Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ઉકાઈ ડેમમાંથી છોડાયેલું પાણી સુરત પહોંચ્યું: તાપી નદી બે કાંઠે:વિયર કમ કોઝવે ઓવરફલો

સુરત જિલ્લા કલેકટર અને કોર્પોરેશન દ્વારા તમામ સ્થિતિ ઉપર રખાતી નજર

સુરત :સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની મોસમ બરાબરની જામી છે. ચારે તરફ મેઘ મહેર જોવા મળી રહી છે. ઉકાઈ ડેમની સપાટી 341 ફૂટ નોંધાઇ છે. જેથી ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા 98 હજાર કરતાં વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી છોડાતું પાણી સુરત તાપી નદીમાં બે કાંઠે વહેતું જોવા મળ્યું છે. તાપી બે કાંઠે વહેતી થતાં નદીનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.

  ઉકાઇ ડેમમાંથી સતત પાણી છોડાતું હોવાથી સુરત અને તાપી જિલ્લાના જળાશયો પાણીથી છલકાઈ ગયા છે. બે વર્ષ ચાલે તેટલો પાણીનો સંગ્રહ થયા બાદ હવે વહીવટીતંત્ર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી અને તેને કારણે જ હવે વહીવટી તંત્ર દ્વારા ઉકાઈ ડેમનું રૂલલેવલ કરતાં વધારે પાણીનો સંગ્રહ ન કરવાનું હોય તેવી રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની અંદર પાણીની આવકમાં ફરી વધારો થાય તો ચિંતાજનક સ્થિતિ સર્જાઈ શકે છે અને તેને ધ્યાનમાં રાખીને જ વહીવટી તંત્ર દ્વારા પાણીની આવક 28 હજાર ક્યુસેક હોવા છતાં પણ એક લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે ઉકાઈ ડેમની જળ સપાટી મેઈન્ટેન રાખી શકાય.

  સુરતનો વિયર કમ કોઝવે પણ ઓવરફલો થયો છે. તાપી નદીમાં પાણી છોડાતાની સાથે જ સુરતનો વિયર કમ કોઝવે ઓવરફલો થઇ ગયો છે. તાપી બંને કાંઠે વહેતી થતાં ખૂબ જ રમણીય દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. જો ઉકાઈ ડેમની અંદર પાણીની આવકમાં વધારો થાય તો વહીવટીતંત્ર માટે મુશ્કેલી સર્જી શકે છે. હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. સુરત જિલ્લા કલેકટર અને કોર્પોરેશન દ્વારા તમામ સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે

(11:15 am IST)