Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ગુજરાતના ૧૯૬૦થી ૨૦૨૧ સુધીના મુખ્યમંત્રીઓ : એક ઝલક : લેખાં-જોખાં

૧૯૬૦માં મુંબઈ રાજયમાંથી અલગ થયા પછી શાસનમાં કોંગ્રેસનો અને ૧૯૯૮થી ભાજપનો દબદબો રહ્યો : ૬૧ વર્ષમાં થોડો સમય પ્રાદેશિક પક્ષો અને રાષ્ટ્રપતિ શાસનનો પણ ગુજરાતને અનુભવ રહ્યો છે

ગુજરાતના મુખ્યમંત્રીપદે આરૂઢ થનારા શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ હોદ્દાની મુદતની રીતે ગુજરાતના ૨૪માં મુખ્યમંત્રી છે. તો વ્યકિતની રીતે ૧૭ (સત્તર)મા મુખ્યમંત્રી છે. ગુજરાતે પ્રમાણમાં ઘણી રાજકીય સ્થિરતા જોઇએ છે.

ગુજરાતની પ્રજાએ વિકાસપથની સફર સતત જારી રાખી છે. ૧૯૬૦માં મુંબઈ રાજયમાંથી અલગ થયા પછી શાસનમાં પૂર્વાધમાં કોંગ્રેસનો અને ૧૯૯૮થી ભાજપનો દબદબો રહ્યો છે. ૬૧ વર્ષમાં થોડો સમય પ્રાદેશિક પક્ષો અને રાષ્ટ્રપતિ શાસનનો પણ ગુજરાતને અનુભવ રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતને મળેલા મુખ્યમંત્રીઓની ઝલક જોઈએ.

શ્રી ડો. જીવરાજ મહેતા

(૧-૫-૬૦ થી ૮-૩-૬૨, ૮-૩-૬૨ થી ૧૯-૯-૬૩) ૩ વર્ષ, ૧૪૧ દિવસ (કુલ ૬૭૭ દિવસ)

ગુજરાત અને મહારાષ્ટ્રની ૧૯૬૦ ના મેની પહેલી તારીખે. અલગ રાજયો બન્યાં. સ્વતંત્ર ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી માટે ખંડુભાઇ દેસાઇ ને બળવંતરાય મહેતાનાં નામો વિચારાયાં હતાં, પરંતુ છેવટે મુંબઇ રાજયના મંત્રીમંડળમાં ગુજરાતના મંત્રીઓમાંથી સૌથી વરિષ્ઠ એવા ૭૩ વર્ષીય નાણામંત્રી ડો. જીવરાજ મહેતા પર પસંદગીનો કળશ ઢોળાયો.

અમરેલીના વતની જીવરાજભાઇએ મુંબઇ અને લંડનમાં તબીબી શિક્ષણ મેળવ્યું હતું. સ્વાતંત્રયની લડતમાં સક્રિય હતા. નવરચિત રાજયના મુખ્યમંત્રી તરીકે તેમણે ખાધવાળા રાજયના વહીવટનો ભાર ઉપાડ્યો. મુંબઇ રાજયનું વિભાજન થતાં તેમણે રાજયના વહીવટનો પાયો સુદ્દઢ કર્યો. ગુજરાતમાં ખેતી, સિંચાઇ, વીજળી, રસ્તાઓની ઊણપ વગેરે ક્ષેત્ર તેમણે ઝડપથી કામ કર્યું. તેમણે ગુજરાતમાં દારૂબંધી દાખલ કરી. કાયદો કરી રાજયમાં ગૌહત્યા બંધ કરાવી. તેમણે વિધાનસભામાં પંચાયતધારો પસાર કરાવ્યો. તેમણે ગુજરાત રાજય ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડની રચના કરી. જીવરાજભાઇની આગેવાનીમાં ૧૯૬૨માં કોંગ્રેસને ૧૧૩ બેઠકો મળી. જોકે ૧૯૬૩ માં તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઇ. આ દરખાસ્ત ૩૧ વિરૂદ્ઘ ૧૦૧ મતથી ઊડી ગઇ, પણ રાજકીય ખટપટના વિરોધી ડો. જીવરાજભાઇએ રાજીનામું આપી દીધું.

