેટ પ્રતિક કે.નાયકે મહત્વની દલીલ કરતાં કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, ગત તા.૭-૧૧-૨૦૧૬ના રોજ મેઘાણીનગરના ચમનપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ સ્લમ કવાર્ટસ ખાતે આરોપીઓ અને ફરિયાદીના પિતા રાયમલ ઉર્ફે કાળુભાઇ કાંતિભાઇ પટણી વચ્ચે નજીવી તકરારમાં ઝઘડો થયો હતો અને ઝપાઝપી થઇ હતી, એ દરમ્યાન નજીકમાં રહેલી રીક્ષાનો કોઇ હિસ્સો વાગવાથી ભોગ બનનારને ઇજા થઇ હોઇ શકે પરંતુ પાછળથી તેમનું મૃત્યુ નીપજયુ હતુ. જો કે, તે માટે આરોપીઓને મર્ડરના કેસ માટે સીધા જવાબદાર કે ગુનેગાર ઠરાવી શકાય નહી. ફરિયાદપક્ષ તેમનો કેસ પુરવાર કરવામાં સરેઆમ નિષ્ફળ રહ્યો છે અને કેસના તમામ સાહેદાહોસ્ટાઇલ જાહેર થયેલા છે ત્યારે કોર્ટે આરોપીઓને નિર્દેોષ ઠરાવી છોડી મૂકવાનો ન્યાયિક હુકમ કરવો જોઇએ. એડવોકેટ પ્રતિક કે.નાયકની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે બંને આરોપીઓને ઉપરોકત મહત્વપૂર્ણ અવલોકન સાથે નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, બંને આરોપીઓને છેલ્લા અઢી વર્ષથી સાબરમતી જેલમાં હતા અને હવે સેશન્સ કોર્ટના હુકમ બાદ તેઓને જેલમાંથી મુકિત મળશે.

(9:32 pm IST)