Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

હવે નર્મદા ડેમ ઓવરફ્લો થવાની બિલકુલ નજીક છે

૧૩૮.૬૮ મીટરની મહત્તમ સપાટીની નજીક : ડેમ સપાટી ૧૩૮.૫૫ મીટર પર પહોંચી : ઓવરફલોની તૈયારી : નદી કાંઠાના ૧૭૫થી વધારે ગામને એલર્ટ કરાયા

અમદાવાદ, તા.૧૫ : કેવડિયા ખાતે નર્મદા ડેમની સપાટી આજે ૧૩૮.૫૫ મીટરે પહોંચી ગઇ છે. ડેમ તેની સર્વોચ્ચ સપાટી ૧૩૮.૬૮ મીટરથી માત્ર ૧૩ સે.મી. જ દૂર છે. દર કલાકે નર્મદા ડેમની સપાટીમાં ૧ સે.મી.નો વધારો થઇ રહ્યો છે. જેથી ગમે તે ઘડીએ ડેમ છલકાવવાની તૈયારીમાં જ છે. જેને લઇ હવે રાજય સરકાર અને ભાજપ દ્વારા તા.૧૭મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને જ તેમના હસ્તે નર્મદાના નીરના વધામણાં અને નમામિ દેવી નર્મદે મહોત્સવની બેવડી ઉજવણી કરવાનું આયોજન હાથ ધરાયું છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમ તેની ઐતિહાસિક સપાટીથી હવે માત્ર ૧૩ સે.મી. જ દૂર છે. ડેમમાં હાલ ૯.૫૦ લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે ડેમના ૨૩ દરવાજા ખોલીને ૮.૧૧ લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં ૫૪૮૪.૪૭ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા નદી કાંઠાના વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના ૧૭૫થી વધુ ગામો હાલ એલર્ટ પર છે અને તમામ ગામોમાં ટીડીઓ અને અને સરપંચોને સ્ટેન્ડ બાય કરાયા છે.

           કેવડિયા પાસે આવેલો ગોરા બ્રિજ પાણીમાં ગરકાવ થઇ જતા છેલ્લા સાત દિવસથી વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં નર્મદા ડેમના દરવાજા લાગ્યા બાદ ડેમ પ્રથમ વખત સંપૂર્ણપણે ભરાઇ જશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૭ સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે જ કેવડિયા ખાતે નર્મદા નીરના વધામણા કરશે. જેના માટે તંત્ર દ્વારા હાલ તૈયારીઓ કરવામાં આવી રહી છે. નર્મદા ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીને પગલે ભરૂચ સ્થિત ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી ૩૦.૨૫ ફૂટ થઇ છે. જેને પગલે ભરૂચના કાંઠા વિસ્તારના ગામો પાણીમાં ગરકાવ છે. રાજ્યના સહકારપ્રધાને નર્મદા અને અંકલેશ્વરના અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. બીજીબાજુ, નર્મદા નદીમાં જળસપાટી ગંભીર રીતે વધતાં ભરૂચ, ઝઘડિયા, નર્મદા સહિતના નદીકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી દોઢ હજારથી વધુ લોકોનું સ્થળાંત કરાવવામાં આવ્યું હતું. તો વડોદરાના ૨૫ ગામોને હાઇએલર્ટ પર રખાયા છે.

(9:33 pm IST)