શ્રી બળવંત મહેતા

(૧૯-૯-૬૩ થી ૧૯-૯-૬૫)  બે વર્ષ,

કુલ ૭૩૦ દિવસ 

૧૮૯૯માં ભાવનગરમાં જન્મેલા બળવંતરાય મહેતા ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા હતા. તેઓ ઠક્કરબાપાએ ઉપાડેલા હરિજન સેવાકાર્યમાં પણ જોડાયા હતા. ૧૯૫૨માં ચૂંટણી જીતી તેઓ લોકસભામાં પણ ગયા હતા. તેમણે પંચાયતી રાજ સુદ્દઢ કર્યું. તેમની વહીવટ પર પકડ હતી. તેમના શાસન દરમિયાન વલસાડ અને ગાંધીનગર બે નવા જિલ્લા થયા. કંડલા ફ્રી ટ્રેડ ઝોન તેમના સમયમાં સ્થપાયો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રચના માટે તેમણે સમિતિ નીમી.

૧૯૬૫ માં ભારત-પાકિસ્તાનના યુદ્ઘ દરમિયાન, યુદ્ઘિવરામ સમયે તેઓ વિમાનમાં બેસી કચ્છ સરહદ જોવા ગયા. પાકિસ્તાનના રડારમાં તેમનું વિમાન ઝડપાતાં પાકિસ્તાનનાં યુદ્ઘવિમાનોએ તેમના વિમાનને તોડી પાડ્યું, જેમાં તેમનું અને તેમનાં પત્ની સરોજબહેનનું અવસાન થયું.

શ્રી હિતેન્દ્રભાઇ દેસાઇ

(૧૯-૯-૬૫ થી ૪-૩-૬૭, ૪-૩-૬૭ થી ૧૩-૫-૭૧) ૫ વર્ષ અને ૨૪૫ દિવસ, કુલ ૧૯૭૦ દિવસ

સુરતમાં ૧૯૧૫માં જન્મેલા હિતેન્દ્રભાઇ દેસાઇએ ૧૯મી સપ્ટેમ્બર, ૧૯૬૫ ના રોજ મુખ્યમંત્રીપદ સંભાળ્યું હતું. હિતેન્દ્રભાઇએ વકીલાતના ક્ષેત્રે ઘણી નામના મેળવી હતી. ૫૦ વર્ષની વયે તેઓ મુખ્યમંત્રી બન્યા. ૧૯૬૫ થી ૧૯૭૧ દરમિયાન તેમણે વલસાડ જિલ્લાનો પારડી ઘાસિયા જમીનનો પ્રશ્નો ઉકેલ્યો. ૧૯૬૮ - ૬૯ ના દુષ્કાળમાં તેમણે સફળ રાહતકામ કર્યું. પાટનગર ગાંધીનગરમાં તેમણે વસાહતોનાં મંડાણ કરાવ્યાં. વહીવટી તંત્રને સુદ્દઢ બનાવવા તેમણે વિજિલન્સ કમિશનની રચના કરી. નવેમ્બર ૧૯૬૯માં કોંગ્રેસનું વિભાજન થતાં તેઓ સંસ્થા કોંગ્રેસમાં જોડાયા.

લોકસભામાં સંસ્થા કોંગ્રેસના પરાજય પછી તેમણે પોતાની સરકારનું રાજીનામું આપ્યું. જોકે પછી નાના પક્ષો અને અપક્ષોની મદદથી તેમણે પુનઃ સત્ત્।ા મેળવી, પણ ૩૫ દિવસમાં જ તેમનું મંત્રીમંડળ તુટ્યું. હિતેન્દ્રભાઇ દેસાઇના સમયકાળમાં ગુજરાતમાં સુવહીવટ, સંગઠન, સમતોલ વિકાસથી ગુજરાત સમૃદ્ઘિ તરફ આગળ વધ્યું.

