Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

નર્મદા ડેમની સપાટી વધતા ગામોને હાઇ એલર્ટ સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની મહેર

નર્મદાની સપાટી વધીને 120.54 મીટર પર આવી પહોંચી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ઘમાકેદાર ઈનિગ્સ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના 40 જેટલા ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે. આ સાથે નર્મદા ડેમની સપાટીમાં પણ 22 મીટરનો વધારો થયો છે. નર્મદાની સપાટી હાલ 120.54 મીટર પર આવી પહોંચી છે. ડેમની સપાટીમાં વધારો થતા આગળના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે ઘણા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જેથી તંત્ર દ્વારા ગ્રામજનોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ઘણા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર પણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. નર્મદાની સપાટી વધીને 120.54 મીટર પર આવી પહોંચી છે. જેના કારણે આગળના તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

સરદાર સરોવર જળાશયમાં હાલ 1,76, 558 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 52.85 ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યનાં 206 જળાશયોમાં 3,98 753 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 71.53 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-65 જળાશય, એલર્ટ ૫ર કુલ- 05 જળાશય તેમજ વોર્નિંગ ૫ર-13 જળાશય છે.

રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં ત્રણ દિવસ જૂનાગઢ, રાજકોટ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં વરસાદને કારણે એક નેશનલ, 20 સ્ટેટ હાઈવે સહિત 214 રસ્તા બંધ, એસટી બસોના 55 રૂટ બંધ કરાયા, 121 ટ્રિપ રદ કરાઈ છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર,ગિર-સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ થશે એવી આગાહી છે. 17 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુઘી ઉત્તર ગુજરાત તથા મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 16 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે.

રાજયમા એન.ડી.આર.એફ.ની કુલ 15 ટીમમાંથી 13 ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ગીરસોમનાથ, 1-અમરેલી, 1-ભાવનગર, 1-જુનાગઢ, 2-જામનગર, 1-બોટાદ, 1-મોરબી ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. અને 1-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે અને ભટીંડા પંજાબથી આવેલ 5 ટીમ પૈકી 1- રાજકોટ, 1-પોરબંદર, 1- દેવભૂમિ દ્રારકા, 2 -જામનગર ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે.

(6:30 pm IST)