Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

સ્વર્ણિમ સંકુલની ઓફિસો ધડાધડ કરાવાઇ ખાલી કયા નેતાઓને કાર્યાલય છોડવા અપાયો આદેશ?

રૂપાણી સરકારના ૯૦ ટકા મંત્રીઓ ભૂપેન્દ્રભાઇ પટેલના નવા મંત્રીમંડળમાં પડતા મૂકી શકાય છેઃ એટલે કે નો રિપીટ થિયરી આજના આ મંત્રીમંડળમાં અપનાવાઇ શકે છે

અમદાવાદ, તા.૧૫: ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળના સભ્યોની આજે ગાંધીનગરમાં શપથવિધિ યોજાવા જઇ રહી છે ત્યારે ભૂપેન્દ્રભાઇ પટેલના નવા પ્રધાનમંડળમાં કોણ-કોણ સામેલ હશે તેને લઈને સૌ કોઈમાં કુતૂહલતા જોવા મળી રહી છે. હાલમાં ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા સૂચના આપી દેવામાં આવી છે. જેથી તમામ એક બાદ એક ધારાસભ્યો ગાંધીનગર જવા રવાના થઇ રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, આજ રોજ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે નવા પ્રધાનમંડળની શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલમાં આ મંત્રીમંડળને ધ્યાનમાં રાખી અત્યારથી સ્વર્ણિમ સંકુલની ઓફિસ ખાલી કરવામાં આવી રહી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઓફિસ ખાલી કરાવાઇ છે, તો મંત્રી ઇશ્વર પરમારનું કાર્યાલય પણ ખાલી કરાવી દેવાયું છે. તદુપરાંત વિભાવરીબેન દવે અને કુમાર કાનાણી અને વાસણ આહીરની પણ ઓફિસ ખાલી કરાવાઇ છે. જયારે મંત્રી આર.સી ફળદુનું કાર્યાલય યથાવત રાખવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે, રૂપાણી સરકારના ૯૦ ટકા મંત્રીઓ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં પડતા મૂકી શકાય છે. એટલે કે નો રિપીટ થિયરી આજના આ મંત્રીમંડળમાં અપનાવાઇ શકે છે.

ગાંધીનગરમાં વિજયભાઇ રૂપાણી સરકારના મંત્રીઓની ઓફિસ ખાલી કરવાનું શરૂ કરી દેવાયું છે. જેમાં વિભાવરીબેન દવે, રમણ પાટકર, બચુભાઇ ખાબડ, ઈશ્વર પરમાર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કિશોર કાનાણી, વાસણ આહીર વગેરે મંત્રીઓની ઓફિસ ખાલી કરાવવામાં આવી છે.

રાજયના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલે શપથગ્રહણ કર્યા બાદ નવા પ્રધાનમંડળની રચનાને લઈને કવાયત શરૂ થઈ છે. આજે ગાંધીનગર ખાતે ભૂપેન્દ્રભાઇ પટેલની નવી સરકારના નવા મંત્રીમંડળમાં શપથવિધિ લેનાર નેતાઓના સંભવિત નામો સામે આવ્યાં છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, આજ રોજ ગાંધીનગર ખાતે યોજાનાર શપથવિધિમાં આત્મારામ પરમાર, રાકેશ શાહ, દુષ્યંત પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, સી. કે રાઉલજી, નિમિષા સુથાર, જગદીશ પંચાલ, કિરીટસિંહ રાણા, રાજેન્દ્ર ત્રિવેદી, રમણ પટેલ, ઋષિકેશ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા અને જીતુ ચૌધરી વગેરે નેતાઓ શપથ લઇ શકે તેવી શકયતા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળના સભ્યોની જે શપથવિધિ આવતી કાલે ૧૬ તારીખના રોજ યોજાવાની હતી તે આજે ગાંધીનગરમાં યોજાશે. તે માટે ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા સૂચના આપી દેવામાં આવી છે. ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે નવા પ્રધાન મંડળની શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં કોણ કોણ હશે તેને લઈને સૌ કોઈમાં કુતૂહલ છે. ત્યારે શપથવિધિની ગણતરીના કલાકો પહેલાં જ ગાંધીનગર પહોંચેલા ભાજપના ધારાસભ્યોને શપથવિધિ માટે ફોન કરીને જાણ કરવામાં આવશે. ૨૫ થી વધુ ધારાસભ્યોને પ્રધાન મંડળમાં સ્થાન મળી શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રધાનમંડળનું પરિરૂપ લગભગ નવું જ રહેશે અને હાલના પ્રધાનમંડળમાંથી ફકત પાંચ કે છ પ્રધાનોનો જ નવી કેબિનેટમાં સમાવેશ થાય તેવી શકયતા છે.

નવા પ્રધાનમંડળમાં રૂપાણી સરકારના ૧૦ કરતા વધુ પ્રધાનોની બાદબાકી થવાની શકયતા

અત્રે નોંધનીય છે કે, નવા પ્રધાનમંડળમાં રૂપાણી સરકારના ૧૦ કરતા વધુ પ્રધાનોની બાદબાકી થવાનું મનાઇ રહ્યું છે જયારે કે ૧૨ થી ૧૪ જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રધાનમંડળનું પરિરૂપ લગભગ નવું જ રહેશે અને હાલના પ્રધાનમંડળમાંથી ફકત પાંચ કે છ પ્રધાનોનો જ નવી કેબિનેટમાં સમાવેશ થાય તેવી શકયતા છે.(૨૩.૨૭)

રૂપાણી સરકારના ૧૧માંથી ૭ની બાદબાકી કરી ૪ને સ્થાન મળી શકે નવી સરકારના સંભવિત મંત્રીઓ

નીમાબહેન આચાર્ય- ભૂજ

જગદીશભાઇ પટેલ- અમરાઈવાડી

શશીકાંત પંડ્યા- ડીસા

રૂષિકેશ પટેલ- વિસનગર

ગજેંદ્રસિંહ પરમાર-પ્રાંતિજ

ગોવિંદભાઇ પટેલ- રાજકોટ

આર.સી.મકવાણા- મહુવા

જીતુભાઇ વાઘાણી- ભાવનગર

પંકજભાઇ દેસાઇ- નડીયાદ

કુબેર ડિંડોર- સંતરામપુર

કેતનભાઇ ઇનામદાર- સાવલી

મનીષાબેન વકિલ- વડોદરા

દુષ્યંતભાઇ પટેલ- ભરૂચ

સંગીતાબેન પાટીલ- સુરત

મોહનભાઇ ઢોડિયા- મહુવા

નરેશભાઇ પટેલ- ગણદેવી

કનુભાઈભાઇ દેસાઈ- પારડી

ડો. આશાબેન પટેલ- ઊંઝા

હર્ષભાઇ સંઘવી- સુરત

ગુજરાતમાં આજે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના મંત્રીમંડળની શપથવિધિ યોજવામાં આવી છે. ત્યારે રૂપાણી સરકારના ૨૨ મંત્રીના કદને ઘટાડી ૧૬ મંત્રી શપથ લે એવી શકયતાઓ છે, જેમાં રૂપાણી સરકારના ૧૧ કેબિનેટ મંત્રીમાંથી માત્ર દિલીપભાઇ ઠાકોર, ગણપત વસાવા, જયેશભાઇ રાદડિયાને રિપીટ કરવામાં આવે એવી શકયતા છે. રાજયકક્ષાના રૂપાણી સરકારના ૧૧માંથી ૭ની બાદબાકી કરીને માત્ર ૪ મંત્રીને સ્થાન આપવામાં આવી શકે છે.

(3:31 pm IST)