શ્રી ઘનશ્યામભાઇ ઓઝા

(૧૭-૩-૭૨ થી ૧૭-૭-૭૩) ૧ વર્ષ,

૧૨૨ દિવસ, કુલ ૪૮૭ દિવસ

ભારત પાકિસ્તાનના ૧૯૭૧ ના યુદ્ઘ પછી માર્ચ, ૧૯૭૨માં યોજાયેલી ચૂંટણીમાં ઇન્દિરા કોંગ્રેસને ૧૬૮માંથી ૧૩૯ બેઠકો મળી. ૬૧ વર્ષના ઘનશ્યામભાઇ ઓઝાને ઇન્દિરા ગાંધીએ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યાં. ૧૯૧૧માં ભાવનગરના ઉમરાળા ગામે જન્મેલા ઘનશ્યામભાઇ વકીલાત કરતા હતા. તેના સમયકાળમાં સમગ્ર રાજયમાં માધ્યમિક શિક્ષણ તદ્ન મફત કર્યું. નાના ખેડૂતોને મહેસૂલમાંથી મુકિત આપી. શહેરી જમીન ટોચમર્યાદા ધારો ઘડીને તેમણે જમીનની સટ્ટાખોરી અટકાવી. જૂન, ૧૯૭૩માં ઘનશ્યામભાઇ સામે અવિશ્વાસનો મત રજૂ થયો એટલે તેમણે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું.

શ્રી ચીમનભાઇ પટેલ

૧૭-૭-૭૩ થી ૯-૨-૭૪ અને  ૪-૩-૯૦ થી ૧૭-૨-૯૪ પહેલી વખત ૨૦૭ દિવસ, બીજી વખત ૩ વર્ષ અને ૩૫૦ દિવસ , કુલ ચાર વર્ષ અને ૧૯૨ દિવસ..

ઘનશ્યામભાઇના રાજીનામા પછી ચીમનભાઇ પટેલે ઇન્દિરા ગાંધીની વિરૂદ્ઘમાં જઇને મુખ્યમંત્રીપદ હાંસલ કર્યું. જોકે ૧૯૭૪ માં થયેલા નવનિર્માણ આંદોલને ચીમનભાઇ પટેલ માટે સમગ્ર ગુજરાતમાં તિરસ્કાર ઊભો કર્યો. છેવટે ચીમનભાઇએ રાજીનામું આપ્યું. ૧૯૨૯ માં ત્રીજી જૂને વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચિખોદ્રા ગામે જન્મેલા ચીમનભાઇ અર્થશા સ્ત્ર વિષયના પ્રાધ્યાપક હતા. તેમણે જુન, ૧૯૭૫ માં કિસાન નેતાઓના ટેકાથી ગુજરાત કિસાન મજદૂર લોક પક્ષ (કિમલોપ) નામનો પ્રાદેશિક પક્ષ રચ્યો. આ પક્ષને ૧૨ બેઠકો મળી હતી. ૧૯૭૭ માં ચીમનભાઇ જનતા પક્ષમાં જોડાયા. ૧૯૯૦માં ગુજરાતની આઠમી વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ભાજપ સાથે મળીને મિશ્ર સરકાર રચી. ચીમનભાઇના સમયકાળમાં ગુજરાતની જીવાદોરીસમાન નર્મદા યોજનાનું કામ ગતિમાં ચાલ્યું.

તેઓ લડાક મિજાજ માટે જાણીતા હતા. મોટા ભાગે ગુજરાતનું કેન્દ્રમાં કશું ઊપજે નહિં. પણ ચીમનભાઇ કોઇને ગાંઠતા નહિ. વહીવટી તંત્ર ઉપર તેમની ઘણી પકડ હતી. તેમણે રાજયના ઔદ્યોગિક વિકાસ માટે પણ કેટલાક નક્કર પ્રયાસો કર્યાં હતા. ચીમનભાઇ સામે એવો આક્ષેપ થાય છે કે તેમના સમયથી રાજકારણમાં મૂલ્યોનું પતન શરૂ થયું. તેઓ કોઇપણ ભોગે પરિણામ ઝંખતા. તેમણે અસામાજિક તત્વોને પોષ્યાં તકવાદી રાજકારણના તેઓ પ્રેરક ગણાયા.

