Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ગાંધીનગરના રાંધેજા નજીક સ્વાગત હોટલમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 26 શકુનિઓને ઝડપી પાડયા

ગાંધીનગર: શહેરના રાંધેજા નજીક આવેલી સ્વાગત હોટલમાં ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રંાચ-૧ની ટીમ દ્વારા બાતમીને આધારે દરોડો  પાડીને રાજ્ય વ્યાપી જુગારનું નેટવર્ક ચલાવતા ધમેન્દ્ર મિલન સહિત ૨૬ લોકાની ધરપકડ કરી છે. જેમાં  પોલીસે નવ લક્ઝરી કાર, રુ. ૨.૧૮ લાખની રોકડ,  ૩૯ મોબાઇલ ફોન સહિત કુલ રુપિયા ૧.૨૭ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કુખ્યાત ધર્મેન્દ્ર મિલનની ધરપકડ થતા અનેક મોટા માથાના નામ બહાર આવવાની શક્યતા રહેલી છે.

આ સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ-૧ના પોલીસ ઇન્સ્પેક્ટર હરદીપસંહ ઝાલાના સ્ટાફને બાતમી મળી હતી કે રાંધેજા પાસે આવેલી સ્વાગત હોટલમાં ઉંઝા ખાતે રહેતો કુખ્યાત ધર્મેન્દ્ર મિલન ઉર્ફે ધર્મેશ પટેલ , કમલેશ પટેલ, રહીમ નાગાણી દ્વારા મોટાપાયે જુગાર રમાડવામાં આવી રહ્યો  છે અને રાજ્યના અન્ય શહેરોમાંથી જુગારીઓ રમવા માટે આવ્યા છે. આ  બાતમીને આધારે સોમવારે રાતના સમયે દરોડો પાડવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે ટીમ બનાવીને દરોડો પાડતા હોટલના પહેલા માળે લગ્નનો મંડપ હતો અને ત્યાં ટેબલ પાથરીને કેટલાંક લોકો જુગાર રમી રહ્યા હતા. પોલીસના અચાનક પડેલા દરોડાને પગલે ત્યાં હાજર લોકોમાં નાસવા માટે જતા હતા. પણ પોલીસે મુખ્ય દરવાજો કોર્ડન કરીને તમામ લોકોને ત્યાં જ બેસી રહેવા માટે સુચના આપી હતી. પોલીસને સ્થળ પર જ ધર્મેન્દ્ર મિલન, કમલેશ પટેલ અને રહીમ લાખાણી અને સ્વાગત હોટલના માલિક  હિરેન પટેલ મળી આવ્યા હતા.  આ દરમિયાન પોલીસે તપાસ કરતા ત્યાં હાજર લોકો પાસેથી કુલ ૨.૧૮ લાખની રોકડ , મિલન લખેલા ૯૦૫ જેટલા સિક્કા મળી આવ્યા હતા. તેમજ આરોપીઓ દ્વારા લાવવામાં આવેલા ૯ જેટલા  વાહન મળી આવ્યા હતા.  આમ કુલ રુપિયા ૧.૨૭ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

(5:09 pm IST)