Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

અમદાવાદ શહેરના 1600 અને ગ્રામ્યના 2700 મહિલા લાભાર્થીઓને ગેસ કીટની કરાશે સહાય

બોડકદેવ, બહેરામપુરા, નિકોલ, વટવા ખાતે કાર્યક્રમોનું આયોજન :દરેક કાર્યક્રમ સ્થળે 400 લાભાર્થીઓને ગેસ કિટ અને સબસ્ક્રીપ્શન વાઉચરના લાભથી લાભાન્વિત કરવામાં આવશે

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ જિલ્લામાં વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે. અમદાવાદ શહેર અને જિલ્લાના ગરીબ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તદ્અનુસાર, અમદાવાદ શહેરમાં 4 સ્થળે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 યોજના અંતર્ગત દરેક કાર્યક્રમ સ્થળે 400 લાભાર્થીઓને ગેસ કિટ અને સબસ્ક્રીપ્શન વાઉચરના લાભથી લાભાન્વિત કરવામાં આવશે.અમદાવાદ શહેરના બોડકદેવ, બહેરામપુરા, નિકોલ, વટવા ખાતે ઉક્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

અમદાવાદ ગ્રામ્યમાં 9 તાલુકાઓ બાવળા, દસક્રોઇ,દેત્રોજ, ધંધૂકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ, વિરમગામમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહાનુભાવો અને વહીવટીતંત્ર દ્વારા દરેક કાર્યક્રમ સ્થળ દીઠ 100 એટલે કે કુલ 900 લાભાર્થીઓને “ઉજજ્વલા યોજના 2.0” અંતર્ગત ગેસ કીટ સહાય થી લાભાન્વિત કરાશે.

અમદાવાદ જિલ્લાની 6 નગરપાલિકામાં કાર્યક્રમ દીઠ 300 એટલે કે કુલ 1800 લાભાર્થીઓને ગેસ કીટ સહાય મહિલા લાભાર્થીઓને અર્પણ કરીને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને વિવિધ જનકલ્યાણ અને જનહિતલક્ષી કાર્યક્રમો હાથ ધરીને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ પક્ષ તરફથી પણ 17મી સપ્ટેમ્બરના રોજ દેશભરમાં વિવિધ સ્થળોએ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

(9:36 pm IST)