 શ્રી બાબુભાઇ પટેલ

૧૮-૬-૭૫ થી ૧૨-૩-૭૬, ૧૧-૪-૭૭

થી ૧૭-૨-૮૦  ૨૬૮ દિવસ

જનતા મોરચાને એપ્રિલ, ૧૯૭૫ માં થયેલી ચૂંટણીમાં ૮૬ બેઠકો મળી. અન્ય પક્ષોના ટેકાથી જનતા મોરચાએ સરકાર રચી અને બાબુભાઇ જશભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા. ૧૯૧૧ માં નડિયાદમાં જન્મેલા બાબુભાઇએ વિદ્યાર્થીકાળથી જ રાજકીય જીવનમાં ઝંપલાવ્યું હતું. દેશમાં કટોકટી લદાયા પછી ઇન્દિરા ગાંધીએ 'કિમલોપ'ના ચીમનભાઇ પટેલનો સહકાર મેળવી બાબુભાઇની સરકાર તોડી. ૧૯૭૭, માર્ચમાં તેઓ જોકે પુનઃ મુખ્યમંત્રી થયા. તેમના બીજા શાસનકાળ દરમિયાન કેન્દ્રે નર્મદા જળવિવાદનો ચુકાદો જાહેર કર્યોં હતો. કટોકટીનો તેમણે મક્કમ વિરોધ કરેલો. બાબુભાઇએ પૂરહોનારતથી અસર પામેલા મોરબીને પુનઃ સ્થાપિત કર્યું.

શ્રી માધવસિંહ સોલંકી

૨૪-૧૨-૭૬ થી ૧૧-૪-૭૭, ૬-૬-૮૦

થી ૬-૭-૮૫, પહેલી વખત ૧૦૭ દિવસ

૧૧-૩-૮૫ થી ૬-૭-૮૫,  બીજી વખત પાંચ વર્ષ અને ૨૯ દિવસ કુલ પાંચ વર્ષ અને ૧૩૬ દિવસ

૧૦-૧૨-૮૯ થી ૩-૩-૯૦, ત્રીજી વખત ૮૩ દિવસ  કુલ પાંચ વર્ષ અને ૨૧૯ દિવસ

માર્ચ, ૧૯૭૬ માં બાબુભાઇ પટેલની સરકારના પતન પછી માધવસિંહ સોલંકીએ પોતાનું મંત્રીમંડળ રચ્યું. ૧૯૨૭માં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદર ગામે જન્મેલા માધવસિંહે પત્રકાર તરીકે પણ કામ કર્યું છે. ૧૯૭૭માં વિધાનસભામાં બહુમતી ઘટતાં તેમણે રાજીનામું આપી દીધું હતું, પરંતુ ૧૯૮૦ માં ૧૩૯ બેઠકોના વિજય સાથે તેમણે પુનઃ મુખ્યમંત્રીપદ સંભાળ્યું અને મંત્રીમંડળની પાંચ વર્ષની મુદત પૂરી કરનાર તેઓ ગુજરાતના પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર મુખ્યમંત્રી બન્યા.

૧૯૮૫ની ચૂંટણીમાં જીતી તેઓ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા પછી અનામતિવરોધી આંદોલને તેમનો ભોગ લીધો. માધવસિંહ સોલંકી ખામ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, આદિવાસી અને મુસ્લિમ) થિયરીને ગુજરાતમાં પ્રચિલત કરી એવું કહેવાય છે. સાહિત્યપ્રેમી માધવસિંહે ઉદ્યોગોના વિકાસ માટે પગલાં લીધાં. તેમણે સરદાર સરોવર બાંધકામનો પ્રારંભ કર્યોં. તેમણે પ્રાથમિક શાળામાં મફત મધ્યાહન ભોજન યોજના અમલી કરી. ૧૯૮૯ માં તેઓ ચોથીવાર મુખ્યમંત્રી બન્યા હતાં.

 શ્રી અમરસિંહ ચૌધરી

 ૬-૭-૮૫ થી ૯-૧૨-૮૯, ૪ વર્ષ અને ૧૫૬ દિવસ કુલ ૧૬૧૬ દિવસ

 જુલાઇ, ૧૯૮૫માં માધવસિંહ સોલંકીના અનુગામી તરીકે અમરસિંહ ચૌધરી રાજયના મુખ્યમંત્રી બન્યા. ૪૪ વર્ષની સૌથી નાની વયે રાજયના મુખ્યમંત્રી બનનાર અમરસિંહ ચૌધરીનો જન્મ સુરત જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામે થયો હતો. તેમણે રાજયમાં શાંતિ સ્થાપી. ૧૯૮૮ માં તેમણે નર્મદા કોર્પોરેશન રચ્યું. તેમના કાળમાં ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યો તેનો તેમણે કુનેહપૂર્વક સામનો કર્યોં. તેમણે નર્મદામાંથી પીવાના પાણીની પાઇપલાઇન યોજનાને મંજૂરી આપી.

