Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

રાજ્યના મંત્રીમંડળની રચના પહેલા સિનિયર નેતાઓ નારાજ : પ્રભારીએ ત્રણ કલાક ત્રણેય નેતાઓને મનાવવા કર્યા પ્રયાસ

પૂર્વ સીએમ રુપાણી,નાયાબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ ભારે નારાજ

અમદાવાદ :  ગુજરાતને નવા મુખ્યમંત્રી મળતા જ નવા કેબિનેટ રચના પહેલા ભાજપના સિનિયર નેતાઓમાં નારાજગી ફેલાઈ છે, પૂર્વ સીએમ રુપાણી,નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ ભારે નારાજ જોવા મળી રહ્યા છે. જેથી આ લોકોની નારાજગી દૂર કરવા માટે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ અને ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ત્રણ કલાક સુધી આ ત્રણ નેતાની નારાજગી દૂર કરવા જહેમત કરવી પડી હતી.

બપોરે અઢી વાગ્યા બાદ બંને રાષ્ટ્રીય સંગઠનના નેતા મુખ્યમંત્રી બંગલે આવ્યા હતા, જ્યાં પ્રથમ તેમણે રૂપાણી સાથે દોઢેક કલાક ચર્ચા કરી હતી. એ દરમિયાન નીતિન પટેલ, ચૂડાસમાને પણ અહીં બોલાવાયા હતા અને બીજા દોઢથી બે કલાક સુધી સંતોષ અને યાદવે તેમને કેન્દ્રીય નેતાગીરીનો સંદેશ પાઠવીને તેમની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ આ નેતાઓની નારાજગી દૂર થઈ નથી. બેઠકમાં ભૂતપૂર્વ મંત્રીઓ કૌશિક પટેલ અને પુરુષોત્તમ સોલંકી પણ જોડાયા હતા. જોકે આ બંને નેતા સાથે સંતોષ કે યાદવે મુલાકાત કરી ન હતી, પરંતુ તેમણે રૂપાણી, પટેલ અને ચૂડાસમા સામે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો.

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠકમાં હાજર રહ્યા ન હતા અર્થાત નવા મંત્રીમંડળની રચના અંગે આ ત્રણ નેતાનો અભિપ્રાય લેવાઈ રહ્યો છે એવા સંકેતો ન જાય એનું કેન્દ્રીય નેતૃત્વએ ધ્યાન રાખ્યું હતું. જોકે આગામી ચૂંટણીમાં તેમનાં સલાહ-સૂચનો ધ્યાને રખાશે એવું આશ્વાસન આ નેતાઓને અપાયું છે.

 ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ ભાજપમાં નારાજગી સામે આવી છે. ભાજપના સીનિયર નેતાઓ નારાજ છે. નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં ના આવતા તે કઇ નવાજૂની કરી શકે છે. નારાજગી વચ્ચે નીતિન પટેલ શંકરસિંહ વાઘેલાને મળ્યા હતા.

ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચનાથી માડીને શપથવિધિનો કાર્યક્રમ મોકૂફ રાખીને આવતીકાલે 16મી સપ્ટેમ્બરના દિવસે યોજાશે.જો કે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રાજભવન ખાતે મુકવામાં આવેલા શપથવિધિના બોર્ડ હટાવવાની તેમ જ ઢાંકવાની કામગીરી હાલ ચાલી રહી છે. તે વાત શપથવિધિ સમારોહ મોકૂફ રાખવામાં આવી હોવાની સાબિતી પુરી પાડે છે. વળી પાછો હાલ વરસાદ પણ પડ્યો નથી. તેવા સમયે લેવામાં આવેલું આ પગલું નો રિપીટ થિઅરીને લઈને સર્જાયેલી પરિસ્થિતિના કારણે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શપથવિધિ કાર્યક્રમમાં હાજર રહે તેવી પણ સુત્રો પાસેથી માહિતી મળી છે. આવતીકાલે 1.30 વાગ્યે શપથવિધિ કાર્યક્રમ યોજાશે.

(6:37 pm IST)