Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહી હૃદય સ્પર્શી વાત

કાલે પણ સીએમ હતો, આજે પણ છું અને આગળ પણ રહીશ

નવી દિલ્હી,તા.૧૫: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને હાલ એકાએક સીએમ પદ પરથી હટાવીને તેમના સ્થાને ભૂપેન્દ્રભાઇ પટેલને રાજયના નવા મુખ્યમંત્રી તરીકે સ્થાન આપ્યું છે. ત્યારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનારા વિજય રૂપાણીએ મંગળવારે એક નિવેદન આપ્યું હતું એમાં તેમણે જણાવ્યું હતું કે, 'તે પહેલા પણ સીએમ હતા, આજે પણ છે અને તે આગળ પણ રહેશે. જો કે, અહીં સીએમ શબ્દનો મુખ્યમંત્રી નહીં.

વિજયભાઇ રૂપાણીએ એ પણ જણાવ્યું કે, તેમને કયારે રાજીનામુ આપવા માટે કહેવામાં આવ્યુ? તેમણે પોતાની ચર્ચા દરમિયાન જણાવ્યું કે, મને આગલી રાત્રે કહેવામાં આવ્યું હતું કે તમારે રાજીનામું આપવું પડશે અને પછી મે બીજા દિવસે બપોરે મારા હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે જાતે જ સંગઠનમાં જોડાવાની ઇચ્છા વ્યકત કરી હતી તેવું તેમનું કહેવું હતું.

પાંચ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ' હું પહેલા પણ સીએમ હતો, હું આજે પણ સીએમ છું અને આગળ પણ સીએમ એટલે કે સામાન્ય માણસ તરીકે મારી ફરજો બજાવતો રહીશ. જો પાર્ટી મને બૂથ લેવલ આપે છે, જે ખૂબ જ નાની જવાબદારી છે તો હું તેને પણ લેવા માટે તૈયાર છું.' સવારે રુપાણીની પુત્રીએ સોશિયલ મીડિયા પર તેના પિતા સાથે સંકળાયેલ એક પ્રશ્ન પૂછ્યો હતો કે, શું રાજકારણમાં સરળ હોવું એ કોઈ ગુનો છે?

રાધિકાએ લખ્યું, 'મારા પિતાએ કયારેય પોતાનું અંગત સ્વાર્થ જોયું નથી, તેમને જે પણ જવાબદારી સોંપવામાં આવી છે તે તેમણે નિભાવી છે. સૌથી પહેલા તે કચ્છમાં ભૂકંપમાં ફંસાયેલા લોકોની મદદ માટે ગયા હતા. બાળપણમાં તે અમને કયાંય બહાર ફરવા ના લઇ જતા પરંતુ, કાર્યકર્તાની જગ્યાએ લઈ જતા હતા. તે તેમની પરંપરા રહી છે. આતંકવાદી હુમલો થયો ત્યારે મારા પિતા સ્વામી નારાયણ અક્ષરધામ મંદિર પહોંચનાર પ્રથમ વ્યકિત હતા.'

ભૂપેન્દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ ભાજપના ઘણા નેતાઓ ગુસ્સે થયા હોવાની અટકળો પણ ચાલી રહી છે. ભાજપ હાઈકમાન્ડે મંગળવારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે મુલાકાત કરી હતી.આ બેઠકમાં ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, બીએલ સંતોષ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિજયભાઇ રૂપાણીએ ગત શનિવારે એકાએક મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. બપોરે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે વર્ચ્યુઅલ મિટિંગમાં ભાગ લીધો હતો અને થોડા સમય પછી તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજયપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા ત્યાં સુધી કોઈએ તેમના રાજીનામાની ખબર પણ નહોતી. બીજા દિવસે ગાંધીનગરમાં યોજાયેલી ભાજપ વિધાનસભા પાર્ટીની બેઠકમાં ભૂપેન્દ્રભાઇ પટેલ રાજયના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. 

(9:54 am IST)