 શ્રી છબીલદાસ મહેતા

 ૧૭-૨-૯૪ થી ૧૩-૩-૯૫,

૧ વર્ષ અને ૨૪ દિવસ

ચીમનભાઇ પટેલના આકસ્મિક અવસાન પછી ૧૯૯૪માં છબીલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા.

ભાવનગરના મહુવા ગામે ૧૯૨૫માં જન્મેલા છબીલદાસ મહેતાએ સ્વાતંત્રયની લડતમાં તેમણે રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય બનાવવા પ્રયત્નો કર્યાં.

  શ્રી કેશુભાઇ પટેલ

૧૩-૩-૯૫ થી ૨૧-૧૦-૯૫,

(પહેલી વખત ૨૨૧ દિવસ)

૪-૩-૯૮ થી ૭-૧૦-૨૦૦૧

(બીજી વખત ૩ વર્ષ અને ૨૧૬ દિવસ)

કુલ ૧૫૩૨ દિવસ

ભાજપે ૧૯૯૫ માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૨૨ બેઠકો મેળવી અને કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા. ૧૯૩૦ માં રાજકોટમાં જન્મેલા કેશુભાઇએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે નોંધપાત્ર કામ કર્યું હતું. શંકરશિંહ વાઘેલાએ બળવો કરતાં તેમણે મુખ્યમંત્રીપદ છોડવું પડ્યું. ૧૯૯૮ ની ચૂંટણીમાં ભાજપની જીત થઇ અને માર્ચ, ૧૯૯૮માં તેઓ પુનઃ મુખ્યમંત્રી બન્યા. જોકે જાન્યુઆરી, ૨૦૦૧ માં આવેલા ભૂકંપ પછી તેમની અને પક્ષની લોકપ્રિયતા ઘટતાં કેન્દ્રીય મોવડીમંડળે તેમના સ્થાને નરેન્દ્રમોદીને મુખ્યમંત્રી બનાવ્યાં.

કેશુભાઇનું પ્રથમ વખતનું શાસન ઘણું વખણાયું હતું, પરંતુ બીજી વખતના શાસનમાં વહીવટી તંત્ર ઉપરની તેમની પકડ ઢીલી થઇ હોવાનું પ્રજાએ અનુભવ્યું. તેમણે ગોકુળગ્રામ યોજના, ઇન્ફર્મેશન ટેકનોલોજીનો વિકાસ વગેરે ક્ષેત્રે કાર્ય કર્યું. તેમના શાસનમાં નર્મદા યોજનાનું સ્થગિત કામ પુનઃ શરૂ થયું.

 શ્રી સુરેશચંદ્ર મહેતા

 ૨૧-૧૦-૯૫ થી ૧૯-૯-૯૬

(૩૩૪ દિવસ)

શંકરસિંહ વાઘેેલાના બળવા પછી સુરેશચંદ્ર મહેતા રાજયના મુખ્યમંત્રી બન્યા. કચ્છમાંથી પ્રથમ મુખ્યમંત્રી બનનાર સુરેશભાઇનો જન્મ ૧૯૩૬માં માંડવીમાં થયો હતો. જોકે તેઓ લાંબો સમય સત્ત્।ા પર રહી શકયા નહિ અને ઓકટોબર ૧૯૯૬માં તેમની સરકારનું પતન થયું.

તેઓ ભલે લો પ્રોફાઇલ વ્યકિત ગણાતા હોય, પણ તેમનામાં કાર્યદક્ષતા ઘણી ઓછી છે. તેમણે મુખ્યમંત્રી તરીકે ખાસ કોઇ છાપ છોડી નહીં. તેઓ ૨૦૦૨માં ગુજરાત વિધાનસભામાંની ચૂંટણી હારી જતાં તેમની કારકિર્દીને મોટો ફટકો પડ્યો.

 શ્રી શંકરસિંહ વાઘેલા

૨૩-૧૦-૯૬ થી ૨૮-૧૦-૯૭ (એક વર્ષ અને ચાર દિવસ) કુલ ૩૬૯ દિવસ

ભાજપમાંથી મુખ્યમંત્રી તરીકેના પ્રબળ દાવેદાર શંકરસિંહ વાઘેલા ૧૯૯૬માં રાષ્ટ્રીય જનતા પક્ષ સ્થાપીને કોંગ્રેસની મદદથી મુખ્યમંત્રી બન્યા. આશરે એક વર્ષ મુખ્યમંત્રી તરીકે કામ કર્યું. પણ તાત્કાલિક નિર્ણયો લઇને તેમણે રાજયની પ્રજાને પ્રજાને પ્રભાવિત કરી અને એક મજબૂત અને મક્કમ નેતા તરીકેની પોતાની ઓળખને સુદ્દઢ કરી.

 શ્રી દિલીપભાઇ પરીખ

 ૨૮-૧૦-૯૭ થી ૪-૩-૯૮ (૧૮૮ દિવસ)

માત્ર ચારેક મહિના માટે મુખ્યમંત્રીપદે રહેનાર દિલીપભાઇ પરીખ અત્યંત પ્રવાહી અને અનિશ્યિત રાજકીય પરિસ્થિતમાં ખાસ કશું કરી શકયા નથી. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સૌથી ઓછો સમય મુખ્યમંત્રીપદે રહેવાનો વિક્રમ તેમના નામે છે. તેઓ શંકરસિંહ વાઘેલાની ઘણી નજીક હતા. અને અકસ્માતે મુખ્યમંત્રી બન્યા.

શ્રી નરેન્દ્રભાઈ મોદી

૭-૧૦-૨૦૦૧ થી ૨૨-૧૨-૨૦૦૨

૨૨-૧૨-૨૦૦૨ થી ૨૨-૪-૨૦૧૪  ૧૨ વર્ષ અને ૨૨૭ દિવસ (સૌથી વધુ ૪૪૬૫ દિવસનું શાસન)

'નમો'તરીકે જાણીતા મોદીનો જન્મ ઉત્ત્।ર ગુજરાતના વડનગરમાં ૧૭-૯-૧૯૪૯ ના રોજ થયો છે. તેઓ કુશળ સંગઠક. એક લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે તેમણે પોતાની આગવી આભા અને ઓળખ ઊભી કરી હતી. ભારતની ૧૨૫ કરોડની પ્રજાના વડાપ્રધાન થવા પહેલાં તેમણે ગુજરાતના વિકાસને આખા વિશ્વમાં પહોંચાડ્યો. 'પાંચ કરોડ ગુજરાતીઓ'ના નેતૃત્વકાર ગણાતા નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિકાસના પંથે લઇ જવામાં સફળતા મેળવી હતી. તેમનું વ્યકિતત્વ ઘણું આકર્ષક અને વકતૃત્વ પ્રભાવક. 'વાઇબ્રન્ટ ગુજરાત'ના સૂત્ર તળે તેમણે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરીને ગુજરાતમાં કરોડો રૂપિયાનું મૂડી રોકાણ આકર્ષિત કરવામાં સફળતા મેળવી. કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, આઈટી, વગેરે ક્ષેત્રે તેમણે નવી નવી પહેલ કરી. માર્કેટિંગમાં માહેર. પ્રજા અને પક્ષ બન્ને પર એકસરખી પકડ. જે માને તે કરે અને જે કરે તે લોકોને મનાવીને જ રહે.

શ્રી આનંદીબહેન પટેલ

૨૨-૪-૨૦૧૪ થી ૬-૮-૨૦૧૬ ૨ વર્ષ અને ૭૭ દિવસ, કુલ ૮૩૬ દિવસ

'બહેન'ના હુલામણા નામથી ઓળખાતાં આનંદીબહેન પટેલને ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાની તક મળી.ગુજરાત સરકારમાં સૌથી અનુભવી મંત્રી. મહેસાણના વિજાપુર તાલુકાના ખરોડ ગામે ૨૧-૧૧-૧૯૪૧ના રોજ આનંદીબહેનનો જન્મ થયો હતો.૧૯૮૬માં રાજકીય ક્ષેત્રે પ્રવેશેલાં બહેન મૂળે તો શિક્ષિકાનો જીવ. પોતે  સ્ત્રી હોવાથી  સ્ત્રીની પીડા, દુઃખ કે અન્ય લાગણીઓ યોગ્ય રીતે જાણી-સમજી અને અનુભવતાં આનંદીબહેને રાજયનાં દરેક ગામના દરેક ઘરમાં શૌચાલય બનાવવાની નેમ કરી. એના અસરકારક અમલ માટે રાજય સરકારની ઘર શૌચાલય યોજનાનોનું નેતૃત્વ ગામની આગેવાન મહિલાઓને સોપ્યું. રાજયને કુપોષણ મુકત બનાવવાના અભિયાનને પ્રોત્સાહન વેગ મળે તે માટે કૃષિ મહોત્સવના સમાપન પ્રસંગે તેમને મળેલી ખાદ્યચીજવસ્તુઓની ભેટ જિલ્લાની આંગણવાડીઓમાં બાળકો-સગર્ભા માતાઓને અપાતી હતી.આ ઉપરાંત મહિલા સુરક્ષા અને મહિલા સશકિતકરણ અંતર્ગત અનેક પ્રવૃત્ત્િ।ઓ હાથ ધરી હતી. તેમણે પોતાને બે વર્ષના કાર્યકાળમાં કામ ઘણું કર્યું પણ કદાચ સમય અને નસીબ તેમની ફેવરમાં નહોતું. પહેલાં પાટીદારોનું આંદોલન તેમને નડ્યું અને બાકી હતું તે દલિતો પર થયેલા અત્યાચારોએ પૂરું કર્યું. કમનસીબી એવી કે ગુજરાતનાં પહેલાં મુખ્યમંત્રી પોતાનો ત્રણેક વર્ષનો કાર્યકાળ પણ પૂરો ના કરી શકયાં.

શ્રી વિજયભાઈ રૂપાણી

૦૭-૦૮-૨૦૧૬થી ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી , પાંચ વર્ષ અને ૩૭ દિવસ

(કુલ ૨૦૦૭ દિવસ)

આનંદીબહેનના રાજીનામા પછી તેમના અનુગામી માટે ભારે રહસ્ય રહ્યું. છેવટે વિજયભાઈ રૂપાણીને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેઓ ભાજપ ગુજરાતના પ્રમુખ હોવા ઉપરાંત આનંદીબહેન સરકારમાં મંત્રી પણ હતા. રાજકોટના આ ધારાસભ્ય કુશળ સંગઠક ગણાય છે. તેમણે ખૂબ જ નાજુક સ્થિતિમાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમણે પાટીદાર આંદોલનને વધારે ઉગ્ર બનવા ના દીધું.

તેમની સાથે નીતિનભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમનું નામ મુખ્યમંત્રી તરીકે બોલાતું હતું. તેઓ અનુભવી મંત્રી હતા. વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ૨૦૧૭ની ચૂંટણી ભાજપ લડ્યું અને ૯૯ બેઠકો સાથે જીત્યું હતું. જોકે તેની બેઠકો ઘટી હતી. વિજયભાઈ સાલસ, સૌમ્ય અને સૌને સાથે રાખીને કામ કરનારા હતા. તેમના કાર્યકાળમાં કોઈ મોટી સમસ્યા ના આવી. તેમણે શાંતિથી શાસન કર્યું હતું. કોરોનાની બીજી લહેરમાં તેમને તકલીફ પડી. હાઈકોર્ટે ઠપકો આપ્યો. તેમનો વહીવટી તંત્ર પર અંકુશ નહોતો તેવી ફરિયાદ થઈ. પાંચ વર્ષમાં તેમના પર એક પણ વ્યકિતગત આક્ષેપ થયો નહોતો કે એકપણ આંદોલન થયું નહોતું. કોરોના જેવી મહામારીની કામગીરીની સર્વોચ્ચ અદાલત અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નોંધ લીધી હતી. જોકે સંગઠન અને શાસન વચ્ચેના સંઘર્ષ અને ખાસ તો ડિસેમ્બર, ૨૦૨૨ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ તેમને બદલવામાં આવ્યા હતા. તેઓ એક શાંત, સરળ, સહિષ્ણુ મુખ્યમંત્રી તરીકે યાદ રહેશે.

શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

(૧૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧થી...)

સત્તરમા મુખ્યમંત્રી

અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારના શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુખ્યમંત્રી તરીકેની પસંદગીએ તમામ લોકોને ચોંકાવી નાખ્યા હતા. તેઓ અમદાવાદ મહાનગરપાલિકામાં બે ટર્મ સ્ટેડિંગ કમિટીના ચેરમેન હતા તો ઔડાના પણ એક ટર્મ ચેરમેન હતા. તેઓ સૌમ્ય, સાલસ અને સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. તેમની પાસે ૧૫ મહિનાનો સમય છે. આ સમયમાં તેમણે એવું કામ કરવાનું છે કે ડિસેમ્બર ૨૦૨૨ કે તે પહેલાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિજય અપાવવાનો છે. (૨૧.૨૮)

ગુજરાતના અત્યાર સુધીના મુખ્યમંત્રી

 

૦૧ ડો. જીવરાજ મહેતા તા.૧-૫-૧૯૬૦થી તા.૧૯-૯-૬૩

૦૨ બળવંત મહેતા     તા.૧૯-૯-૬૩થી તા.૧૯-૯-૬૫

૦૩ હિતેન્દ્રભાઇ દેસાઇ  તા.૧૯-૯-૬૫થી તા.૧૩-૫-૭૧

૦૪ ઘનશ્યામભાઇ ઓઝા       તા.૧૭-૩-૭૨થી તા.૧૭-૭-૭૩

૦૫ ચીમનભાઇ પટેલ   તા.૧૭-૭-૭૩થી તા.૯-૨-૭૪

૦૬ બાબુભાઇ જ. પટેલ તા.૧૮-૬-૭૫થી તા.૧૨-૩-૭૬

૦૭ માધવસિંહ સોલંકી  તા.૨૪-૧૨-૭૬થી તા.૧૧-૪-૭૭

૦૮ બાબુભાઈ જ. પટેલ તા.૧૧-૪-૭૭થી તા.૧૭-૨-૮૦

૦૯ માધવસિંહ સોલંકી  તા.૬-૬-૮૦થી તા.૬-૭-૮૫

૧૦ અમરસિંહ ચૌધરી   તા.૬-૭-૮૫થી તા.૯-૧૨-૮૯

૧૧ માધવસિંહ સોલંકી  તા.૧૦-૧૨-૮૯થી તા.૩-૩-૯૦

૧ર  ચીમનભાઈપટેલ   તા.૪-૩-૯૦થી તા. ૧૭-૨-૯૪

૧૩ છબીલદાસ મહેતા  તા.૧૭-૨-૯૪થી તા.૧૩-૩-૯૫

૧૪ કેશુભાઇપટેલ       તા.૧૩-૩-૯૫થી તા.૨૧-૧૦-૯૫

૧૫ સુરેશચંદ્ર મહેતા    તા.૨૧-૧૦-૯૫થી તા. ૧૯-૯-૯૬

૧૬ શંકરસિંહ વાઘેલા   તા.૨૩-૧૦-૯૬થી તા.૨૮-૧૦-૯૭

૧૭ દિલીપભાઇ પરીખ  તા.૨૮-૧૦-૯૭થી તા. ૪-૩-૯૮

૧૮ કેશુભાઈ પટેલ      તા.૪-૩-૯૮થી તા.૭-૧૦-૨૦૦૧

૧૯ નરેન્દ્રભાઇ મોદી    તા.૭-૧૦-૨૦૦૧થી તા.રર-૪-૨૦૧૪

ર૦  આનંદીબહેન પટેલ તા.૨૨-૪-૨૦૧૪થી તા.૬-૮-૨૦૧૬

ર૧  વિજયભાઇ રૂપાણી તા.૭-૮-૨૦૧૬થી  તા.૧૧-૯-૨૦૨૧

૨૨ ભૂપેન્દ્રભાઇ પટેલ   તા. ૧૩-૯-૨૦૨૧ થી

: આલેખન :

રમેશ તન્ના

૯૮૨૪૦ ૩૪૪૭૫

(3:33 pm IST)